દેશના બીજા સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણીના નેતૃત્વવાળી અદાણી વિલ્મરનો IPO આજે સબસ્ક્રિપ્શન માટે ખુલ્યો. રોકાણકારો આ IPOમાં 31મી જાન્યુઆરી સુધી રોકાણ કરી શકશે. આજે આઇપીઓ ખૂલતાની સાથે જ 12 ટકા સબસ્ક્રાઇબ થઇ ગયો અને તેનો રિટેલ હિસ્સો 26 ટકા બુક થઇ ગયો છે. કંપની આ IPO દ્વારા 3600 કરોડ રૂપિયા એકત્ર કરશે. કંપનીએ આ ઈશ્યુની પ્રાઇસ બેન્ડ 218-230 રૂપિયા નક્કી કરી છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષનો ત્રીજો IPO હશે.
8 ફેબ્રુઆરીના રોજ લિસ્ટેડ થવાની શક્યતા
ઉલ્લેખનીય છે કે અદાણી વિલ્મરનો IPO સંપૂર્ણપણે તાજા ઈક્વિટી શેર પર આધારિત છે અને અન્ય કોઈ ઓફર કરવામાં આવી રહી નથી. લેટેસ્ટ ગ્રે માર્કેટ પ્રીમિયમની વાત કરીએ તો હાલમાં તે રૂ.45 છે. આ સંદર્ભે જાહેર થયેલા રિપોર્ટના મતે 8 ફેબ્રુઆરીના રોજ કંપનીનો શેર NSE અને BSE પર લિસ્ટ થાય તેવી શક્યતા છે. કંપનીના ઈશ્યુમાંથી કર્મચારીઓને રૂ.107 કરોડના શેર ઈસ્યુ કરવામાં આવ્યા છે. તો 360 કરોડ રૂપિયાના શેર કંપનીના શેરહોલ્ડર્સ માટે રજૂ કરાયા છે.
કર્મચારીઓને ઓછા ભાવ પર શેર
અદાણી વિલ્મરના કર્મચારીઓને ફાઇનલ ઇશ્યૂ પ્રાઇસ કરતાં 21 રૂપિયાના ઓછા ભાવે શેર મળશે. વધુમાં અદાણી વિલ્મરના ઇશ્યૂના 50 ટકા ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ માટે રિઝર્વ છે. જ્યારે 15% નોન-ઇન્સ્ટિટ્યુશનલ ઇનેવસ્ટર્સ અને 35% રિટેલ ઇન્વસ્ટર્સ માટે અનામત છે. અદાણી વિલ્મરના ઈશ્યુમાં રોકાણ કરનારા મુખ્ય એન્કર રોકાણકારોમાં ગવર્મેન્ટ ઓફ સિંગાપોર, મોનેટરી ઓથોરિટી ઓફ સિંગાપોર, જ્યુપિટર ઈન્ડિયા ફંડ, વોલરાડો વેન્ચર પાર્ટનર્સ ફંડનો સમાવેશ થાય છે. આ ઉપરાંત HDFC મ્યુચ્યુઅલ ફંડ, નિપ્પોન લાઈફ ઈન્ડિયા ટ્રસ્ટી, આદિત્ય બિરલા સનલાઈફ ટ્રસ્ટી અને સનલાઈફ AXLE ઈન્ડિયા ફંડ પણ તેના એન્કર રોકાણકારો છે.
એન્કર રોકાણકારો પાસેથી 940 કરોડની કમાણી
દેશની સૌથી મોટી FMCG ફૂડ કંપનીઓમાંની એક અદાણી વિલ્મરે 25 જાન્યુઆરીએ 15 એન્કર રોકાણકારો પાસેથી રૂ. 939.9 કરોડ એકત્ર કર્યા છે. કંપનીએ બોમ્બે સ્ટોક એક્સચેન્જને આપેલી માહિતીમાં જણાવ્યું છે કે કંપનીએ એન્કર રોકાણકારોને 4.08 કરોડ ઇક્વિટી શેર રજૂ કર્યા છે. કંપનીએ ઈશ્યુની અપર પ્રાઇસ બેન્ડ પર રૂ.230 પ્રતિ શેરના ભાવે શેર રજૂ કર્યો છે.
ગ્રે માર્કેટમાં પ્રીમિયમ શું ચાલી રહ્યું છે?
અદાણી વિલ્મરનો શેર હાલમાં ગ્રે માર્કેટમાં 25 ટકા સુધીના પ્રીમિયમ પર એટલે કે રૂ.50ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. અમદાવાદ સ્થિત કંપનીએ છેલ્લા ત્રણ વર્ષમાં આવક અને નફામાં સતત સારો દેખાવ કર્યો છે. આ જ કારણ છે કે ઘણા બ્રોકર્સે રોકાણકારોને તેને ખરીદવાની સલાહ આપી છે. કંપનીએ IPO માટે એક લોટમાં 65 શેર મૂક્યા છે. એટલે કે રોકાણકારો ઓછામાં ઓછા 65 ઇક્વિટી શેર માટે બિડ કરી શકે છે. વધુમાં વધુ 13 લોટની બોલી લગાવી શકાય છે.