એશિયા કપ 2022ની પ્રથમ મેચમાં ભારતે પાકિસ્તાનને 5 વિકેટે હરાવ્યું. પાકિસ્તાન સામે 149 રનના ટાર્ગેટનો પીછો કરતા ભારતે રન ચેઝ કરી મેચ જીતી લીધી હતી. હાર્દિક પંડ્યાના શાનદાર ઓલરાઉન્ડર પરફોર્મન્સના સહારે ભારતે રસાકસીભરી મેચમાં પાકિસ્તાને હરાવી એશિયા કપની શાનદાર શરૂઆત કરી હતી. ભારતની આ જીત પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી અભિનંદન પાઠવ્યા હતા.
ભારતનું દમદાર પ્રદર્શન
પાકિસ્તાન સામેની મેચમાં ભારતે શાનદાર પ્રદર્શન કરતા બોલિંગ-બેટિંગ બંને ડીપાર્ટમેન્ટમાં મજબુત પ્રદર્શન કર્યું હતું. સિનીયર બોલર ભુવનેશ્વર કુમારે દમદાર બોલિંગ કરતા પાકિસ્તાનના ચાર બેટ્સમેનોને આઉટ કરાયા હતા. ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ પણ ધારદાર બોલિંગ કરતા ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે અર્શદીપ સિંહે બે અને આવેશ ખાને એક વિકેટ લીધી હતી. બેટિંગમાં વિરાટ કોહલી, રવિન્દ્ર જાડેજા અને હાર્દિક પંડ્યાએ ટીમને જીત અપાવવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું. હાર્દિક પંડ્યાએ દમદાર ઑલરાઉન્ડ પ્રદર્શન કરતા 3 વિકેટ પણ ઝડપી હતી સાથે જ 17 બૉલમાં 33 રન પણ ફટકાર્યા હતા, જ્યારે રવિન્દ્ર જાડેજાએ 29 બૉલમાં 35 રન ફટકાર્યા હતા અને ટીમને જીત અપાવી હતી.
કેવી રહી પાકિસ્તાનની ઈનિંગ્સ?
પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી પાકિસ્તાનની ટીમે ભારતને જીતવા માટે 148 રનોનો ટાર્ગેટ આપ્યો હતો. એક એવી પીચ પર જ્યાં 160-170 રન બનતા રહે છે, ત્યાં ભારતીય બૉલરો ખાસ કરીને ભુવનેશ્વર કુમાર અને હાર્દિક પંડ્યાએ શાનદાર પ્રદર્શન કર્યું હતુ. ભારતીય બૉલરોએ 1 બૉલ બાકી હતો, ત્યારે જ પાકિસ્તાનની આખી ટીમને પેવેલિયન મોકલી દીધી હતી. પાકિસ્તાન તરફથી મોહમ્મદ રિઝવાને સૌથી વધુ 43 રન અને ઈફ્તિખાર અહમદે 28 રનો ફટકાર્યા હતા. આ સિવાય શાહનવાઝ દહાની 16 અને હારિસ રઉથે 13 રન બનાવ્યા હતા. ભારત તરફથી ભુવનેશ્વર કુમારે સૌથી વધુ 4 અને હાર્દિક પંડ્યાએ 3 વિકેટ ઝડપી હતી. જ્યારે અર્શદીપ સિંહને 2 અને આવેશ ખાનને 1 વિકેટ મળી હતી.
ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય
એશિયા કપ 2022ની પ્રથમ મેચમાં ભારતીય ટીમે દુબઈના મેદાન પર પાકિસ્તાન સામે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીત્યો છે. રોહિત શર્માએ પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. આજના મહાસંગ્રામમાં ટીમ ઈન્ડિયાએ પ્લેઇંગ-11માં રિષભ પંતની જગ્યાએ દિનેશ કાર્તિકને સ્થાન આપ્યું છે. ટીમમાં પેસ બોલિંગની જવાબદારી ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ અને આવેશ ખાન ઉપર રહેશે. હાર્દિક પંડ્યા અને રવિન્દ્ર જાડેજાનો ઓલરાઉન્ડર તરીકે સમાવેશ કરાયો છે, જ્યારે સ્પિન ડિપાર્ટમેન્ટમાં રવિન્દ્ર જાડેજા અને યુઝવેન્દ્ર ચહલની પસંદગી કરવામાં આવી છે.
બંને ટીમની પ્લેઇંગ ઇલેવન
ભારતઃ રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, યુઝ્વેન્દ્ર ચહલ, રવિન્દ્ર જાડેજા, ભુવનેશ્વર કુમાર, આવેશ ખાન, અર્શદીપ સિંહ.
પાકિસ્તાનઃ બાબર આઝમ, મોહમ્મદ રિઝવાન, ફખર જમાન, ઇફ્તિખાર અહમદ, આસિફ અલી, ખુશદિલ શાહ, શાદાબ ખાન, મોહમ્મદ નવાઝ, નસીમ શાહ, હારિસ રઉફ, શાહનવાઝ દહાની.