ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર કંપની ભારતી એરટેલે પ્રીપેડ પ્લાન્સના ટેરિફ દરોમાં વધારો કરવાની જાહેરાત કરી છે. કંપનીએ તેમાં 25 ટકાનો વધારો કર્યો છે. નવા ટેરિફ દરો 26મી નવેમ્બરથી લાગૂ થશે. એરટેલ બાદ હવે બાકીની ટેલિકોમ કંપનીઓ પણ ટેરિફમાં વધારો કરી શકે છે.
કંપનીએ કહ્યું કે તેનો 73 રૂપિયાનો બેઝ પ્લાન હવે 99 રૂપિયાનો થઇ ગયો છે. તેમાં 50 ટકા વધુ ટોક ટાઇમ મળશે. આ જ રીતે 149 રૂપિયાનો પ્લાન હવે 179 રૂપિયામાં મળશે. તેમાં 28 દિવસની વેલિડિટીની સાથે અનલિમિટેડ કોલિંગ, દરરોજ 100 એસએમએસ અને કુલ 2 GB ડેટા મળશે. આ જ રીતે 219 રૂપિયાવાળો પ્લાન હવે 265 રૂપિયાનો થઇ ગયો છે. તેમાં 28 દિવસની વેલિડિટીની સાથે દરરોજ 100 એસએમએસ અને 1 જીબી ડેટા મળશે.
એરટેલ Vs જિયો
આ વધારા બાદ એરટેલના પ્રીપેડ પ્લાન્સ રિલાયન્સ જિયોની તુલનામાં 30 થી 50 ટકા સુધી મોંઘા થઇ ગયા છે. જિયોનો 2જીબી અને 28 દિવસનો વેલિડિટીવાળો પ્લાન 129 રૂપિયાનો છે. જ્યારે એરટેલનો આ પ્લાનની કિંમત 179 રૂપિયા છે. આ જ રીતે જિયોનો દરરોજ 1.5 જીબીવાળો 84 દિવસનો પ્લાન 555 રૂપિયાનો છે. જ્યારે એરટેલના ગ્રાહકોને તેના માટે 719 રૂપિયા ચૂકવવા પડશે.
હજુ વધી શકે છે ટેરિફ
એરટેલે એક નિવેદનમાં કહ્યું કે એવરેજ રેવન્યુ પર યુઝર (ARPU) 200 રૂપિયા હોવા જોઇએ અને ફરીથી તેને વધારીને 300 રૂપિયા પહોંચાડવા જોઇએ. જેથી કરીને કંપનીઓને રોકાણની મૂડી પર વ્યાજબી રિટર્ન મળી શકે. કંપનીનો તર્ક છે કે હેલ્દી બિઝનેસ મોડલ માટે આ જરૂરી છે. કંપનીએ સાથે કહ્યું કે એઆરપીયુના આ સ્તર પર આવવાથી નેટવર્ક અને સ્પેકટ્રમ માટે જરૂરી રોકાણ મળશે. સાથો સાથ તેનાથી કંપનીને દેશમાં 5જી સર્વિસ શરૂ કરવા માટે સંસાધન મળી શકશે. તેના માટે કંપનીએ નવેમ્બરમાં ટેરિફ વધારવાનો નિર્ણય કર્યો છે.
એરટેલ બાદ બીજી કંપનીઓ પણ ટેરિફ દરોમાં ફેરફાર કરી શકે છે. ખાસ કરીને મોટી લોનથી ઝઝૂમી રહેલા વોડાફોન આઇડિયા પોતાના પ્રીપેડ દરોને મોંઘા કરી શકે છે. જો કે કંપનીઓના ટેરિફ વધારાથી એક વખત ફરી ફોકત ક્વોલિટી ઓફ સર્વિસીસની તરફ શિફ્ટ થઇ શકે છે.