હિજાબ વિરોધી દેખાવોમાં હવે તહેરાન શહેરમાં સરમુખત્યારને મૃત્યુદંડના સૂત્રોચ્ચાર સંભળાઈ રહ્યા છે. સલામતી દળો સાથેની અથડામણમાં કુલ 75નું મૃત્યુ થયું હોવાના અહેવાલ છે. 1,200થી વધુ દેખાવકારોની પોલીસે ધરપકડ કરી લીધી છે. ઈરાનમાં 22 વર્ષની યુવતી માહશા અમીનીની નૈતિક પોલીસ દ્વારા ધરપકડ અને મૃત્યુને 10 દિવસ થઈ ગયા છે. તોફાનો વધુ ને વધુ ઉગ્ર બનતા જાય છે. વાત હવે 30 વર્ષથી વધુ સમયથી સત્તા સંભાળી રહેલા સર્વોચ્ચ ધાર્મિક નેતા આયાતોલ્લાહ અલી ખામૈનીને પદભ્રષ્ટ કરવા અને મૃત્યુદંડ આપવા સુધી પહોંચી ગઈ છે.
ઇરાન સરકારે પિૃમના જે ત્રણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ચાલુ હતા તે ઈન્સ્ટાગ્રામ, લિન્ક્ડ ઈન અને વોટ્સ-ઍપ ત્રણે ઉપર કડક નિયંત્રણો મૂકી દીધા છે. હવે માત્ર નાની નાની ક્લિપ બહાર આવી રહી છે. તેમાં વાળ કાપતી, હિજાબ સળગાવતી મહિલાઓ, મોટરસાઈકલ પર આવી દેખાવકારો પર લાઠી વરસાવતા રિવોલ્યૂશનરી ગાર્ડઝ (પેરા મિલિટરી)ના જવાનો, પોલીસની કાર ઉથલાવતા, પોલીસ સાથે લડતા અને આગ લગાવતા દેખાવકારો જોવા મળે છે. સરકાર લોકોને ટેક્સ્ટ મેસેજ મોકલી રહી છે કે દેખાવોમાં પકડાનાર ઉપર ક્રિમિનલ ચાર્જ લગાવીને કડક હાથે કામ લેવામાં આવશે. ઇરાન સરકારનું વિદેશી તત્ત્વોનું ગાણું
ઇરાનના 46 શહેરોમાં દેખાવો પ્રસરી ગયા છે. અન્ય દેશોમાં પણ હિજાબ વિરોધી દેખાવો થવા લાગ્યા છે. ઇરાન સરકાર કહે છે કે હવે દેખાવો નાગરિકોના અસંતોષ અને આક્રોશનું પ્રદર્શન નથી રહ્યા, હવે તેમાં વિદેશી તત્ત્વો પ્રવેશીને પોલીસ સામે આક્રમક બનીને હિંસા ભડકાવી રહ્યા છે. તહેરાન અને અન્ય શહેરોમાં હિજાબ-તરફી દેખાવો થઈ રહ્યા છે જેમાં દેખાવકારો અમેરિકન ભાડૂતી લોકોની ધર્મ સામે લડાઈના સૂત્રો પોકારે છે.