યુક્રેન પર રશિયન હુમલાનો ખતરો હવે ટળી ગયો છે. રશિયા તરફથી એક નિવેદન આવ્યું છે કે ક્રીમિયામાં તેનો યુદ્ધાભ્યાસ સમાપ્ત થઈ ગયો છે અને તે તેની સેના પાછી ખેંચી રહ્યો છે. 2014માં ક્રીમિયાને રશિયાએ યુક્રેનથી છીનવી લીધું હતું. એક દિવસ પહેલા જ રશિયાએ યુક્રેનની સરહદથી પહેલા સૈન્ય દળને પાછી ખેંચવાની જાહેરાત કરી હતી.
એક ન્યૂઝ એજન્સી અનુસાર, રશિયાના સંરક્ષણ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે દક્ષિણી સૈન્ય મથકના યુનિટ્સે તેમનો યુદ્ધાભ્યાસ પૂર્ણ કરી લીધો છે અને હવે તેઓ તેમના બેઝ કેમ્પ પર પાછા ફરી રહ્યા છે. રશિયન ટેલિવિઝનમાં રશિયન સેનાના રશિયન-નિયંત્રિત પ્રદેશમાં પુલ પરત ફરતી તસવીરો પણ દર્શાવવામાં આવી હતી.
રશિયન દળો પાછા ફરી રહ્યા છે
અગાઉ મંગળવારે રશિયન સમાચાર એજન્સીઓએ સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તાને ટાંકીને કહ્યું હતું કે, ‘દક્ષિણ અને ઉત્તરી સૈન્યના યુનિટ્સે તેમનું કાર્ય પૂર્ણ કરી લીધું છે.’ તેઓએ રેલ અને માર્ગ પરિવહન દ્વારા લોડિંગ શરૂ કરી દીધું છે અને તેઓ તેમના લશ્કરી થાણાઓ પર પાછા ફરશે. આ પછી અમેરિકા અને ફ્રાન્સે પૂછ્યું હતું કે રશિયન દળોએ પાછા ફરવાનું શરૂ કર્યું છે તેના શું પુરાવા છે.
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન અને યુએસ પ્રમુખ જો બાઇડને આ દાવાઓની ચકાસણી કરવાનો આગ્રહ કર્યો હતો. સાથે જ તેમણે એમ પણ કહ્યું છે કે રશિયાએ યુક્રેનની સરહદ પરથી સૈનિકો હટાવવાનું શરૂ કર્યું છે તે સાબિત કરવા માટે હજુ સુધી કોઈ પુરાવા નથી. યુક્રેનની સરહદ પર 1.5 લાખથી વધુ રશિયન દળો તૈનાત હતા, જેનાથી અમેરિકા અને પશ્ચિમી દેશોની ચિંતા વધી ગઈ હતી.
રશિયાનું આ નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે યુરોપમાં વધી રહેલા સંકટ વચ્ચે અમેરિકન રક્ષા મંત્રી લોયડ ઓસ્ટિન ફિલ્ડ ટ્રીપ પર રવાના થયા છે. અમેરિકન રાષ્ટ્રપતિ બાઇડને કહ્યું કે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનું આવું કોઈપણ પગલું પોતાના માટે નુકસાનકારક સાબિત થશે.
તેમણે મોસ્કોને ચેતવણી આપી હતી કે અમેરિકા અને તેના સાથી દેશો ‘નિર્ણાયક’ રીતે પ્રતિક્રિયા આપશે. તેમણે કહ્યું કે અમેરિકા હજુ પણ આ મુદ્દાના ઉકેલ માટે રાજદ્વારી રીતે વાતચીત કરવા તૈયાર છે. તેમણે કહ્યું કે 150,000 થી વધુ રશિયન સૈનિકો હજુ પણ યુક્રેનની સરહદ પર એકઠા છે.