ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ સ્પિનર બ્રેડ હોગનું કહેવું છે કે ટીમ ઈન્ડિયાનો ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન શ્રીલંકાના ભૂતપૂર્વ સ્પિનર મુથૈયા મુરલીધરનના ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડને તોડી શકે છે. અશ્વિને 78 ટેસ્ટમાં 409 વિકેટ ઝડપી છે અને તે હજુ પણ મુરલીધરનની 800 ટેસ્ટ વિકેટથી 391 વિકેટ પાછળ છે.
બ્રેડ હોગે કહ્યું, અશ્વિન 34 વર્ષનો છે અને મને લાગે છે કે તે 42 વર્ષની વય સુધી ટેસ્ટ રમી શકે છે. તેની બેટિંગમાં નબળાઈ આવી શકે છે, પરંતુ બોલિંગમાં તે દિવસેને દિવસે ઉભરી રહ્યો છે. તે ઓછામાં ઓછી 600થી વધુ વિકેટ લેશે. બની શકે કે તે મુરલીધરનના 800 વિકેટના રેકોર્ડને પણ તોડી દે.
અશ્વિનની વિકેટ લેવાની ભૂખ વધી રહી છે
બ્રેડ હોગે એક ઈન્ટવ્યૂમાં કહ્યું, તેની પાછળનું કારણ એ છે કે તે સારો છે અને તેની પાસે આ ક્ષમતા છે અને અશ્વિનની વિકેટ લેવાની ભૂખ વધી રહી છે. તે ઇંગ્લેંડના વાતાવરણને અનુરૂપ બનાવવા માટે કાઉન્ટી ક્રિકેટમાં પણ રમ્યો છે, જેના કારણે હાલના સમયમાં અશ્વિન એક સફળ ક્રિકેટર બન્યો છે.
અશ્વિન શતરંજના એક ખેલાડીની જેમ છે
બ્રેડ હોગે અશ્વિનને મેદાન પર શતરંજના ખેલાડીની જેમ ગણાવ્યો છે અને તેણે છેલ્લે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર જે હિંમત બતાવી હતી તેની પ્રશંસા કરી હતી. હોગે કહ્યું, તમે ક્યારેય અશ્વિન સામે રન બનાવવાનો વિચાર કરી શકતા નથી. તે એવો બોલર છે કે જેની સામે તમે રમવાનું પસંદ કરશો કારણ કે તમે જાણી શકશો કે અશ્વિન સામે રમવાથી તમારી ટેસ્ટ સારી રહેશે.
હોગ અશ્વિનનું સન્માન કરે છે
હોગે કહ્યું, મને લાગે છે કે તે ગ્રાઉન્ડની અંદર ચેસ પ્લેયર જેવો છે. ભારતના છેલ્લા ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં અશ્વિને બતાવેલી બહાદુરી પછી મને અશ્વિન પ્રત્યે ખૂબ માન છે. તેની સામે રમવું એ મારૂ સૌભાગ્ય હતુ. તે એક મહાન બોલર છે. હોગ ઓસ્ટ્રેલિયા તરફથી સાત ટેસ્ટ, 120 વનડે અને 15 ટી20 રમ્યો છે. હોગે કહ્યું, અશ્વિન હાલમાં વિશ્વનો શ્રેષ્ઠ ઓફ સ્પિનર છે તેમ છતાં, વાતાવરણ અને નિયમોમાં પરિવર્તનના કારણે અમે તેને ઓલ ટાઈમ ગ્રેટેસ્ટ બોલર નહીં કરી શકીએ.