જમ્મુ કાશ્મીરના અનંતનાગ વિસ્તારમાં કોકરનાગમાં સૈન્ય અને ત્રાસવાદી વચ્ચે સામસામે ફાયરિંગ છેલ્લા સાત દિવસથી ચાલું છે. સમયાંતરે આ વિસ્તારના જુદા જુદા લોકેશન પર ગોળીબાર થઈ રહ્યો છે. સૈન્ય આતંકીઓના અડ્ડાનો નાશ કરી ચૂકી છે. સર્ચ ઑપરેશન દરમિયાન સૈન્યની ટુકડીને ગડુલ વિસ્તારમાં આવેલા જંગલમાંથી એક બળી ગયેલો મૃતદેહ મળ્યો હતો. એવું માનવામાં આવી રહ્યું છે કે, આ મૃતદેહ કુખ્યાત ત્રાસવાદી ઉજૈર ખાનનો હોઈ શકે છે.
પરિવારજનોની પૂછપરછ થશે
આ અંગેની ખરાઈ કરવા માટે ઉજૈર ખાનના પરિવાર સાથે એનું DNA ટેસ્ટ કરાવવામાં આવશે. ત્રાસવાદીઓની ભાળ મેળવવા માટે સતત એક સર્ચ ઑપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. તારીખ 13 સપ્ટેમ્બરના રોજ ત્રાસવાદીઓ સાથેના ફાયરિંગમાં ત્રણ જવાન શહિદ થયા હતા. જે હુમલાની જવાબદારી આતંકી સંગઠન લશ્કર એ તોએબાની શાખા ટીઆરએફે લીધી હતી. આ હુમલા પાછળ સ્થાનિક ત્રાસવાદી ઉજૈર ખાનનો હાથ હોવાનું જાણવા મળે છે. જેના પર સૈન્યએ 10 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું. રીપોર્ટમાંથી મળતી વિગત અનુસાર આ ત્રાસવાદી ગત વર્ષે જ ત્રાસવાદી ગ્રૂપ સાથે જોડાયો હતો.
આસપાસનો વિસ્તાર ઘેરી લેવાયો
ત્રણ જવાનોના બલિદાન બાદ મોટી સંખ્યામાં પોલીસ ટુકડી, સૈન્ય ટુકડીએ મોરચો સંભાળ્યો છે. સૈન્યએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે. પણ ત્રાસવાદીઓ સતત પોતાનું લોકેશન બદલી રહ્યા છે. પણ સૈન્ય ચોક્કસ ઈનપુટ બાદ જ પગલાં લઈ રહી છે. ત્રાસવાદીઓના અડ્ડાનો ખાતમો બોલાવાઈ રહ્યો છે. ડ્રોનની મદદથી સમગ્ર વિસ્તાર પર નજર રાખવામાં આવી રહી છે. લોકેશન નક્કી થયા બાદ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. સૈન્યએ ત્રાસવાદીઓની વસતી ધરાવતા વિસ્તારમાં એન્ટ્રી કરવાના બદલે આસપાસના વિસ્તારમાં ઘેરો બનાવ્યો હતો. સૈન્ય પોશક્રેરી વિસ્તાર સુધી પહોંચ્યું હતું. સતત વૉચ રાખવા માટે હાઈટેક ડિવાઈસનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પોલીસે જણાવ્યું હતું કે, હજું બેથી ત્રણ ત્રાસવાદી આ વિસ્તારમાં છુપાયા હોઈ શકે છે.