ઓડિયન સ્મિથે છેલ્લી ઓવરમાં 3 વિકેટ ઝડપીને બાજી પલટી નાખતા પંજાબ કિંગ્સે છેલ્લા બોલ સુધી રમાયેલી રોમાંચક મેચમાં મુંબઇ ઇન્ડિયન્સને 12 રનથી પરાજય આપ્યો હતો. 5 વખતની ચેમ્પિયન મુંબઇનો વર્તમાન લીગમાં સતત પાંચમો પરાજય છે.
ટોસ જીતીને મુંબઇએ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પંજાબની ટીમે સુકાની અગ્રવાલ તથા ધવનની અડધી સદી વડે 5 વિકેટે 198 રનનો સ્કોર નોંધાવ્યો હતો. તેના જવાબમાં મુંબઇની ટીમ 9 વિકેટે 186 રન નોંધાવી શકી હતી. રનચેઝ કરનાર મુંબઇની ટીમ માટે ડેવાલ્ડ બ્રેવિસે 25 બોલમાં 4 બાઉન્ડ્રી અને 5 સિક્સર વડે 49, તિલક વર્માએ રનઆઉટ થતાં પહેલાં 20 બોલમાં 36 તથા સૂર્યકુમારે 4 સિક્સર અને એક બાઉન્ડ્રી વડે 43 રન બનાવ્યા હતા. પંજાબ માટે સ્મિથે 30 રનમાં 4 વિકેટ તથા રબાડાએ 29 રનમાં બે વિકેટ ઝડપી હતી.
આ અગાઉ ટી20 ક્રિકેટમાં 4 હજાર રન પૂરા કરવાની સિદ્ધિ મેળવનાર અગ્રવાલે 32 બોલમાં 52 તથા ધવને 50 બોલમાં 70 રનનું યોગદાન આપ્યું હતું. બંનેએ પ્રથમ વિકેટ માટે 97 રનની ભાગીદારી નોંધાવી હતી.
જિતેશ શર્માએ 15 બોલમાં અણનમ 30 રન બનાવીને ટીમને 200ના સ્કોર સુધી પહોંચાડી દીધી હતી. બાસિલ થમ્પીએ 47 રનમાં બે વિકેટ હાંસલ કરી હતી.
શિખર ધવને આઇપીએલમાં 45મી અડધી સદી નોંધાવી હતી. લીગમાં તે મુંબઇ સામે હાઇએસ્ટ રન નોંધાવનાર ખેલાડી પણ બની ગયો છે. ધવને 27 ઇનિંગ્સમાં 40.00ની એવરેજથી 871 રન બનાવ્યા છે.