જ્યારથી ટીમ ઇન્ડિયાને પાકિસ્તાન વિરૂદ્ધ ટી-20 વર્લ્ડકપના મુકાબલામાં હારનો સામનો કરવો પડ્યો છે, ત્યારથી જ ક્રિકેટનો માહોલ ગરમાયો છે. રોજ પાકિસ્તાન અથવા ભારતના કોઇને કોઇ દિગ્ગજ એવું નિવેદન અથવા વાત કરે છે, જેનાથી વિવાદ થાય છે. હવે ટીમ ઇન્ડિયાનો પૂર્વ દિગ્ગજ સ્પિનર હરભજન સિંહ સોશિયલ મીડિયામાં નવા વિવાદમાં સપડાયો છે. ભજ્જી ટ્વીટર પર પહેલા પાકિસ્તાનના ઝડપી બોલર મોહમ્મદ આમિર સાથે બાખડ્યો હતો. તેના પછી હવે તે દેશની જ મહિલા પત્રકાર સાથે ભજ્જીનો ઝઘડો થયો છે.
ગત રાત્રે હરભજનનો સામનો પાકિસ્તાનના પૂર્વ ઝડપી બોલર મોહમ્મદ આમિર સામે થયો. આમિરે ટ્વીટર પર ભજ્જીની મજાક ઉડાવવાની કોશિશ કરી અને તેના જવાબમાં હરભજને પણ તેનો ઉધડો લીધો. પરંતુ હવે પાકિસ્તાનની મહિલા પત્રકાર ઇકરા નાસિરે એક વીડિયો પોસ્ટ કરીને હરભજન સિંહને ટ્રોલ કરવાની કોશિશ કરી છે. ખરેખર આ વીડિયોમાં શાહિદ અફ્રિદી હરભજનની એક ઓવરમાં સતત 4 સિક્સર ફટકારતા નજર આવી રહ્યો છે.
ટ્વીટર પર ઝઘડો
પાકિસ્તાનની આ પત્રકારે હરભજન સિંહને વીડિયોમાં ટેક કરતા લખ્યું,‘આ લો હરભજન સિંહ, તમારી યાદો તાજા કરવા માટે. 4 બોલમાં 4 સિક્સર એ પણ એક ટેસ્ટ મેચમાં. હરભજને પણ આ મહિલા પત્રકારની ક્લાસ લેવામાં જરા પણ વાર ન કરી. હરભજને ઇકરાના વીડિયોના જવાબમાં પોતાનો અને ઝહીર ખાનનો એક વીડિયો ટ્વીટર શેર કર્યો. આ વીડિયોમાં અફ્રિદીની બોલિંગમાં લાંબી-લાંબી સિક્સરો વાગી રહી છે. આ વીડિયોના કેપ્શનમાં ભજ્જીએ લખ્યું,‘તારા રેફરન્સ માટે અભણ પત્રકાર.’
આ મામલાની શરૂઆત પાકિસ્તાનના ઝડપી બોલર મોહમ્મદ આમિરના એક ટ્વીટથી થઇ, જ્ય���રે તેણે યૂટ્યૂબ પર ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલ એક જૂની ટેસ્ટ મેચની ક્લિપ શેર કરી હતી. આ મેચમાં શાહિદ આફ્રિદી હરભજન સિંહની ઓવરમાં સતત 4 બોલમાં 4 સિક્સર ફટકારી હતી. આમિરે આ ક્લિપને શેર કરતા વ્યંગ્ય કર્યો કે, ટેસ્ટ ક્રિકેટમાં આવું કેવી રીતે બને. પછી શું હતું, હરભજન સિંહે પણ મોહમ્મદ આમિરને જડબાતોડ જવાબ આપતા સ્પોટ ફિક્સિંગ સ્કેન્ડલની યાદ અપાવી દીધી. જણાવી દઇએ કે, ફિક્સિંગના આરોપમાં આમિર પર 5 વર્ષનો પ્રતિબંધ લાગ્યો હતો.