સંબંધોમાં કડવાશ, નિયમનકારી અને કાયદાકીય ઝઘડાઓ બાદ ટેલિકોમ ઉદ્યોગના એક ટોચના કાર્યક્રમમાં દેશના ટેલિકોમ સેક્ટરના કટ્ટર હરીફો રિલાયન્સના મુકેશ અંબાણી, એરટેલના સુનીલ મિત્તલ અને વોડાફોન આઈડિયાના કુમાર મંગલમ બિરલા વચ્ચે સહયોગ અને સંયુક્ત પ્રયાસો પર વાત કરવાનો આ સમય હતો.
અંબાણી કે જેની કંપનીએ દેશમાં સૌથી મોટા ઓપરેટર બનવા માટે જૂની કંપનીઓ એરટેલ અને વોડાફોનને પાછળ છોડી દીધી છે તેણે સૂચન કર્યું છે કે તમામ ખેલાડીઓએ સાથે મળીને કામ કરવું જોઇએ અને ટેલિકોમ ફાઇબર જેવા ક્ષેત્રોમાં સહયોગ કરવો જોઇએ કેમ કે દેશ ઉદ્યોગો અને ગ્રાહકોમાં અત્યંત અનુભવ સાથે 5G જેવી નવી ટેકનોલોજીની તરફ માઇગ્રેટ થઇ રહ્યો છે.
2021 ઈન્ડિયા મોબાઇલ કોંગ્રેસના ઉદઘાટનમાં સંબોધન કરતાં મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, જો ઉદ્યોગના તમામ ખેલાડીઓ સાથે મળીને કામ કરે તો આપણે ઝડપથી ફાઇબરની રાષ્ટ્રવ્યાપી ફૂટપ્રિન્ટ ચિન્હિત કરી શકીએ, કે જેવી રીતે આપણે પાછલા એક દાયકામાં દેશના દરેક ખૂણામાં મોબાઇલ ટેલિફોન સુધી પહોંચી શક્યા.
મિત્તલ અને બિરલાએ પણ અંબાણીના મતનો પડઘો પાડયો
મિત્તલે પણ મોબાઇલ ટાવર અથવા ફાઇબરના ક્ષેત્રોમાં ઉદ્યોગમાં ડુપ્લિકેશન અંગે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે કંપનીઓએ એકબીજા સાથે વાત કરીને વધુને વધુ ટાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર શેર કરવું જોઇએ. તેમણે 5G ક્ષેત્રમાં વધારે સહયોગની જરૂરિયાત હોવાનું જણાવ્યું હતું. બિરલાએ પણ સમાન મત વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આપણે ડિજિટલ બદલાવને વેગ આપી રહ્યા છીએ ત્યારે સતત રોકાણ માટેની જરૂરિયાતને સાથે મળીને હલ કરવાની જરૂર છે, કે જેથી 5G જર્ની શક્ય બની શકે.