પાંચ વખતના મેડલ વિજેતા અને જુનિયર રાષ્ટ્રીય સ્તરના બોક્સરનું પંજાબના તલવંડીમાં ડ્રગના ઓવરડોઝને કારણે મૃત્યુ થયું હોવાના સમાચાર છે. મૃતકની ઓળખ 19 વર્ષીય કુલદીપ સિંહ તરીકે થઈ છે. કુલદીપ તલવંડીના સાબો વિસ્તારનો રહેવાસી હતો. મૃતક કુલદીપના પિતા પ્રીતમ સિંહની ફરિયાદ પર એક વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.
પ્રીતમ સિંહે પોલીસને કહ્યું, 'મારો પુત્ર કુલદીપ સિંહ તેની કોલેજ ગયો હતો, જ્યાંથી ખુશદીપ સિંહ તેને મોટરસાઇકલ પર લઈ ગયો. ત્યાર બાદ ખુશદીપ એકલો કોલેજ પરત આવ્યો હતો અને તેની મોટરસાઇકલ ત્યાં પાર્ક કરી હતી. જ્યારે મારો પુત્ર પાછો ન આવ્યો, ત્યારે અમે તેને શોધવાનું શરૂ કર્યું. અમે ખુશદીપને પૂછ્યું, પણ તેની પાસે સ્પષ્ટ જવાબ નહોતો. ગામ નજીક નદી કિનારે તેનો મૃતદેહ મળી આવ્યો.
કુલદીપની શોધખોળ દરમિયાન જ્યાંથી તેનો મૃતદેહ મળ્યો હતો ત્યાંથી એક સિરીંજ પણ મળી આવી હતી. કુલદીપના પિતાનો આરોપ છે કે ખુશદીપે તેમના પુત્રને ડ્રગ્સનો ઓવરડોઝ આપીને મારી નાખ્યો હતો. આ પછી, મૃતકના માતાપિતાએ સંબંધીઓ અને ખેલાડીઓ સાથે તલવંડી સાબોમાં ખાંડા ચોક પાસે ધરણા કર્યા અને કાર્યવાહીની માંગ કરી.
સબ ઈન્સ્પેક્ટર ધરમવીર સિંહ દલબલ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા અને ઘટનાની તપાસ શરૂ કરી. આ દરમિયાન મૃતક કુલદીપકનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેમાં તે ખેતરમાં પડેલો છે. ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસે ખુશદીપ સિંહ વિરુદ્ધ આઈપીસીની કલમ 304 હેઠળ કેસ નોંધ્યો છે.