દુષ્કર્મ અને આત્મહત્યા માટે દુષ્પ્રેરણાના આક્ષેપોમાં સંડોવાયેલા ભાજપ સરકારના રાજ્ય મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર સતત બીજા દિવસે પણ વિધાનસભામાં જોવા મળ્યા નહોતા. મહિલા દિવસે ભાજપમાંથી મહિલા સશક્તિકરણની વાતો વચ્ચે વિપક્ષના ઉપનેતા શૈલષ પરમારે સરકારની આકરી આલોચના કરી હતી. તેમણે કહ્યુ કે, 17 ફેબ્રુઆરી 2021થી અનેક વખત ભાજપના નેતા સામે કાર્યવાહી માટે વારંવાર અરજીઓ કરવા છતાંય એક વર્ષથી પોલીસ ફરિયાદ દાખલ કરતી નથી. ઉપનેતા સહિત કોંગ્રેસના ધારાસભ્યોએ ‘બેટી બચાવો’ સુત્રને હોર્ડિગ્સમાંથી આદેશમાં ઢાળીને દુષ્કર્મના આરોપીને મંત્રીપદેથી તગેડી મુકવા સુત્રોચ્ચાર કર્યો હતો. જો કે, સરકારે નોટિસ વગર આક્ષેપ ન થઈ શકે એમ કહીને ગજેન્દ્રસિંહનો બચાવ તો કર્યો પરંતુ આ યુવા મંત્રીને છેલ્લા બે દિવસથી ક્યાં સંતાડી રાખ્યા છે તેનો ફોડ પાડયો નહોતો.
અગ્નિકાંડના રિપોર્ટે આરોગ્ય મંત્રીની અજ્ઞાનતા ઉઘાડી પાડી
રાજકોટમાં કોવિડ-19 ડેઝિગ્નેટ શિવાનંદ હોસ્પિટલમાં સર્જાયેલા અગ્નિકાંડના તપાસપંચના રિપોર્ટ મુદ્દે આરોગ્ય મંત્રી રૂષિકેશ પટેલ બરોબરના ફસાઈ પડયા હતા. વિપક્ષના ઉપનેતા શૈલેષ પરમારે અગ્નિકાંડની માહિતી માંગી ત્યારે પહેલા તો તેમણે હજી તેનો રિપોર્ટ આવ્યો નથી તેવો જવાબ વાળતા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત તેમના મંત્રીઓ સ્તબ્ધ થઈ ઉઠયા હતા. આ મુદ્દે વિપક્ષના અનેક ધારાસભ્યોએ મંત્રીની અજ્ઞાનતા મુદ્દે બેઠાબેઠા જ કટાક્ષો શરૂ કરતા હોબાળા વચ્ચે અધિકારી દિર્ધામાંથી આરોગ્ય વિભાગના છઝ્રજી મનોજ અગ્રવાલે ચિઠ્ઠી લખીને મોકલી હતી. બાદમાં અધ્યક્ષ ડો.આચાર્યે વારંવાર રિપોર્ટ આવ્યો છે કે કેમ ? એવી પૃચ્છા કરવા છતાંયે આરોગ્ય મંત્રી જવાબ આપી શક્યા નહોતા. આમ, આ રિપોર્ટની આગમાં પુરતી તૈયારી કર્યા વગર આવેલા આરોગ્ય મંત્રી સ્વંય ફસાઈ પડયા જેવુ ચિત્ર ઉપસ્યુ હતુ.
ચેમ્બરમાં TV ઈન્ટરવ્યૂ આપતા ગૃહમંત્રીને અધ્યક્ષે ઠપકો આપ્યો
વિધાનસભામાં ન્યુઝ ચેનલોના કેમેરાથી શુટિંગ કરવા ઉપર પ્રતિબંધ છે. એમ છતાંયે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પોતાની ચેમ્બરમાં કેમેરા ગોઠવીને ઈન્ટરવ્યુ આપતા વિપક્ષના દંડક ડો.સી.જે.ચાવડાએ પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવીને અધ્યક્ષના આદેશની અવમાનતા થઈ રહ્યાની રજૂઆત કરી હતી.ચાવડાએ વાંધો ઉઠાવ્યા બાદ અધ્યક્ષ ડો.નીમાબહેન આચાર્યે શાસક પક્ષના મુખ્ય દંડક પંકજ દેસાઈ મારફતે ગૃહમંત્રી હર્ષ સંઘવીને ઠપકો આપ્યો હતો.
ઊર્જા મંત્રી સલવાતા પૂર્વ ડે.ઝ્રસ્એ પ્રોટોકોલ તોડીને સવાલો પૂછયા !
સામાન્યતઃ ભૂતકાળમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને સરકારમાં લાંબો સમય મંત્રીપદે રહેતા પૂર્વ પદાધિકારીઓ પ્રશ્નકાળમાં સવાલો પુછતા નથી. કારણ કે, તેઓ સરકારની દરેક બાબતથી વાકેફ હોય છે. પરંતુ, મંગળવારે વિપક્ષે દિવસે વિજળી આપવાના પ્રશ્નોની ઝડી વરસાવતા ઉર્જા રાજ્ય મંત્રી મુકેશ પટેલ બરોબરના ફસાઈ પડતા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સરકારમાં પોતાના કાર્યકાળને બાદ કરીને ગુજરાત રાજ્યની સ્થાપનાથી વર્ષ 1995 સુધી ગુજરાતમાં રાતે કે દિવસે કેવી રીતે વીજ પુરવઠો સપ્લાય થતો હતો તેવો પ્રશ્ન કરીને વિપક્ષને ભીંસમાં લેવા નવા મંત્રીને તક આપતા ગૃહમાં હાસ્યની છોળો ઉછળી હતી.
કોંગીની માગને પગલે બધી મહિલા MLAને વધુ સવા કરોડની ગ્રાન્ટ
વિશ્વ મહિલા દિન નિમિત્તે મંગળવારે સવારે ગૃહમાં કામગીરીના આરંભે હાજર બે મહિલા ધારાસભ્યોને બોલવાની તક અપાઈ, એમાં કોંગી ધારાસભ્ય ગેનીબહેન ઠાકોરે અગાઉ પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ તથા પૂર્વ નાય��� મુખ્યમંત્રી નીતિન પટેલના વખતમાં દરેક મહિલા MLAને પ્રોત્સાહક રકમની જાહેરાત કરવાની માગણી રજૂ કરી હતી, જેને સ્વીકારી લઈ બપોરે ગૃહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દરેક મહિલા ધારાસભ્યને વધારાની રૂ. સવા કરોડની ગ્રાન્ટ આ વર્ષે આપવાની ઘોષણા કરી હતી. આ જાહેરાત કઈ ગ્રાન્ટ વધારાઈ તે વિશે ફોડ પડયો ન હતો.
જવાહર ચાવડાનું માપ કેટલું ? રસપ્રદ મુદ્દો
કોંગ્રેસમાંથી ભાજપમાં ભળેલા માણાવદરના MLA જવાહર ચાવડાને ગૃહમાં શરમમાં મુકાવવું પડયું હતું. રાજ્યપાલના પ્રવચન ઉપરની ચર્ચામાં એમણે કહ્યું હતું કે, ભાજપમાં કોને આપવું, કેટલું આપવું, કેટલા માપમાં આપવું એ બધું સિસ્ટમેટિકલી નક્કી થાય છે. તૂર્ત જ કોંગ્રેસના ઉપનેતા શૈલેષ પરમારે કોમેન્ટ કરી કે,’એટલે જ તો તમને એક જ વર્ષ મંત્રી રાખ્યા !’
મને સુરક્ષા નહીં આપવાનું પાપ પ્રદીપસિંહને નડયું
ગરબાડાના કોંગી ધારાસભ્ય ચંદ્રિકા બારિયાએ મહિલા દિનનો લાભ લઈ ગૃહમાં એવી રજૂઆત કરી હતી કે, હું મારા પોતાના રક્ષણ માટે વર્ષ 2007થી સુરક્ષા કમાન્ડો માગી રહી છું, પણ આ સરકાર મારા જેવી મહિલા ધારાસભ્યનીયે માગ સંતોષતી નથી. પ્રદીપસિંહ જાડેજા ગૃહમંત્રી હતા ત્યારેય અનેક વખત આ મુદ્દે મેં કરેલી રજૂઆતો ધ્યાને લેવાઈ નથી, એ પાપ જ પ્રદીપસિંહને નડયું અને તેઓ મંત્રી મટી ગયા છે. જો કે પ્રદીપસિંહ વિશેનું આ ઉચ્ચારણ બાદમાં ગૃહના રેકર્ડ ઉપરથી રદ કરી દેવાયું હતું.