સ્પોર્ટ્સ જગત માટે ખરાબ સમાચાર છે.ઓસ્ટ્રેલિયન પૂર્વ ક્રિકેટર એન્ડ્ર્યુ સાયમન્ડ્સનું નિધન (Andrew Symonds Death) થયું છે. એન્ડ્ર્યુ સાયમન્ડ્સનું શનિવારે રાત્રે ટાઉન્સવિલેમાં એક કાર અકસ્માતમાં મોત થયું હતું. તેને બચાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા, પરંતુ તમામ પ્રયાસો નિષ્ફળ ગયા. પોલીસે જણાવ્યું હતું કે અકસ્માતમાં તેમને ગંભીર ઈજાઓ થઈ હતી.
એન્ડ્ર્યુ સાયમન્ડ્સના નિધન બાદ તેના ચાહકોમાં શોકની લહેર ફરી વળી છે. તાજેતરમાં ઓસ્ટ્રેલિયાના પ્રખ્યાત ભૂતપૂર્વ ખેલાડી શેન વોર્નનું પણ નિધન થયું હતું.
આ અકસ્માત રાત્રે 10.30 વાગ્યાની આસપાસ થયો હતો
એજન્સી અનુસાર, ક્વીન્સલેન્ડ પોલીસે જણાવ્યું કે, શહેરથી લગભગ 50 કિમી પશ્ચિમમાં હર્વે રેન્જમાં રાત્રે લગભગ 10:30 વાગ્યે એક અકસ્માત થયો હતો. અકસ્માતની માહિતી મળતા જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે કે ઝડપભેર કાર રોડ પર પલટી ગઈ હતી. એન્ડ્ર્યુ સાયમન્ડ્સ કારમાં હતા.
આ અકસ્માતમાં એન્ડ્ર્યુને ગંભીર ઈજાઓ થઈ હતી
અકસ્માત એલિસ રિવર બ્રિજ પાસે થયો હતો. ઘટનાસ્થળે પહોંચેલી એમ્બ્યુલન્સ મારફતે તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ડોક્ટરોએ એન્ડ્ર્યુ સાયમન્ડ્સને બચાવવા માટે ખૂબ પ્રયાસ કર્યા, પરંતુ નિષ્ફળ ગયા. ડૉક્ટરોએ જણાવ્યું કે આ અકસ્માતમાં સાયમન્ડ્સને ગંભીર ઈજાઓ થઈ હતી. કારમાં તે એકલા હતા. તમામ પ્રયાસો છતાં એન્ડ્ર્યુને બચાવી શકાયા ન હતો.
એડમ ગિલક્રિસ્ટે દુ:ખ વ્યક્ત કર્યુ
46 વર્ષીય એન્ડ્ર્યુ સાયમન્ડ્સના મૃત્યુ બાદ તેના ચાહકો નિરાશ થયા છે. તે જ સમયે, ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ વિકેટકીપર એડમ ગિલક્રિસ્ટે એક ટ્વીટ દ્વારા પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે. તેણે કહ્યું કે આ ખૂબ જ પીડાદાયક છે.
આ વર્ષે ત્રણ ખેલાડીઓએ અલવિદા કહ્યું
ઓસ્ટ્રેલિયન સ્પોર્ટ્સ જગત માટે આ વર્ષ ખૂબ જ દુઃખદ રહ્યું છે. આ જ વર્ષે ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ રોડ માર્શ અને શેન વોર્નનું પણ નિધન થયું હતું. એન્ડ્ર્યુના નિધનથી પ્રશંસકોના દીલ તૂટી ગયા છે.