બિહારમાં વધુ એક વખત અચાનકથી એક વ્યક્તિના બેંક ખાતામાં મોટી રકમ આવી ગયાની ખબર સામે આવી છે. આ પહેલા ખગડિયા, પછી કટિહાર અને હવે મુજફ્ફરપુરથી આવેલ આ ખબરે લોકોને આશ્ચર્યચકિત કરી દીધા છે. એક વૃદ્ધના બેંક ખાતામાં અચાનક 52 કરોડ રૂપિયા આવી જવાથી લોકો દંગ રહી ગયા હતા.
ખરેખર આ મામલો મુજફ્ફરપુર જિલ્લાના કટરા ક્ષેત્રનો છે. જ્યાં રામબહાદુર શાહ પોતાની વૃદ્ધ પેંશનની રકમ ચેક કરવા એક સીએસપી સંચાલક પાસે ગયા હતા. પરંતુ જ્યારે તેમણે ખાતું ચેક કરવા માટે અંગૂઠો લગાવ્યો તો સીએસપી સંચાલક ચોંકી ગયા હતા. કારણ કે વૃદ્ધ રામબહાદુરના ખાતામાં 52 કરોડથી વધારેની રકમ હતી. જોતજોતામાં આ વાત જંગલમાં લાગેલી આગ માફક ફેલાઇ ગઇ હતી.
હવે આ મામલાની જાણકારી લેવા માટે ઘટનાસ્થળ પર મીડિયાકર્મી પહોંચ્યા તો રામબહાદુરે જણાવ્યું કે, તેઓ વૃદ્ધા પેંશન લઇ નજીકના સીએસપી સંચાલક પાસે ગયા હતા. જ્યાં સીએસપી સંચાલકે જણાવ્યું કે, મારા ખાતામાં 52 કરોડ રૂપિયાથી વધુ આવી ગયા છે. આ સાંભળી સૌ કોઇ દંગ રહી ગયા કે આટલી મોટી રકમ તેમના ખાતામાં આવી ક્યાંથી?
વૃદ્ધે કહ્યું કે, અમે ખેતી અને મજૂરી કરીની જીવન જીવીએ છીએ. સરકારને માત્ર એટલું જ કહીશું કે, તે રકમથી અમને પણ કંઇ આપે. જેનાથી અમારી વૃદ્ધાવસ્થામાં મદદ મળે. ત્યાં જ આ મામલે તેમના પુત્ર સુજીતનું કહેવું છે કે, અમારા પિતાજીના ખાતામાં 52 કરોડ વધુ રૂપિયા આવી ગયા. જેને લઇ અમે ખુબ જ પરેશાન છીએ. અમે ખેડૂત છે, ગરીબ પરિવારથી છીએ, સરકાર દ્વારા મદદ કરવામાં આવે.
ત્યાં જ મામલાની જાણકારી પર કટરા પોલીસ ઇન્સપેક્ટર મનોજ પાંડેનું કહેવું છે કે, સ્થાનિક લોકો અને મીડિયયાના માધ્યમથી અમને આ જાણકારી મળી છે. સિંગારીના એક વ્યક્તિના બેંક ખાતામાં 52 કરોડ રૂપિયાથી વધુની રકમ આવી ગઇ છે. આ મામલે મોટા અધિકારીઓનો જે પણ આદેશ હશે અમે તેનું પાલન કરીશું. હાલમાં તપાસ ચાલુ છે.
નોંધનિય છે કે, આ પહેલા કટિહારમાં શાળાના બે વિદ્યાર્થીઓના બેંક એકાઉન્ટમાં 960 કરોડ રૂપિયા આવ્યાની ખબરથી લોકો અચંભિત થઇ ગયા હતા. જોકે બેંક તરફથી આ ખબરને ટેક્નિકલ ખામી ગણાવી હતી. ત્યાં જ ખગડિયામાં એક વ્યક્તિના ખાતામાં 5.50 લાખ રૂપિયા આવી ગયા હતા.