• આજે દિવસ દરમિયાન 208 તાલુકામાં વરસાદી માહોલ
  • રાજ્યના 8 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
  • 39,177 લોકોનું સ્થળાંતર, 5467 ગામમાં અંધારપટ
 
 
દક્ષિણ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી નિરંતર મેઘરાજાનું તોફાની સ્વરૂપ જોવા મળી રહ્યું છે. ખાસ કરીને બે દિવસથી નવસારી અને વલસાડમાં બારેમેઘ ખાંગા થયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. અડધું નવસારી શહેર પાણીમાં ગરકાવ છે. ભારે વરસાદને કારણે અમદાવાદ-મુંબઈ હાઈવે સવાર સુધી બંધ રહે તેવી સંભાવના છે.
 
 
નવસારી જિલ્લા કલેક્ટરે પણ કહ્યું હતું કે, પાણી ઓસરતા સવાર થશે. ગુરૂવાર સાંજ સુધીના વીતેલા છેલ્લા 36 કલાકમાં રાજ્યના કુલ 16 થી વધુ તાલુકાઓમાં 9 થી 22 ઈંચ સુધીનો વરસાદ વરસી ગયો છે. જેમાં સૌથી વધુ નવસારી જિલ્લાના વાંસદામાં 22, કપરાડામાં 21.72 અને ધરમપુરમાં 20.84 ઈંચ વરસાદ પડતા અનેક સ્થળો બેટમાં ફેરવાઈ ગયા છે. સાંબેલાધાર વરસાદના કારણે આ બંને જિલ્લાના અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા હતા તો અનેક નાની-મોટી નદીઓ ગાંડીતૂર થઈ છે.
 
ગુરુવાર સવાર સુધીના વીતેલા 24 કલાકમાં રાજ્યના કુલ 213 તાલુકામાં અને દિવસ દરમિયાનના 12 કલાકમાં 208 તાલુકામાં વરસાદી માહોલ રહ્યો હતો. આ સિવાય છેલ્લા 36 કલાકમાં સૌથી વધુ વરસાદ પડેલા તાલુકાઓની વાત કરીએ તો, પારડીમાં 15, ડોલવણમાં 14.96, વાપીમાં 14.36, વઘઈમાં 14.68, ખેરગામમાં 13.20, સુબીરમાં 13, ચીખલીમાં 12.32, ગણદેવીમાં 11.6, નવસારીમાં 11, સુત્રાપાડામાં 10.80 અને ઉમરગામમાં 10.48 ઈંચ વરસાદ વરસ્યો હતો.
 
ગુરુવારે વહેલી સવારથી દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લામાં મેઘરાજાએ તોફાની સ્વરૂપ ધારણ કરતા ભારે તારાજી સર્જાઈ હતી. નદીઓ, કોઝવે ઓવરફ્લો થવાની સાથે વરસાદ પડવાનું ચાલુ રહેતા વલસાડ અને નવસારીના 70 ટકા વિસ્તાર ફરી વખત પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.
 
ગુરુવારે વલસાડ અને નવસારીમાં પ્રવેશેલા પૂરના પાણી મોડી રાત સુધી યથાવત રહ્યા હતા. સવારે 6 થી 10 વાગ્યા સુધીમાં વરસેલા સાંબેલાધાર વરસાદે તંત્રની સાથે લોકોના જીવ અદ્ધર કરી દીધા હતા. ગુરૂવારે દિવસે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેમાં ગીર સોમનાથ જિલ્લામાં સૂત્રાપાડામાં ફરી 6 ઈંચ, તાલાલા 6 ઈંચ, લોઢવા વિસ્તારમાં 4 ઈંચ, કોડિનાર 2 ઈંચ, વેરાવળ, ડોળાસા દોઢ ઈંચ, ઉના પોણો ઈંચ વરસાદ પડયો હતો. ભારે વરસાદથી સુત્રાપાડામાં ઠેર ઠેર પાણી ભરાયા હતા.
 
જૂનાગઢ જિલ્લામાં માણાવદર 6.32, વંથલી 5.44, કેશોદ 2.48, માળીયાહાટીના 3.52, જૂનાગઢ 1.44 ઈંચ ઈંચ વરસાદ પડયો હતો. ભાવનગરના જેસરમાં માત્ર એક કલાકમાં સવા બે ઈંચ વરસાદ વરસ્યો હતો.
 
ડાંગ, નવસારી, અમરેલી, ભાવનગર જૂનાગઢ, ગીર સોમનાથમાં રેડ એલર્ટ
દક્ષિણ ગુજરાતમાં બુધવાર રાતથી ગુરુવાર દિવસ દરમિયાન સાંબેલાધાર વરસાદથી અનેક વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયાં છે. જોકે હજુ શુક્રવાર અને શનિવારે એમ બે દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. જેમાં ડાંગ, નવસારી, અમરેલી, જૂનાગઢ, ભાવનગર અને ગીર સોમનાથમા હવામાન ખાતા દ્વારા રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ સિવાય ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને અરવલ્લી તેમજ કચ્છ પંથકમાં પણ ભારે વરસાદ પડવાના હવામાન ખાતા દ્વારા સંકેતો અપાયાં છે.
 
બે દિવસ અહીં ધોધમાર વરસાદ પડશે
શુક્રવાર : ડાંગ, નવસારી, અમરેલી, જૂનાગઢ, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, સુરત, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા, અરવલ્લી, નર્મદા, ભરૂચ, રાજકોટ અને જામનગર
શનિવાર : દ્વારકા, કચ્છ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ
 
39,177 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા, 5467 ગામમાં અંધારપટ
અતિભારે વરસાદને પરિણામે નવસારી જિલ્લાના વિવિધ ગામોમાં પાણીના વહેણમાં ફસાયેલા નાગરિકોને કોસ્ટ ગાર્ડની મદદથી ચોપર દ્વારા 6 નાગરિકોને એરલિફ્ટ કરાયા છે અને એરલિફ્ટ થકી રેસ્ક્યુ ઓપરેશનની કામગીરી હજુ ચાલુ છે.
 
રાજ્યના મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું હતું કે, વહીવટી તંત્ર દ્વારા અત્યાર સુધીમાં કુલ 39,177 નાગરિકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાવવામાં આવ્યું હતું જે પૈકી કુલ 17,394 નાગરિકો સ્વગૃહે પરત ફર્યા છે, જ્યારે 21,243 નાગરિકો વિવિધ આશ્રય સ્થાનોમાં આશરો લઈ રહ્યાં છે, જેમને ભોજન સહિત પૂરતી વ્યવસ્થા વહીવટીતંત્ર દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે. આ પરિસ્થિતિમાં પાણીમાં ફસાયેલા કુલ 570 નાગરિકોનું રેસ્કયૂ કરી તેમના જીવ બચાવવામાં આવ્યા છે. રાજ્યના 8 જિલ્લાઓમાં હજુ પણ રેડ એલર્ટ છે. અતિ ભારે વરસાદવાળા નવસારી, ચીખલી અને ગણદેવી વિસ્તારમાં વહીવટીતંત્ર ખડે પગે છે.
 
રાજ્યમાં અસરગ્રસ્ત જિલ્લાઓમાં 19 એનડીઆરએફની ટીમ તહેનાત કરાઇ છે, જ્યારે 1 ટીમ રિઝર્વ રખાઇ છે. જ્યારે 22 એસડીઆરએફની પ્લાટુન અને એક ટીમ ડીપ્લોય કરવામાં આવી છે, જ્યારે એસડીઆરએફની ચાર પ્લાટુન અને એક ટીમ રિઝર્વ રાખવામાં આવી છે. આ ટીમો દ્વારા 570 નાગરિકોના રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે.
રાજ્યમાં તા.7 જુલાઇથી અત્યાર સુધીમાં 43 માનવ મૃત્યુ નોંધાયા છે, જેમાં સૌથી વધુ મૃત્યુ વીજળી પડવાથી થયા છે. તે ઉપરાંત 477 પશુઓના મૃત્યુ નોંધાયા છે. રાજ્યના
 
ગામોમાં કાર્યરત 14,610 એસટી બસના રૂટમાંથી સલામતીના કારણોસર 148 ગામોના રૂટ બંધ કરવામાં આવ્યા છે. તેવી જ રીતે 18 હજારથી વધુ ગામો પૈકી અસરગ્રસ્ત 5,467 ગામોમાં વીજપૂરવઠો ખોરવાયો હતો, જેમાં 5,426 ગામોમાં વીજ વ્યવસ્થા પૂર્વવત કરાઈ છે.
 
તેમણે ઉમેર્યું કે, રાજ્યમાં થયેલા વરસાદના કારણે 27 સ્ટેટ હાઈવે, 30 અન્ય માર્ગો અને 559 પંચાયતના માર્ગો સુરક્ષાની દૃષ્ટિકોણથી વાહન વ્યવહાર માટે બંધ કરાયા છે, જ્યારે નવસારી, ડાંગ અને કચ્છમાંથી પસાર થતા નેશનલ હાઈવે બંધ કરાયા છે તે ખૂબ જ ઝડપથી પૂર્વવત થઈ જશે. રાજ્યમાં વરસાદને પરિણામે તા.7 જુલાઇથી અત્યાર સુધીમાં કાચા અને પાકા કુલ 126 મકાનો સંપૂર્ણ નુકસાન પામ્યા છે અને 19 ઝૂંપડા સંપૂર્ણ નુકસાન પામ્યા છે.