અમદાવાદના મુમદપુરા જંક્શન પર મંગળવારે રાત્રે બ્રિજ તૂટી પડવાની ઘટનામાં સૌથી મોટો ઘટસ્ફોટ એ થયો છે કે આ બ્રિજના ડિઝાઈનર ડેલ્ફ કન્સલ્ટિંગ એન્જિનિયર્સને માર્ગ- મકાન વિભાગે બ્લેકલિસ્ટ કરી હોવા છતાં ઔડાએ તેમની સાથેનું કામ ચાલુ રાખ્યું હતું. એટલું જ નહીં આ જ ડિઝાઈનર પાસે શહેરના વૈષ્ણોદેવી સર્કલના બ્રિજ, બેટ દ્વારકાના કેબલ બ્રિજ સહિતના અનેક કામો હોવાનું જાણવા મળ્યું છે.
શાંતિપુરા સર્કલ પાસે મુમદપુરા જંક્શન પર નિર્માણાધિન બ્રિજનો 48 મીટરનો સ્પાન ધડાકાભેર તૂટી પડયો હતો. હજુ વપરાશમાં આવે તે પહેલાં બ્રિજ તૂટી પડતાં તેની ગુણવત્તા સામે હજારો સવાલ ખડા થયા છે. આ ઘટનામાં કાં તો ડિઝાઈન ખોટી હોવાની અથવા તો બ્રિજ બનાવવામાં માલ-સામાનની ગુણવત્તા હલકી હોવાનું કારણ જવાબદાર છે. ત્યારે આ બ્રિજની ડિઝાઈન બનાવનાર એજન્સી ડેલ્ફ કન્સલ્ટિંગ એન્જિનિયર્સને સપ્ટેમ્બર 2020માં 33.50 લાખનો દંડ ફટકારીને રાજ્યના માર્ગ-મકાન વિભાગ દ્વારા બ્લેકલિસ્ટ કરાઇ હતી. ત્યારે સો મણનો સવાલ એ ઉભો થાય છે કે ઔડાને ડેલ્ફ કન્સલ્ટિંગ સાથે એવી શું મમત હતી કે બ્લેકલિસ્ટ હોવા છતાં તેમનું કામ ચાલુ રખાયું?
ઔડાના અધિકારીઓએ તેમના બચાવમાં એવું કહ્યું કે, ડેલ્ફ કન્સલ્ટિંગને બ્લેક લિસ્ટ કરાઈ તે પહેલાં એટલે કે તા.2/4/2018ના રોજ ઔડાએ આ બ્રિજ માટે તેમને વર્કઓર્ડર આપ્યો હતો.
વધુ એક ઘટસ્ફોટ એવો થયો છે કે ઔડાએ સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, મંગળવારે સવારથી બ્રિજનો આ સ્પાન ચડાવવાની કામગીરી ચાલી રહી હતી. જેમાં રાત્રે દુર્ઘટના ઘટી હતી. પરંતુ ઔડાના એન્જિનિયરિંગ વિભાગના અંતરંગ વર્તુળોના જણાવ્યા મુજબ મંગળવારે આ સ્પાનની કોઈ કામગીરી કરાઇ જ નહોતી.