નોકરી કરતી કોઈપણ વ્યક્તિ મહિનાની પહેલી તારીખની રાહ જુએ છે. આખો મહિનો મહેનત કર્યા પછી આ દિવસે પગાર મળે છે. પરંતુ એક વ્યક્તિ એવો પણ છે જે ઘણા વર્ષો સુધી મહેનત કર્યા વગર કંપનીમાંથી પગાર લેતો રહ્યો. આ વ્યક્તિએ એક કંપનીમાં પાંચ વર્ષ કામ કર્યું અને પ્રમોશન અને પગાર મેળવતો રહ્યો. પરંતુ આ દરમિયાન તેણે કોઈ મહેનત કરી ન હતી, જેનો ખુલાસો ખુદ કર્મચારીએ કર્યો છે.
એક વ્યક્તિએ પોતાની ઓળખ જાહેર કર્યા વિના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Reddit પર દાવો કર્યો છે કે તેણે કંપનીમાં કામ કર્યા વિના પાંચ વર્ષ સુધી પગાર લીધો. તેણે જણાવ્યું કે વર્ષ 2015માં તેને એક કંપનીમાં નોકરી મળી, જ્યાં તેનું કામ ડેટા એન્ટ્રીનું હતું. તેને ઈ-મેલ દ્વારા ડેટા મળતો હતો જે સિસ્ટમમાં ફીડ કરવાનો હતો. ઓફિસે તેને વર્ક ફ્રોમ હોમમાં નાઇટ શિફ્ટમાં કામ કરવાનું કહ્યું હતું.
કોડ બનાવવા માટે આપ્યો બે મહિનાનો પગાર
એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, તેણે ખુલાસો કર્યો કે જ્યારે તેની ટ્રેનિંગ શરૂ થઈ, ત્યારે તેને સમજાયું કે તે માત્ર એક કોડથી કલાકો સુધી ચાલતું આ કામ સરળતાથી કરી શકે છે. આ કોડ બનાવવા માટે તેણે ફ્રીલાન્સ ડેવલપરનો સંપર્ક કર્યો. ડેવલપરે કોડ બનાવીને કર્મચારીને આપ્યો, પરંતુ આ માટે તેણે તેના બે મહિનાના પગાર જેટલા રૂપિયા લીધા. આ કોડને કારણે તેનું કામ ખૂબ જ સરળ થઈ ગયું હતું, પરંતુ લગભગ બે વર્ષ સુધી તેઓ કામ પૂરું થયા પછી તેને ચેક કરતો હતો.
કલાકોનું કામ કરતો હતો મિનિટોમાં
જોકે, કલાકોની શિફ્ટમાં આ કામ કરવા માટે તેને માત્ર પાંચ મિનિટનો સમય લાગતો હતો. જ્યારે તેને કોડ પર વિશ્વાસ થયો ત્યારે તે પોતાની શિફ્ટ દરમિયાન કોમ્પ્યુટર ચાલુ રાખીને સુઈ જતો કે ફરવા જતો રહેતો હતો. કંપનીએ તેના ‘ઉત્તમ કામ’ માટે ઘણી વખત પ્રમોશન પણ આપ્યું અને તેનો પગાર પણ બે વખત વધાર્યો. તેણે કહ્યું કે આ દરમિયાન તેને અન્ય જગ્યાએથી નોકરીની ઓફર મળી હતી જે તેણે ઠુકરાવી દીધી હતી કારણ કે તેને આ ઓફિસમાં ‘કામ કર્યા વગર’ પૈસા મળી રહ્યા હતા.
થોડા સમય પછી કંપનીએ એક પ્રોગ્રામ ડેવલપ કર્યો, જેના પછી તેનું પદ જ ખતમ થઈ ગયું. નોકરી ખતમ થયા પછી પણ કંપનીએ તેને ભવિષ્યમાં અન્ય કોઈ પોસ્ટ માટે અરજી કરવાની ઓફર કરી છે.