રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની 44મી વાર્ષિક સાધારણ સભામાં ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણીએ રિલાયન્સ જિયો અને ગૂગલની પાર્ટનરશિપમાં બનેલા નવા સ્માર્ટફોન જિયોફોન નેક્સ્ટની જાહેરાત કરી છે. ગુજરાત સરકારનાં ઉચ્ચ આધિકારિક સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ગૂગલ આ સ્માર્ટફોનનું ઉત્પાદન ગુજરાતમાં કરી શકે છે. થોડા સમય પૂર્વે ગૂગલના અધિકારીઓ રાજ્યમાં લોકેશન જોવા માટે પણ આવ્યા હતા.
ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજનમાં વિઝિટ કરી હતી
આ અંગે જાણકારી રાખનારા સરકારના એક અધિકારીએ નામ ન આપવાની શરતે કહ્યું હતું કે ગૂગલના અમુક ઑફિશિયલ્સ થોડા સમય પહેલાં જ ગુજરાત આવ્યા હતા. તેમણે ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન (ધોલેરા SIR)ની મુલાકાત લીધી હતી. જોકે હજુ વાત આગળ વધી નથી. ધોલેરામાં ઇન્ફ્રાસ્ટ્રકચરનું કામ 80%થી વધારે પૂરું થઈ ગયું છે અને સરકાર પણ એને હવે એગ્રેસિવલી પ્રમોટ કરી રહી છે.
ગુજરાતમાં કોરોના બાદ કોઈ મોટી કંપનીનું ઇન્વેસ્ટમેન્ટ આવ્યું નથી
જાણકારોના મતે કોરોના આવ્યા બાદ ગુજરાતમાં કોઈ મોટી કંપનીનું ઇન્વેસ્ટમેન્ટ આવ્યું નથી. કોવિડને કારણે આ વર્ષે વાઇબ્રન્ટ ગુજરાત ઇન્વેસ્ટમેન્ટ સમિટ પણ યોજાઈ નથી. આ બધી પરિસ્થિતિમાં રાજ્યમાં ગૂગલને લાવવા માટે રાજ્ય સરકાર પણ પ્રયત્નશીલ રહેશે. ગૂગલ ગુજરાતમાં કેટલું રોકાણ કરી શકે છે એ અંગે હજુ સુધી કોઈ ચર્ચા થઈ નથી.
ગૂગલ-જિયો સ્માર્ટફોન માત્ર ભારત માટે તૈયાર કરવામાં આવ્યો છે
ગૂગલના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સુંદર પિચાઈએ AGMમાં નવા સ્માર્ટફોન વિશે કહ્યું હતું કે અમારું આગામી પગલું ગૂગલ અને જિયોએ સાથે મળીને બનાવેલા વાજ્બી ભાવના જિયો સ્માર્ટફોનથી શરૂ થાય છે. એને ભારત માટે બનાવવામાં આવ્યો છે અને આ ફોન એવા લાખો લોકો માટે નવી સંભાવનાઓ ખોલશે, જે પ્રથમ વખત ઈન્ટરનેટનો ઉપયોગ કરશે. ગૂગલ ક્લાઉડ અને જિયો વચ્ચેની એક નવી 5G પાર્ટનરશિપથી એક અબજથી વધુ ભારતીયોને ઝડપથી ઈન્ટરનેટ સાથે જોડાવવામાં મદદ મળશે. એનાથી ભારતના ડિજિટલીકરણને પણ મદદ મળશે.
રિલાયન્સ જિયો પ્લેટફોર્મ્સમાં ગૂગલનું રૂ. 33,737 કરોડનું રોકાણ
કોરોનાથી બગડેલી અર્થવ્યવસ્થા વચ્ચે પણ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ડિજિટલ આર્મ જિયો પ્લેટફોર્મ્સમાં અંદાજે રૂ. 1.5 લાખ કરોડનું ઇન્વેસ્ટમેન્ટ આવ્યું હતું. ગત વર્ષ�� જુલાઇમાં ગૂગલે પણ જિયો પ્લેટફોર્મ્સમાં રૂ. 33,737 કરોડનું રોકાણ કરી કંપનીમાં 7.73%ની ભાગીદારી મેળવી હતી. આ ઇન્વેસ્ટમેન્ટ ફેસબુકના રૂ. 45,000 કરોડ પછીનું સૌથી મોટું રોકાણ છે.
સપ્ટેમ્બરમાં ગણેશચતુર્થીના દિવસથી વેચાણ શરૂ થશે
એન્ડ્રોઇડબેઝડ આ સ્માર્ટફોનની ઓપરેટિંગ સિસ્ટમ જિયો અને ગૂગલે મળીને તૈયાર કરી છે. મુકેશ અંબાણીએ જાહેરાત કરી કે નવો સ્માર્ટફોન સામાન્ય માણસના બજેટને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો છે. એની કિંમત ખૂબ જ વાજબી હશે અને 10 સપ્ટેમ્બરને ગણેશચતુર્થીથી એનું વેચાણ શરૂ થશે. અંબાણીએ કહ્યું હતું કે દેશને 2Gથી મુક્ત અને 5G યુક્ત બનાવવાનું અમારું લક્ષ્ય છે.