સુરત શહેરને આતંકિત કરનારી ગ્રીષ્મા મર્ડર કેસમાં પોલીસ આરોપીને સખ્ત સજા થાય તે માટે ફોરેન્સિક અને ટેકનિકલ પુરાવાને વધુ મહત્વ આપી રહી છે. ગ્રીષ્માની હત્યા કરતો વિડીયો પણ બહાર આવ્યો હોઇ તે વિડીયો સાથે આરોપીના ફોટો મેચ કરી એફ.એસ.એલ.ના દ્રષ્ટિકોણથી મહત્વના ગણાતી ફેસ રેકેગનેશન ટેકનોલોજીની પણ મદદ લીધી હોવાનું રેન્જ આઇ.જી. રાજકુમાર પાંડિયને જણાવ્યું હતું.
એકતરફી પ્રેમમાં 21 વર્ષીય યુવતીના ઘરે જઇ જાહેરમાં તેના ગળા ઉપર ચપ્પુ ફેરવી હત્યા કરી નાંખવાની ઘટના શહેરના લોકોને અકળાવી રહી છે. કોઇ એટલી હદે અધમ કૃત્ય કરી શકે તેની અકળામણ વચ્ચે વિવિધ સંગઠનો અને સમાજના લોકો પણ રોડ ઉપર આવ્યા છે. ગ્રિષ્માને શ્રધ્ધાંજલી માટે કાર્યક્રમો યોજવાની સાથે પોલીસ અધિકારીઓ તથા મુખ્યમંત્રી સુધી આવેદન પાઠવી હત્યારાને ફાંસી થાય તેવી માંગણી કરતાં હોઇ સ્પેશ્યિલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.
એ. આઈ. બેઝ સોફ્ટવેયરની મદદથી ચહેરાઓ મેચ કરાય છે
આ ટીમ સાંયોગિક પુરાવા ઉપરાંત ફિઝીકલ પુરાવાઓ તો ભેગા કરી રહી જ છે, પરંતુ ફોરેન્સિક અને ડિજીટલ પુરાવાને પણ તેટલું જ મહત્વ આપી રહી છે. કદાચ આ કેસ ડિજીટલ પુરાવા ભેગા કરવામાં માઇલ સ્ટોન સમાન સાબિત થઇ શકે છે. આરોપીઓની ઓળખ ડીજીટલી પુરવાર થઇ શકે તે માટે ફેનીલનું ફેસ રેકેગનેશન પણ કરાયું છે. ફોરેન્સિક વિભાગને તે માટે હત્યા કરતાં દેખાતા ફેનિલના વિડીયો સાથે તેના જ્યાં જ્યાં ફોટો સામે આવ્યા છે. તે ફોટો એફ.એસ.એલ.ને મોકલાય છે. આર્ટિફીશયલ ઇન્ટેલિજન્સ બેઝ સોફ્ટવેયર વિડીયોમાં દેખાતા ફૂટેજ અને જૂના ફોટોના આધારે નાક, વાળ, કાન, ફેસ કટથી લઇને ઝીણવટપૂર્વક રેકેગનેશન કરી કેટલી હદે મળતો આવે છે તેનો રિપોર્ટ આપે છે.
ફેનિલ અને તેના પિતરાઇનો સ્પેક્ટ્રોગ્રાફી ટેસ્ટ કરાયો
ગ્રીષ્માની હત્યા કર્યા બાદ આરોપી ફેનીલે તેના પિતરાઇને ફોન કર્યો હતો અને પોતે હત્યા કરી નાંખી હોવાનું તથા પોતાને લેવા આવવા જણાવ્યું હતું. પોલીસને આ રેકોર્ડિંગ પણ મળી આવ્યું હતું. ફેનીલ પોતે જ આ રેકોર્ડિંગમાં હત્યા કર્યાનું સ્વીકારતો હોઇ પોલીસ માટે આ રેકોર્ડિંગ એક પુરાવો બની ગયું હતું. રેકોર્ડિંગમાં સંભળાતો અવાજ ફેનિલનો જ છે તે પુરવાર કરવા પોલીસે શુક્રવારે ફેનિલ અને તેણે જેની સાથે વાત કરી હતી તે પિતરાઇને ગાંધીનગર FSL લઇ ગઇ હતી. જ્યાં બંનેના વોઇસ સેમ્પલ લઇ મોબાઇલમાં રેકોર્ડ થયેલાં બંનેના અવાજ સાથે સરખાવાયા હતા.
નવ સાક્ષીઓના કલમ 161 હેઠળ નિવેદન લેવાયા
ફેનિલની હત્યા વખતે નજરે જોનાર એવા નવ સાક્ષીઓ પોલીસને મળી આવ્યા હતા. જેમના પોલીસના ઉચ્ચ અધિકારીઓ પાસે 161 હેઠળ નિવેદન લેવાયા હતા. જરૂર જણાશે તો આગળ જતાં મેજિસ્ટ્રેટ સમક્ષ 164 હેઠળ પણ નિવેદન લેવાશે. હત્યા વખતે એવા સાક્ષીઓ પણ પોલીસને મળ્યા હતા. જેમણે હત્યા પહેલાં ફેનિલને જોયો નહિ હોય તેમણે પણ મેજીસ્ટ્રેટ સમક્ષ ઓળખ પરેડ દરમ્યાન ફેનીલને ઓળખી બતાવ્યો હતો. આરોપી-મૃતક અને જેમાં હત્યા રેકોર્ડ કરાઇ હતી તે ફોન પણ પોલીસે સાયન્ટિફીક પરીક્ષણ માટે FSLમાં મોકલાવ્યા હતા.
આવતા અઠવાડિયે ચાર્જશીટ મૂકી દેવાશે
ગુનેગારને ઝડપથી સજા થાય અને મૃતકને ન્યાય મળે તે અમારો પહેલો ઉદેશ્ય છે. ઝડપથી સજા મળે તો જ સાચો ન્યાય છે. અમે આ કેસ ઝડપથી ચાલે તે માટે પ્રયત્નો કરીશું. આ ગુનામાં અમે ઘણાં બધા પુરાવા ભેગા કર્યા છે. આવતા અઠવાડિયાની શરૃઆતમાં જ અમે ચાર્જશીટ ફાઇલ કરી દઇશું. – રાજકુમાર પાંડિયન, આઇ.જી.-સુરત રેન્જ