ખાનગી ક્ષેત્રમાં કામ કરતા લોકો તેમની કારકિર્દીના વિકાસ માટે નોકરીઓ બદલતા રહે છે. કોરોના મહામારી બાદ તેમાં પણ તેજી જોવા મળી હતી. આવી સ્થિતિમાં, જો તમે પણ નોકરી બદલી રહ્યા છો અથવા બદલી ચુક્યા છો તો નવી કંપનીમાં જોડાયા બાદ એક કાર્ય ખૂબ જ કાળજીપૂર્વક પૂર્ણ કરો. આ કામ EPF એકાઉન્ટને મર્જ કરવાનું છે.
દરેક નવી કંપનીમાં જોડાતા સમયે તમારા જૂના UAN નંબરથી જ નવું PF ખાતું ખોલવામાં આવે છે. પરંતુ જૂની કંપનીઓમાં નોકરી દરમિયાન જમા થયેલ ફંડ નવા પીએફ ખાતામાં ઉમેરવામાં આવતું નથી. તેથી પીએફ ખાતાધારકે EPFO વેબસાઈટ પર જઈને ખાતું (EPF એકાઉન્ટ મર્જ) મર્જ કરવું પડશે.
ઓનલાઈન મર્જ સુવિધા
EPF એકાઉન્ટ મર્જ થયા બાદ કુલ રકમ તમારા એક ખાતામાં પ્રતિબિંબિત થશે. તમે તમારા પીએફ એકાઉન્ટને સરળતાથી ઓનલાઈન મર્જ કરી શકો છો. આ માટે તમારે EPFOની સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે. અહીં તમારે સેવાઓ પર જવું પડશે. ત્યારબાદ One Employee One EPF એકાઉન્ટ પર ક્લિક કરો.
રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP આવશે
ત્યાર બાદ EPF એકાઉન્ટને મર્જ કરવા માટે ફોર્મ ખુલશે. અહીં તમારે EPF ખાતામાંથી રજિસ્ટર્ડ મોબાઈલ નંબર દાખલ કરવો પડશે. પછી UAN અને વર્તમાન સભ્ય ID દાખલ કરો. સંપૂર્ણ વિગતો ભર્યા બાદ પ્રમાણીકરણ માટે OTP જનરેટ થશે. તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP આવશે. તરત જ તમે OTP નંબર દાખલ કરો. ત્યારપછી તમારા જૂના ખાતાની વિગતો દેખાવા લાગશે. ત્યાર બાદ પીએફ એકાઉન્ટ નંબર ભરો અને સબમિટ બટન પર ક્લિક કરો. એકાઉન્ટ મર્જ કરવા માટેની તમારી વિનંતી સ્વીકારવામાં આવશે. પછી વેરિફિકેશનના થોડા દિવસો પછી તમારું એકાઉન્ટ મર્જ થઈ જશે.
UAN ખૂબ જ મહત્વપૂર્ણ
જો કે, ધ્યાનમાં રાખો કે EPF થી સંબંધિત કોઈપણ સુવિધા ઓનલાઈન મેળવવા માટે, તમારે તમારું UAN (યુનિવર્સલ એકાઉન્ટ નંબર) જાણવું આવશ્યક છે. આ સાથે UAN એક્ટિવેટ કરાવવું પણ જરૂરી છે.
આ રીતે તમારું UAN શોધો
જો તમને તમારો UAN ખબર નથી, તો તમે તેને ઓનલાઈન શોધી શકો છો. આ માટે તમારે 'https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/' પર જવું પડશે. ત્યારપછી જમણી બાજુના એમ્પ્લોયી લિંક્ડ સેક્શન પર ક્લિક કરો અને 'Know Your UAN' નંબર પર ક્લિક કરો. ત્યારબાદ તમારે રજીસ્ટર્ડ મોબાઈલ નંબર અને કેપ્ચા કોડ ભરવાનો રહેશે.
આ પછી Request OTP પર ક્લિક કરો. હવે તમારી સામે એક પેજ ખુલશે. તેના પર તમારે તમારો પીએફ એકાઉન્ટ નંબર અને કેપ્ચા ભરવાનો રહેશે. જન્મતારીખની સાથે આધાર કે પાન નંબર પણ નાખવો પડશે. આ પછી 'શો માય UAN નંબર' પર ક્લિક કરો. તમને તમારો UAN મળશે.