ફ્રાન્સના વડાપ્રધાન જિન કાસ્ટેક્સ બેલ્જિયમની યાત્રા કરીને પાછા ફર્યા પછી કોરોના પોઝિટિવ હોવાનો રિપોર્ટ આવ્યો છે. સરકારે આ સમાચારનું સમર્થન કર્યું છે. ફ્રાન્સના વડાપ્રધાન કાર્યાલયે જણાવ્યું કે વડાપ્રધાન 10 દિવસ સુધી ક્વોરન્ટાઈન રહીને પોતાનું કામ ચાલુ રાખશે. જિન કાસ્ટ્ેક્સને કોરોનાના કોઈ લક્ષણ હતા કે નહીં તે વિશે કોઈ માહિતી આપવામાં આવી નથી.
બેલ્જિયમથી પાછા ફર્યા પછી જિન કાસ્ટેક્સની એક પુત્રી કોરોનાગ્રસ્ત હોવાનું જાણવા મળતાં જિનની પણ તપાસ કરવામાં આવી હતી.
બેલ્જિયમમાં જિન કાસ્ટેક્સ ત્યાંના વડાપ્રધાન એલેક્ઝાન્ડર ડી ક્રૂને બ્રસેલ્સ ખાતે મળ્યા હતા તેથી તેમને પણ ક્વોરન્ટાઈન કરી દેવામાં આવ્યા છે. તેમનો પણ કોરોના ટેસ્ટ કરવામાં આવશે. યુરોપના બધા દેશોએ પોતાના નાગરિકોને ભીડવાળા સ્થળે તથા બારી-બારણા બંધ હોય તેવા સ્થળે ન જવા ચેતવ્યા છે.
યુરોપ કોરોનાના સકંજામાં સપડાયું છે. વર્લ્ડ હેલ્થ ઓર્થગેનાઈઝેશને ચેતવણી ઉચ્ચારી છે કે માર્ચ મહિના સુધી યુરોપમાં કોરોના 20 લાખ લોકોનો ભોગ લઈ શકે છે.યુરોપમાં થેન્ક્સ ગિવિંગ અને ક્રિસમસના તહેવારો આવી રહ્યા છે ત્યારે કોરોનાનો નવો વેવ વધારે વિનાશક બનવાનો ભય સરકારોને પજવી રહ્યો છે.
સ્લોવેકિયાના વડાપ્રધાન એડુઅર્ડ હેગર 3 અઠવાડિયાનું લૉકડાઉન લગાવવા વિચાર કરી રહ્યા છે. જર્મનીની સરકારે નાગરિકોને ચેતવણી આપી છે, શિયાળો પૂરો થતાં પહેલાં વૅક્સિન મુકાવો, સાજા થાઓ અથવા મરી જાઓ.