બ્રાઝીલના મિનસ ગેરૈસ રાજ્યમાં શનિવારે એક મોટો અકસ્માત થયો. એક સરોવરમાં કેટલીક બોટ પર ભારે ચટ્ટાન પડી. આ અકસ્માતમાં 7 લોકોના મોત થયા છે, જ્યારે 32 લોકો ઘાયલ થયા છે. આ સિવાય 20 લોકો પણ ગુમ છે. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે ફર્નાસ લેક પર લોકો બોટિંગ કરી રહ્યા હતા, એ દરમિયાન ચટ્ટાનનો મોટો ભાગ તૂટીને બોટ પર પડ્યો હતો.
મિનસ ગેરૈસ ફાયર ફાઈટરના કમાન્ડર કર્નલ એડગાર્ડ એસ્ટેવો ડી સિલ્વાએ આ ઘટના અંગે માહિતી આપી છે. એસ્ટેવો ડી સિલ્વાના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં 7 લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે 32 લોકો ઘાયલ થયા છે. 20 લોકોના ગુમ થવાનો અંદાજ છે.
3 બોટ પર પડી ચટ્ટાન
એસ્ટેવોએ જણાવ્યું હતું કે અકસ્માત સો જોસ દા બારા અને કેપિટલિયો શહેરોની વચ્ચે થયો હતો. કેપિટલિયો વિસ્તારમાં આવેલા ફર્નાસ લેકમાં ચટ્ટાનનો મોટો ટુકડો તૂટીને પડ્યો હતો. આ ચટ્ટાનની શિકાર 3 પ્રવાસી બોટ બની હતી.
વરસાદના કારણે ઘટી ઘટના
મિનસ ગેરૈસના ગવર્નર રોમુ જેમાના જણાવ્યા અનુસાર કેપિટલિયોમાં ફર્નાસ લેકમાં ચટ્ટાનનો એક ભાગ ભારે વરસાદને કારણે તૂટી પડ્યો હતો. જેમાએ સોશિયલ મીડિયા પર લખ્યું કે અમે લોકોને જરૂરી સુરક્ષા અને મદદ પહોંચાડવાનું કામ કરવાનું ચાલુ રાખીશું. ગુમ થયેલાઓની શોધ ચાલુ રહેશે, જોકે ડાઇવર્સ તેમની સલામતી માટે રાત્રે તેમની શોધ બંધ કરશે.
બ્રાઝીલના રાષ્ટ્રપતિ બોલ્સોનારોએ એક વીડિયો ટ્વીટ કરીને કહ્યું કે નેવીએ રાહત દળની ટીમને શોધ અને બચાવ કાર્યમાં જોડાવા માટે તૈનાત કરી છે.
ફર્નાસ લેકને મિનસનો સમુદ્ર કહેવામાં આવે છે. તે સાઓ પાઉલોથી ઉત્તરમાં લગભગ 420 કિમીના વિસ્તારમાં એક લોકપ્રિય પ્રવાસી આકર્ષણ છે.
રાજ્યના નાગરિક સુરક્ષા અનુસાર, મિનસ ગેરૈસ રાજ્યમાં ભારે વરસાદ થઈ રહ્યો છે, જેના કારણે પૂરમાં લગભગ 17,000 લોકો બેઘર થઈ ગયા છે. અધિકારીઓનું માનવું છે કે અગાઉના વરસાદને કારણે ચટ્ટાન ઢીલી અને નબળી પડી ગઈ હશે. બચાવકાર્યમાં મદદ કરનાર બ્રાઝિલની નૌકાદળે કહ્યું કે તે દુર્ઘટનાના કારણોની તપાસ કરશે.