માન્ચેસ્ટરથી ક્રિકેટપ્રેમીઓ માટે ખરાબ સમાચાર આવ્યા છે. ઇંગ્લેન્ડ અને ઈન્ડિયા વચ્ચે 5 ટેસ્ટની અંતિમ મેચ કોરોનાને કારણે રદ કરવામાં આવી છે. ઈન્ડિયન ટીમના ફિઝિયો યોગેશ પરમાર કોરોના પોઝિટિવ આવ્યા પછી ટીમ ઈન્ડિયાના કેટલાક પ્લેયર્સે રમવાની સ્પષ્ટપણે ના પાડી દીધી હતી. જેથી આ મેચને રદ કરવાનો નિર્ણય લેવાયો છે. તેવામાં ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે કહ્યું કે જો ઈન્ડિયન ટીમ મેચ રમવાની ના પાડી રહી છે તો આને વોકઓવર માનીને ઇંગ્લેન્ડની ટીમને આ મેચની વિજેતા જાહેર કરી દેવી જોઇએ. જોકે BCCIએ આ અંગે સ્પષ્ટપણે ના પાડી દીધી છે.
કેટલાક પ્લેયર્સે ટેસ્ટ રમવાની ના પાડી દીધી
ટેસ્ટ મેચ અંગે ECB અને BCCI વચ્ચે ચર્ચા થઈ હતી અને BCCIએ ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડને જાણ કરી દીધી કે અમારા પ્લેયર્સ મેચ રમશે નહીં. બોર્ડએ કહ્યું અમારા પ્લેયર્સે હેલ્થ અપડેટ્સના પરિણામે મેચ રમવાની ના પાડી દીધી છે.
અગાઉ, રવિ શાસ્ત્રી સહિત અન્ય ઘણા કર્મચારીઓ પણ કોરોના પોઝિટિવ આવ્યા હતા. ઈન્ડિયાની સમગ્ર ટીમનો કોવિડ ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો, પરંતુ તેનો અંતિમ રિપોર્ટ હજુ આજે આવશે. અંતિમ રિપોર્ટમાં કોઈ ખેલાડી ચેપગ્રસ્ત છે કે કેમ તે હજુ સ્પષ્ટ નથી.
BCCIના જણાવ્યા મુજબ, ઈન્ડિયન ટીમના ફિઝિયો યોગેશ પરમારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં નિર્ણય લેવાયો છે. આ દરમિયાન કોમેન્ટેટર દિનેશ કાર્તિકે ટ્વીટ કરીને પહેલા દિવસે મેચ નહીં રમાય એ અંગે જાણકારી આપી હતી. ઓવલ ટેસ્ટ 157 રનથી જીતીને ઈન્ડિયન ટીમે પાંચ મેચની ટેસ્ટ સિરીઝમાં 2-1ની લીડ મેળવી લીધી છે.
NO PLAY TODAY
— DK (@DineshKarthik) September 10, 2021
ok Tata bye bye #ENGvsIND
માન્ચેસ્ટરમાં અત્યારસુધી નથી જીતી શકી ટીમ ઈન્ડિયા
ઇંગ્લેન્ડ ટૂર પર વિરાટસેનાએ અત્યારસુધી ઘણું સારું પ્રદર્શન કર્યું છે. ઈન્ડિયાએ લોર્ડ્સ પછી ઓવલમાં સારું પ્રદર્શન દાખવીને સિરીઝમાં લીડ તો મેળવી લીધી છે, પરંતુ જો આંકડાઓની વાત કરીએ તો તેનું માન્ચેસ્ટરમાં પ્રદર્શન કંઈ ખાસ રહ્યું નથી. ઈન્ડિયન ટીમે આ મેદાનમાં પહેલી ટેસ્ટ 1936માં રમી હતી અને અત્યારસુધી અહીં રમાયેલી એકપણ મેચ તે જીતી શકી નથી. એટલું જ નહીં, ઈન્ડિયન ટીમને 9માંથી 4 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે 5 મેચ ડ્રો રહી હતી.
વળી, ઇંગ્લેન્ડે માન્ચેસ્ટરમાં રમાયેલી 81 મેચમાંથી 31માં જીત મેળવી છે, જ્યારે 15માં ટીમને હારનો સામનો કરવો પડ્યો છે તથા 35 મેચ ડ્રો રહી હતી. માન્ચેસ્ટર ટેસ્ટ જો ડ્રો રહી અથવા ઈન્ડિયન ટીમ જીતવામાં સફળ રહી તો 2007 પછી ઇંગ્લેન્ડમાં સિરીઝ જીતીને ઇંગ્લેન્ડમાં પણ 'ન્યૂ ઈન્ડિયા'નો ડંકો વગાડશે.
છેલ્લી મેચ 1 ઈનિંગથી હારેલી ટીમ ઈન્ડિયા
2014માં ઈન્ડિયન ટીમે આ મેદાનમાં મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશિપ હેઠળ છેલ્લી ટેસ્ટ મ���ચ રમી હતી, જેમાં તેને 1 ઈનિંગ અને 54 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. ઈન્ડિયાને આ મેદાન પર 2 વાર એક ઈનિંગથી હારનો સામનો કરવો પડ્યો છે.
ઇંગ્લેન્ડે છેલ્લી 10માંથી 8 મેચ જીતી
હોસ્ટ ઇંગ્લેન્ડ માટે ઓલ્ડ ટ્રેફર્ડ, માન્ચેસ્ટરનું મેદાન હંમેશાં લકી રહ્યું છે. ઇંગ્લિશ ટીમે અહીં છેલ્લી 10 ટેસ્ટ મેચમાંથી 8 મેચ જીતી છે અને માત્ર એકમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે 1 ડ્રો રહી હતી.
મોહમ્મદ શમી પાંચમી ટેસ્ટ માટે ફિટ
ચોથી ટેસ્ટ મેચમાં ફાસ્ટ બોલર મોહમ્મદ શમી ઈજાગ્રસ્ત હોવાને કારણે પ્લેઇંગ-11માં નહોતો રમ્યો, પરંતુ છેલ્લી મેચમાં તે સંપૂર્ણપણે ફિટ છે અને બુધવારના પ્રેક્ટિસ સેશનમાં મહેનત કરતો જોવા મળ્યો હતો. માન્ચેસ્ટરમાં મોહમ્મદ સિરાજના સ્થાને શમીની પસંદગી પ્લેઇંગ-11માં થઈ શકે છે.
ચોથી ટેસ્ટ દરમિયાન ઓપનર રોહિત શર્માને પણ ઘૂંટણમાં ઈજા પહોંચી હતી. વળી, પૂજારા પણ બેટિંગ દરમિયાન ઈજાગ્રસ્ત થતાં ઇંગ્લેન્ડની બીજી ઈનિંગમાં આ બંને ખેલાડી ફિલ્ડિંગ કરતા નજરે પડ્યા નહોતા. ટીમ અને ફેન્સ માટે સારા સમાચાર એ છે કે હવે આ બંનેની ઈન્જરીમાં સુધારો નોંધાઈ રહ્યો છે અને છેલ્લી મેચમાં તે ફિટ થઈને રમવાની સંભાવના છે.
ઇંગ્લેન્ડની ચિંતામાં વધારો
જોકે ઇંગ્લેન્ડ માટે ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસનની ફિટનેસનો મુદ્દો એક ચિંતાનો વિષય બની જવા પામ્યો છે. ઓવલ ટેસ્ટ દરમિયાન ત્રીજા દિવસે તેના ઘૂંટણમાંથી લોહી વહી રહ્યું હતું. જોકે તેણે ઈજાગ્રસ્ત હોવા છતાં બોલિંગ કરવાનું ચાલુ રાખ્યું હતું. અત્યારે ચાલી રહેલી સિરીઝમાં પણ તેનું પ્રદર્શન સારું રહ્યું હતું. ચાર મેચમાં એન્ડરસને 15 વિકેટ લીધી છે.
મિડલ ઓર્ડરે જવાબદારી ઉઠાવવી પડશે
ઇંગ્લેન્ડે જો પાંચમી ટેસ્ટમાં કમબેક કરવું હોય તો તેની ટીમના મિડલ ઓર્ડરે સારા રન કરવા પડશે. કેપ્ટન જો રૂટ સિવાય અત્યારસુધી કોઇપણ ખેલાડી સારા ફોર્મમાં જોવા મળ્યો નથી. ઓલી પોપે 81 રન કર્યા હતા, પરંતુ બીજી ઈનિંગમાં તે પણ હાઇ સ્કોર નોંધાવવામાં નિષ્ફળ રહ્યો હતો. જોકે જોસ બટલરની વાપસી ટીમના આત્મવિશ્વાસને જરૂર વધારશે.