કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી અને ઉત્તરપ્રદેશ કૉંગ્રેસ પ્રભારી પ્રિયંકા ગાંધીની મુશ્કેલીમાં વધારો થયો છે. હરિયાણામાં જમીનની ખરીદી અને વેચાણ સાથે જોડાયેલા કેસમાં પ્રિયંકા ગાંધીનું નામ સામે આવ્યું. EDએ તેની ચાર્જશીટમાં પ્રિયંકા ગાંધીનો ઉલ્લેખ કર્યો છે.
કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીના નામનો ઉલ્લેખ 'પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ' (PMLA) સાથે જોડાયેલા એક કેસની ચાર્જશીટમાં કરવામાં આવ્યો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ કહ્યું છે કે કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીના જમાઈ રોબર્ટ વાડ્રા અને પુત્રી પ્રિયંકા ગાંધી વાડ્રાએ દિલ્હીમાં રિયલ એસ્ટેટ એજન્ટ દ્વારા હરિયાણામાં જમીન ખરીદી હતી. જે એજન્ટે એનઆરઆઈ બિઝનેસમેન સીસી થમ્પીને પણ જમીન વેચી હતી.
EDના જણાવ્યાનુસાર, રોબર્ટ વાડ્રા અને સીસી થમ્પીના ઘણા જૂના સંબેધો છે અને બંને એકસરખો ધંધો કરવા સિવાય પણ બીજા ઘણા કામો સાથે કરે છે. EDનો આ એક મોટો કેસ છે, જે ફરાર હથિયાર ડીલર સંજય ભંડારી સાથે સંબંધ ધરાવે છે. ભંડારી વિરુદ્ધ મની-લોન્ડરિંગ, ફોરેન એક્સચેન્જ, બ્લેક મની એક્ટ અને ઓફિશિયલ સિક્રેટ એક્ટના ઉલ્લંઘન બદલ વિવિધ એજન્સીઓ દ્વારા તપાસ ચાલી રહી છે. તપાસ એજન્સીઓના ડરને કારણે તે ભારત છોડીને 2016માં જ બ્રિટન ભાગી ગયો હતો.
પ્રિયંકાનું નામ પહેલીવાર ચાર્જશીટમાં
એક અહેવાલ અનુસાર, થમ્પી પર બ્રિટિશના સુમિત ચઢ્ઢા સાથે મળીને ભંડારીને ગુનાની આવક છુપાવવામાં મદદ કરતો હોવાનો આરોપ છે. જો કે, EDએ આ કેસ સાથે સંબંધે અગાઉની ચાર્જશીટમાં રોબર્ટ વાડ્રાને થમ્પીના નજીકના સહયોગી તરીકે નામ આપ્યું છે. પરંતુ, આ પહેલીવાર છે જ્યારે કોર્ટમાં રજૂ કરાયેલા સત્તાવાર દસ્તાવેજમાં પ્રિયંકા ગાંધીનું નામ સામેલ કરવામાં આવ્યું છે.
ચાર્જશીટમાં તપાસ એજન્સીએ આરોપ લગાવ્યો છે કે, એચએલ પાહવાએ વાડરા અને થમ્પી બંનેને જમીનો વેચી દીધી હતી. તેને હરિયાણામાં જમીન ખરીદવા માટે બેનામી પૈસા આપવામાં આવ્યા હતાં અને વાડ્રાએ જમીનના વેચાણ માટે સંપૂર્ણ રકમ ચૂકવી નહોતી.
પાહવાએ 2006માં પ્રિયંકા ગાંધીને ખેતીની જમીન વેચી હતી અને પછી 2010માં તેની પાસેથી પાછી ખરીદી લીધી હતી. આ કેસમાં નોંધનીય બાબત એ છે કે, રોબર્ટ અને પ્રિયંકાના નામ આરોપી તરીકે નથી. પરંતુ થમ્પી અને વાડ્રા વચ્ચેના સંબંધને બતાવવા માટે જમીનની ખરીદી અને વેચાણનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.