ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ક્રિકેટર શેન વોર્નનું 52 વર્ષની ઉંમરે હૃદય રોગનો હુમલો આવતા અવસાન થયું છે. વોર્નના મેનેજમેન્ટે સંક્ષિપ્તમાં એક નિવેદન આપી આ માહિતી આપી છે. શેન તેના વિલામાં નિંદ્રાધિન અવસ્થામાં જોવા મળ્યા હતા અને તબીબી કર્મચારીઓ દ્વારા તમામ પ્રયત્ન વચ્ચે પણ તેમને પુનઃજીવિત કરી શકાયા ન હતા.પરિવારના સભ્યોએ અત્યારના સમયે ગોપનિયતાને ધ્યાનમાં રાખવા વિનંતી કરી છે અને આ અંગે ટૂંક સમયમાં માહિતી પૂરી પાડવાની ખાતરી આપી છે.
ભૂતપૂર્વ ભારતીય ઓપનર વીરેન્દ્ર સહેવાગે તેની તસવીર શેર કરી સોશિયલ મીડિયા ઉપર લખ્યું કે-વિશ્વાસ થતો નથી. મહાન સ્પિનર્સ પૈકી એક, સ્પિનને કૂલ બનાવનાર સુપરસ્ટાર શેન વોર્ન રહ્યા નથી. તેમના પરિવાર, મિત્રો, વિશ્વભરમાં તેમના ફેન્સ પ્રત્યે સંવેદના પાઠવું છું.
પાકિસ્તાનના ખેલાડી શોએબ અખ્તરે લખ્યુ- મહાન સ્પિનર શેન વોર્નના અવસાનના દુઃખદ સમાચાર મળ્યા છે. મારી પાસે કોઈ જ શબ્દ નથી, હું સ્તબ્ધ છું અને દુખી છું. તેઓ મહાન વ્યક્તિ, ક્રિકેટર અને વ્યક્તિ હતા.
શેન વોર્ન વિશ્વના મહાન બોલર પૈકીના એક હતા, વિક્ટોરિયામાં 13 સપ્ટેમ્બર,1969ના રોજ જન્મેલા વોર્ને તેની કરિયરમાં 145 ટેસ્ટ, 194 વનડે ઈન્ટરનેશનલ મેચ રમ્યા હતા. તેમણે ટેસ્ટમાં 708 અને વનડે ફોર્મેટમાં કુલ 293 વિકેટ લીધી હતી. આ ઉપરાંત તેમણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પણ 1319 વિકેટ લીધી હતી.
12 કલાક અગાઉ ટ્વિટ કરી રોડ માર્શના અવસાન અંગે દુખ વ્યક્ત કરેલું
વોર્ને 12 કલાક અગાઉ તેમના અંતિમ ટ્વિટમાં રોડ માર્શના અવસાન અંગે દુખ વ્યક્ત કર્યું હતું. આ ટ્વિટમાં લખ્યું હતું કે તેઓ અમારી રમતના મહાન ખેલાડી હતા. તેમણે અનેક યુવા છોકરા અને છોકરીઓને પ્રેરિત કર્યા હતા.
ભારત સામે 1992માં ડેબ્યુ કર્યું હતું
શેન વોર્ને ભારત સામે 1992માં સિડની ટેસ્ટમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતું. તેમણે પોતાની અંતિમ ટેસ્ટ મેચ જાન્યુઆરી,2007માં ઈંગ્લેન્ડ સામે સિડનીમાં રમ્યા હતા. જ્યારે વોર્ન નિવૃત થયા ત્યારે ઓસ્ટ્રેલિયા ટીમના અન્ય ત્રણ ખેલાડીએ પણ નિવૃત્તિ જાહેર કરી હતી.
તેમા ગ્લેન મેકગ્રા, ડેમિયન માર્ટીન અને જસ્ટિન લેંગરનો સમાવેશ થતો હતો. ક્રિકેટમાંથી સન્યાસ લીધા બાદ વોર્ને હેમ્પશાયર કાઉન્ટ્રી ક્રિકેટ ક્લબ માટે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમતા હતા. ત્યારબાદ વર્ષ 2008માં IPLની ટીમ રાજસ્થાન રોયલ્સના કોચ અને કેપ્ટન તરીકેની ભૂમિકા ભજવી હતી અને ટીમને IPLમાં ચેમ્પિયન બનાવી હતી.
વિવાદોથી ભરેલી રહી વોર્નની કરિયર
વોર્ન વિશ્વના એકમાત્ર એવા ખેલાડી હતા કે જેમણે ટેસ્ટમાં ત્રણ હજાર કરતા વધારે રન બનાવ્યા હતા. જોકે તેમણે ક્યારેય સદી ફટકારી ન હતી. તેમની મેદાનની બહાર પણ અનેક વિવાદમાં રહ્યા હતા. તેઓ પ્રતિબંધિત પદાર્થના સેવન માટે દોષિત જણાયા હતા. તેમની ઉપર પ્રતિબંધ મુકાયો હતો. આ ઉપરાંત સટ્ટાબાજીમાં પણ તેમની સામે અનેક આરોપ લાગ્યા હતા.