ચીનમાં એક મોટી વિમાન દુર્ઘટના બની છે. ચીનનું બોઈંગ 737 એરક્રાફ્ટ ક્રેશ થયું છે. અકસ્માત સમયે બોઇંગ 737માં કુલ 133 મુસાફરો સવાર હતા. આ દુર્ઘટનામાં કેટલા લોકો બચી ગયા કે કેટલા લોકોના મોત થયા તેની માહિતી હાલ બહાર આવી નથી. જે પ્લેન ક્રેશ થયું તે ચીનની ચાઈના ઈસ્ટર્ન એરલાઈન્સનું છે.
ન્યૂઝ એજન્સી રોયટર્સ અનુસાર ચીનનું બોઈંગ 737 કુનમિંગથી ગુઆંગઝૂ જઈ રહ્યું હતું. આ દુર્ઘટના ગુઆંગસી વિસ્તારમાં બની હતી. જેના કારણે ત્યાંના પહાડોમાં આગની જ્વાળાઓ દેખાતી હતી.
MU 5735 પ્લેને દક્ષિણ પશ્ચિમ ચીનના યુનાન પ્રાંતના કુનમિંગ શહેરના ચાંગશુઈ એરપોર્ટ પરથી સવારે 1.15 કલાકે ઉડાન ભરી હતી. તે 3 વાગ્યા સુધીમાં ગ્વાંગડોંગ પ્રાંતના ગ્વાંગઝોઉ પહોંચવાનું હતું પરંતુ તે પહેલા જ અકસ્માત થયો હતો.
એજન્સી સિન્હુઆના જણાવ્યા અનુસાર બચાવ ટીમો હવે ઝડપથી તે જગ્યાએ જઈ રહી છે જ્યાં પ્લેન ક્રેશ થયું હતું. દુર્ઘટનાનો ભોગ બનેલું પ્લેન સાડા છ વર્ષનું હતું. જૂન 2015માં એરલાઈન્સ દ્વારા તેનો કબજો લેવામાં આવ્યો હતો. MU 5735 માં કુલ 162 સીટો હતી, જેમાંથી 12 બિઝનેસ ક્લાસ અને 150 ઈકોનોમી ક્લાસ હતી.
આ પહેલા આજે દિલ્હીથી કતાર એરલાઈન્સની ફ્લાઈટનું પાકિસ્તાનના કરાચીમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. આ પ્લેન દોહા જઈ રહ્યું હતું. તેમાં 100 જેટલા મુસાફરો સવાર હતા. બાદમાં મુસાફરોને અન્ય પ્લેન દ્વારા દોહા મોકલવામાં આવ્યા હતા.