ઈન્ડોનેશિયામાં ઉત્તર જકાર્તા સ્થિત જામી મસ્જિદના વિશાળ ગુંબજમાં બુધવારે (19 ઓક્ટોબર) ભીષણ આગ ફાટી નીકળી હતી. ત્યાર બાદ ગુંબજ નીચે પડી ગયો હતો. મસ્જિદ ઈસ્લામિક અભ્યાસ અને વિકાસ પરની થિંક ટેન્ક જકાર્તા ઈસ્લામિક સેન્ટર સાથે જોડાયેલા બિલ્ડિંગ કોમ્પ્લેક્સમાં સ્થિત છે. પોલીસે પુષ્ટિ કરી છે કે, આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી. આ ઘટના અંગે કારણની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે જણાવ્યું હતું કે, મસ્જિદના સમારકામનું કામ કરનાર કોન્ટ્રાક્ટર કંપનીના ચાર કર્મચારીઓની પૂછપરછ કરવામાં આવી છે.
આગચંપી અને ગુંબજ તૂટી પડવાનો વીડિયો સામે આવ્યો
અહેવાલ અનુસાર, નાટકીય સોશિયલ મીડિયા ફૂટેજમાં મસ્જિદનો ગુંબજ તૂટી પડવાની ક્ષણ દર્શાવવામાં આવી હતી. જોકે, અધિકારીઓએ જણાવ્યું હતું કે, કોઈ જાનહાનિ થઈ નથી. આ ઘટના બાદ અગ્નિશામકોને આગ અંગે જાણ કરવામાં આવી હતી. સાથે જ ઓછામાં ઓછા 10 ફાયર ટેન્ડરોને ઘટના સ્થળે મોકલવામાં આવ્યા હતા.
ઈસ્લામિક સેન્ટરનું નવીનીકરણ ચાલી રહ્યું હતું
વિડીયો ફૂટેજમાં મસ્જિદ તૂટી પડતા પહેલા ગુંબજમાંથી જ્વાળાઓ અને ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. અહેવાલો સૂચવે છે કે, આગ ફાટી નીકળી તે સમયે ઈસ્લામિક સેન્ટરનું નવીનીકરણ ચાલી રહ્યું હતું.
20 વર્ષ પહેલા પણ આવી આગ લાગી હતી
મસ્જિદ સિવાય ઈસ્લામિક સેન્ટર સંકુલમાં શૈક્ષણિક, વ્યાપારી અને સંશોધન સુવિધાઓ પણ છે. છેલ્લી વખત મસ્જિદના ગુંબજમાં લગભગ 20 વર્ષ પહેલાં સમારકામ દરમિયાન આગ લાગી હતી.