ઝારખંડમાં ભાજપ યુવા મોરચાના નેતા પલામુ જિલ્લા કોષાધ્યક્ષ સુમિત કુમાર શ્રીવાસ્તવની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. NH-98 મેદિનીનગર-ઔરંગાબાદ મુખ્ય માર્ગ પર હરિહરગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના સામુદાયિક આરોગ્ય કેન્દ્ર પાસે પહાડી મંદિર તરફ જતા વળાંક પર તેની કારમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે મૃતદેહને કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે MMCHમાં મોકલી આપ્યો છે. આ હત્યાકાંડના વિરોધમાં રવિવારે હરિહરગંજ બજાર બંધ રાખવામાં આવ્યું છે.
પોલીસે આ મામલે તપાસ શરૂ કરી
આ ઘટના બાદ જ્યાં ભાજપના કાર્યકરોમાં રોષ છે તો બીજી તરફ પરિવારજનોની હાલત કફોડી છે. વિસ્તારમાં ભયનો માહોલ છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. મળતી માહિતી મુજબ, સુમિત કુમાર ગઈકાલે (13 નવેમ્બર) રાત્રે 10.30 વાગે પોતાના મિત્રને મળવાનું કહીને ઘરેથી નીકળ્યો હતો, પરંતુ પરત ન ફરતાં પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી તો તેનો મૃતદેહ NH-98 નજીકથી મળી આવ્યો હતો.
ઝારખંડ બીજેપી અધ્યક્ષ દીપક પ્રકાશે ટ્વીટ કર્યું કે, પાર્ટીના યુવા મોરચાના પલામુ જિલ્લા કોષાધ્યક્ષ સુમિત શ્રીવાસ્તવની હત્યા માટે જેટલી પણ નિંદા કરી શકાય તેટલી ઓછી છે. ઝારખંડમાં ગુનેગારો પોલીસને ચેલેન્જ આપી રહ્યા છે અને રાજ્ય સરકાર માત્ર ગેરકાયદેસર વસૂલીમાં વ્યસ્ત છે. રાજ્ય સરકારે ગુનેગારોની તુરંત ધરપકડ કરવી જોઈએ અન્યથા ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
તો ભાજપ મોટું આંદોલન કરશે
તો બીજી તરફ, આ ઘટના પછી, મોટી સંખ્યામાં સ્થાનિક ભાજપના નેતાઓ MMCH પહોંચ્યા અને સમગ્ર ઘટના વિશે પૂછપરછ કરી. ભાજપ જિલ્લા પ્રમુખ વિજય આનંદે સુમિતની હત્યા માટે કથળેલી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને જવાબદાર ગણાવીને ચેતવણી આપી હતી કે જો આ કેસમાં ટૂંક સમયમાં હત્યારાની ધરપકડ કરવામાં નહીં આવે તો ભાજપ મોટું આંદોલન કરશે. તેમણે સુમિત કુમારને ભાજપના સાચા સૈનિક ગણાવ્યા અને વહીવટીતંત્ર પાસે વહેલી તકે કાર્યવાહી કરવાની માંગ કરી.