મોદી સરકારના આગમન પછી જે મોટા ફેરફારો જોવા મળ્યા છે તેમાંથી ગુડ એન્ડ સર્વિસ ટેક્સ (GST) એક છે. થોડા મહિનાઓ બાદ GST સિસ્ટમના 5 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. આ પહેલા GST સિસ્ટમમાં અત્યાર સુધીનો સૌથી મોટો ફેરફાર કરવાની તૈયારી ચાલી રહી છે. આ ફેરફારોમાં ટેક્સ સ્લેબમાં ઘટાડો, રેટ બ્રેકેટમાં ફેરફાર, રાજ્યોને જીએસટી વળતર આપવાનું બંધ કરવું વગેરેનો સમાવેશ થાય છે. હાલમાં GST હેઠળ 5 ટકા, 12 ટકા, 18 ટકા અને 28 ટકાના 4 સ્લેબ છે. સરકાર પણ તેને ઘટાડીને 3 કરવા માંગે છે.
પરોક્ષ ટેક્સ વ્યવસ્થાને સરળ બનાવાનો હતો ટાર્ગેટ
જીએસટી કાયદો 29 માર્ચ 2017ના રોજ સંસદમાં પસાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સરકારે 01 જુલાઈ 2017થી આ નવી સિસ્ટમ લાગુ કરી. આ ફેરફાર હેઠળ એક્સાઇઝ ડ્યુટી, વેલ્યુ એડેડ ટેક્સ (વેટ) અને સર્વિસ ટેક્સ જેવા પરોક્ષ કરને સિંગર ઇનડાયરેકટ ટેક્સ માટે મર્જ કરવામાં આવ્યા હતા. આની પાછળનો વિચાર પરોક્ષ કરની વ્યવસ્થાને સરળ બનાવવાનો હતો. જો કે હજુ પણ ડીઝલ, પેટ્રોલ, દારૂ, એટીએફ સહિત ઘણી એવી પ્રોડક્ટ્સ છે, જે હજુ સુધી GSTમાં સામેલ કરાઇ નથી.
ઘણા નિષ્ણાતો હજુ પણ કહે છે કે GST જટિલ છે
બીજી તરફ ઘણા વેપારી સંગઠનો અને ટેક્સ નિષ્ણાતોએ વારંવાર કહ્યું છે કે GST સિસ્ટમ હજી જટિલ છે. GST લાગુ થયા બાદ અત્યાર સુધી તેમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. લોકોની સૌથી મહત્વની માંગ એ છે કે GST હેઠળના ટેક્સ સ્લેબની સંખ્યા ઘટાડવી જોઈએ. હાલમાં GST હેઠળ 5 ટકા, 12 ટકા, 18 ટકા અને 28 ટકાના 4 સ્લેબ છે. સરકાર પણ તેને ઘટાડીને 3 કરવા માંગે છે.
બંધ થઇ જશે રાજ્યોને GST વળતર
નવી ટેક્સ સિસ્ટમ લાગુ થયા બાદ રાજ્યો માટે વળતરની જોગવાઈ કરવામાં આવી હતી. કેન્દ્ર સરકાર તરફથી રાજ્યોને દર મહિને GST વળતર આપવામાં આવે છે જેથી રાજ્યોને મહેસૂલ મોરચે નુકસાન ન થાય. આ વ્યવસ્થા GST લાગુ થયા પછીના 5 વર્ષ માટે છે. 1 જુલાઈના રોજ GST 5 વર્ષ માટે લાગુ થશે, ત્યારબાદ રાજ્યોને દર મહિને આપવામાં આવતું વળતર પણ બંધ થઈ જશે. આ ફેરફારને કારણે રાજ્યોને આવકમાં ઘટાડોનો સામનો કરવો પડી શકે છે.
આ બેઠકમાં ભલામણો પર નિર્ણય લેવામાં આવી શકે છે
મળતી માહિતી પ્રમાણે કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈની આગેવાની હેઠળના મંત્રીઓના અધિકાર પ્રાપ્ત જૂથની આગામી બેઠકમાં આ ફેરફારો સંબંધિત ભલામણોને અંતિમ સ્વરૂપ આપવામાં આવી શકે છે. ત્યારબાદ જ્યારે GST કાઉન્સિલની આગામી બેઠક યોજાશે ત્યારે તેમાં આ ભલામણો પર વિચાર કરવામાં આવી શકે છે. GST સંબંધિત કોઈપણ નિર્ણય લેવાનો અધિકાર કાઉન્સિલની પાસે છે.
બે સપ્તાહમાં યોજાવાની છે GST કાઉન્સિલની બેઠક
કાઉન્સિલની આગામી બેઠકમાં કેટલીક પ્રોડક્ટ્સ અને સર્વિસીસ પરના ટેક્સના દરમાં પણ ફેરફાર કરવામાં આવી શકે છે. કાઉન્સિલની છેલ્લી બેઠક ડિસેમ્બર 2021માં મળી હતી. તે બેઠકમાં કાપડ ઉદ્યોગની કેટલીક પ્રોડક્ટ્સ પર ટેક્સ વધારવાનો નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે આ વિશે વધુ ચર્ચા કરવાની જરૂર છે. આગામી બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવી શકે છે. GST કાઉન્સિલની આગામી બેઠક ફેબ્રુઆરીના અંતમાં અથવા માર્ચની શરૂઆતમાં યોજાશે.