'ક' ક્યારેક નેગેટિવ સાબિત થઈ જતો હોય છે. ઘણાં શબ્દોના અર્થ બદલી નાંખે છે. અરે માત્ર અર્થ જ નહીં, જિંદગી પણ બદલી નાંખે છે. જેમ કે, મોસમને લાગે તો 'ક'મોસમ, જોડું (યુગલ)ને લાગે તો 'ક'જોડું, પૂત (પુત્ર)ને લાગે તો 'ક'પૂત અને માણી (આનંદ- સુખ- ઉપયોગ કરવો)ને લાગે તો... 'ક'માણી'!! કમાણી પાછળની આંધળી દોટ મૂકનારા માણસો સાચા અર્થમાં જિંદગીને માણી નથી શકતાં. ગદ્ધાવૈતરું, મજૂરી, મહેનત કે પુરુષાર્થ કરી ચૂકેલા, કરી રહેલા કે કરનારા 100માંથી 90 ટકા માણસો આખી જિંદગી કમાણી પાછળ જ રચ્યા પચ્યા રહેવાના. 'ક' એવો કનડે કે જિંદગી માણવાની રહી જાય! પૈસા કમાવાની અને ભેગો કરવા પાછળની દોટમાં માણસ એ પણ ભૂલી જાય છે કે, પૈસા બહોત કુછ હે મગર સબ કુછ નહીં...પૈસો જીવનને વધુ સરળ અને આરામદાયક બનાવવા ઉપરાંત આપણી જરૂરિયાતો અને ઇચ્છાઓ પણ સંતોષી શકે છે. પરંતુ પૈસો જીવનના તમામ સુખ આપી શકતો નથી. માટે જો સુખની સંખ્યા મેક્સિમમ કરવી હોય તો કમાવાની શરૂઆત સાથે સાથે જ રિટાયરમેન્ટ પ્લાનિંગ અને અમલ શરૂ કરી દેવાં જોઈએ. જેથી ખાસ કરીને સામાન્ય રોકાણકાર તેની કમાણી (અર્નિંગ)માંથી કરેલા સેવિંગ્સ અને ઇન્વેસ્ટમેન્ટમાંથી રિટાયરમેન્ટ સમયે પૂરતાં પ્રમાણમાં આવક (રેવન્યૂ) જનરેટ કરી શકે.
ખાસ કરીને યુવા વર્ગે સૌપ્રથમ કમાણીની સાથે સાથે જ એટલિસ્ટ 10 ટકા રકમનું સેવિંગ્સ, ઇન્વેસ્ટમેન્ટ શરૂ કરી દેવું જોઈએ. જેમ જેમ કમાણી વધતી જાય તે રીતે તેમાં વધારે કરતાં જવો જોઈએ. કારણકે ધીરે ધીરે ટેક્નોસાવી કોર્પોરેટ કલ્ચરના પરિમાણો બદલાઈ રહ્યા છે અને 'ચાલીસ (40) પછી ચાલીશ (કામ કરી શકશો), દોડીશ તો પડી જઈશ'નો નિયમ લાગુ પડી રહ્યો છે. અર્થાત કંપનીઓએ યુવા કર્મચારીઓને જ પ્રેફ્રન્સ આપવાનું શરૂ કર્યું છે. તેથી પચાસ (50) પછીની નોકરી વસમી (મુશ્કેલ) બની રહી છે. સામે માણસની સરેરાશ જીવાદોરી લંબાઈ રહી છે. તે સંજોગોમાં 'પરોઢિયાનું દળ્યું અને જવાનીનું રળ્યું' અનુસાર કમાણીની સાથે સાથે સંપત્તિ સર્જન ઉપર પૂરતું ધ્યાન આપવું રહ્યું નહીં તો 'દળી દળીને ઢાંકણીમાં'! અર્થાત જરૂરિયાત અને ઇચ્છા વચ્ચેની ભેદરેખા ભૂંસીને બિનજરૂરી ખોટા ખર્ચમાં જ કમાણી વેડફાઈ જાય અને જીવનના પાછલાં વર્ષોમાં પણ નગદનારાયણની દોડમાં જોતરાયેલા રહેવાનો વારો આવી શકે. બિનજરૂરી ખોટા ખર્ચ ઉપર કન્ટ્રોલ એ પણ એક જાતની કમાણી જ છે!!
'ક'માણીમાં પણ વિવિધ પ્રકારના 'ક'!!
પ્રયાસ, કમાણી, સંપત્તિ અને ઉપયોગની ચાર કેટેગરી
* યુવાઓ માટેનું રિટાયરમેન્ટ કેલ્ક્યુલેટર
ઇન્વેસ્ટમેન્ટ માટે આજે જ અમારા ફેસબુક પેજ ની મુલાકાત લો.