પાકિસ્તાનની ટીમ બાંગ્લાદેશમાં ટી-20 મેચોની સિરીઝ રમી રહી છે. પરંતુ શનિવારે જ્યારે બંને ટીમો વચ્ચે બીજો મુકાબલો રમાઇ રહ્યો હતો, ત્યારે પાકિસ્તાનના ઝડપી બોલર શાહીન શાહ આફ્રિદીએ બોલિંગ કરતા સમયે બાંગ્લાદેશી બેટ્સમેનને બોલ ફેંકીને માર્યો હતો. શાહીન શાહ આફ્રિદીએ આવું કર્યા બાદ તરત જ બેટ્સમેન પાસે માફી માગી લીધી હતી પરંતુ તેનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ ઝડપી વાયરલ થયો હતો.
બાંગ્લાદેશ-પાકિસ્તાન વચ્ચે બીજી ટી-20 મેચમાં બાંગ્લાદેશની ટીમ પ્રથમ બેટિંગ કરી રહી હતી. ઇનિંગની ત્રીજી ઓવરમાં શાહીન આફ્રિદી જ્યારે બોલિંગ કરી રહ્યો હતો ત્યારે અકીફ હુસેને સિક્સર ફટકારી હતી. તેના પછી જ જ્યારે શાહીન આફ્રિદીએ આગામી બોલ નાંખ્યો તો અફીફ તેને સીધો રમ્યો અને તે બોલ શાહીન પાસે ગયો હતો. પરંતુ તે દરમિયાન જ શાહીને તે બોલ સીધો અફીફ તરફ ફેંક્યો હતો અને બોલ તેના પગ પર લાગ્યો હતો અને અફીફ જમીન પર ઢળી પડ્યો હતો. બાદમાં પાકિસ્તાની ટીમના અન્ય ખેલાડી અફીફ પાસે ગયા હતા, શાહીને પણ બાદમાં અફીફ પાસે માફી માગી હતી. પરંતુ સિક્સર ખાધા બાદ શાહીનના ચહેરા પર જે પ્રકારની નિરાશા દેખાઇ રહી હતી, તે જોઇ સમજી શકાય છે કે તે ગુસ્સામાં હતો.
આઇસીસી એ આપી સજા
આઇસીસી (ICC)એ શાહીન આફ્રિદીએ બેટ્સમેન અફીફ હુસૈનને બોલ મારવાને ગુનો માની લીધો છે. માફી માંગવા છતા તેના પર મેચ ફીસનો 15 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. ગત 24 મહિનામાં શાહીનનો આ પ્રથમ ગુનો છે માટે તેના પર પ્રતિબંધ લગાવાયો નથી.