મહારાષ્ટ્ર વકફ બોર્ડ જમીન કેસમાં ઇડી દ્વારા મોટી કાર્યવાહી થઈ રહી છે. ઇડીએ ગુરુવારે પૂણેના સાત સરનામે દરોડા પાડયા હતા. વકફ બોર્ડ સંબંધિત જમીનને ગેરકાયદે વેચી દીધા સંબંધી કેસમાં ઇડી તપાસ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, વકફ બોર્ડ મહારાષ્ટ્ર સરકારના પ્રધાન નવાબ મલિક જે મંત્રાલય સંભાળી રહ્યા છે તેના અંતર્ગત આવે છે. મહારાષ્ટ્ર વકફ બોર્ડ જમીન કેસમાં એવા સમયે તપાસ થઈ રહી છે કે,
જ્યારે મલિક ક્રૂઝ ડ્રગ કેસને મુદ્દે એનસીબી અને તપાસ અધિકારી સમીર વાનખેડે પર નિશાન સાધી રહ્યા છે. આ કેસમાં પૂણેની બંદનગાર્ડન પોલીસ ટીમે ગયા ઓગસ્ટ મહિનામાં ટ્રસ્ટના બે પદાધિકારીઓની ધરપકડ કરી હતી. ટ્રસ્ટના આ ટ્રસ્ટી સામે ટ્રસ્ટના જ કેટલાક પદાધિકારીઓએ પોતાના અંગત લાભ માટે ટ્રસ્ટની સંપત્તિનો દુરુપયોગ કરી રહ્યા હોવાના આક્ષેપ કર્યા હતા.
બંને પદાધિકારીઓ વિરુદ્ધ રૂપિયા 7.76 કરોડનું કૌભાંડ આચર્યું હોવાના આક્ષેપ છે. આ કેસમાં મની લોન્ડરિંગની હકીકત સામે આવતાં હવે ઇડીએ પૂણે અને ઔરંગાબાદમાં દરોડાની કામગીરી હાથ ધરી છે.