એશિયા કપ 2022ના સુપર-4 મુકાબલામાં પાકિસ્તાને ભારતને 5 વિકેટે હરાવી પહેલી મેચમાં મળેલ હારનો બદલો લીધો હતો. પાકિસ્તાનના ઓપનિંગ બેટ્સમેન મહોમ્મદ રીઝવાને સૌથી વધુ 71 રન બનાવ્યા હતા. જ્યારે મોહમ્મદ નવાઝે 20 બોલમાં શાનદાર 42 રન ફટકાર્યા હતા. અંતિમ ઓવર સુધી ચાલેલા આ રોમાંચક મુકાબલામાં ભારતની બોલિંગ સામાન્ય કક્ષાની રહી હતી, જેનો ફાયદો ઉઠાવતા પાકિસ્તાનના બેટ્સમેનોએ દમદાર ફટકાબાજી કરી હતી અને 182 રનનો ટાર્ગેટ અંતિમ ઓવરમાં હાસલ કર્યો હતો. ભારત તરફથી બિશ્નોઈ-પંડ્યા-ભુવનેશ્વર-ચહલે એક-એક વિકેટ ઝડપી હતી.
વિરાટ કોહલીની ફિફ્ટી
એશિયા કપ 2022માં પાકિસ્તાન સામે ટોસ હારી ભારતે પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટે 181 રન કર્યા હતા અને પાકિસ્તાનને 182 રનનો ટાર્ગેટ આપ્યો હતો. વિરાટ કોહલીએ સૌથી વધુ 44 બોલમાં 60 રન બનાવ્યા હતા. પાકિસ્તાન તરફથી શાદાબ ખાને 2 વિકેટ લીધી હતી.
સારી શરૂઆત બાદ ભારતે ગુમાવી વિકેટ
ભારતે પાકિસ્તાન સામે શાનદાર શરૂઆત બાદ મહત્વપૂર્ણ વિકેટો ગુમાવી હતી. કેપ્ટન રોહિત શર્મા 16 બોલમાં શાનદાર 28 રન બનાવી આઉટ થયો હતો. ઓપનર કેએલ રાહુલ પણ 20 બોલમાં 28 રન અને સુર્યકુમાર યાદવ 10 બોલમાં 13 રન બનાવી આઉટ થયો હતો. હાર્દિક પંડ્યા શૂન્ય રન બનાવી પોવિલીયન ભેગો થયો હતો. વિરાટ કોહલી 28 બોલમાં 40 રન બનાવી ક્રિઝ પર હાજર છે.
બાબર આઝમે ટોસ જીતી બોલિંગ પસંદ કરી
એશિયા કપ 2022ના સુપર-4 રાઉન્ડની મેચમાં પાકિસ્તાનની ટીમે દુબઈના મેદાન પર ભારત સામે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારત અને પાકિસ્તાન આજે 8 દિવસમાં બીજી વખત એકબીજા સામે ટકરાશે. 4 વર્ષ બાદ આ પ્રથમ વખત બનશે જ્યારે બંને ટીમો 8 દિવસમાં એકબીજા સામે રમતા જોવા મળશે. અગાઉ 2018 એશિયા કપમાં બંને ટીમો વચ્ચે બે મેચ રમાઈ હતી અને ટીમ ઈન્ડિયાએ બંને મેચ જીતી હતી.
બંને ટીમની પ્લેઇંગ ઇલેવન
ભારતઃ રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત, દીપક હુડ્ડા, હાર્દિક પંડ્યા, યુઝ્વેન્દ્ર ચહલ, રવિ બિશ્નોઈ, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ.
પાકિસ્તાનઃ બાબર આઝમ, મોહમ્મદ રિઝવાન, ફખર જમાન, ઇફ્તિખાર અહમદ, આસિફ અલી, ખુશદિલ શાહ, શાદાબ ખાન, મોહમ્મદ નવાઝ, નસીમ શાહ, હારિસ રઉફ, મોહમ્મદ હાસિન.