જાપાનની રાજધાની ટોક્યોમાં ચાલી રહેલા પેરાલિમ્પિક ગેમમાં રવિવારે છેલ્લા દિવસે ભારતે વધારે બે મેડલ હાંસલ કર્યા તે સાથે ભારતીય ખેલાડીઓએ ૧૯ મેડલ જીતી ઈતિહાસ રચી દીધો છે. ભારતીય ખેલાડીઓ પાંચ ગોલ્ડ, આઠ સિલ્વર અને છ બ્રોન્ઝ મેડલ જીત્યા છે. દિવ્યાંગ ખેલાડીઓના આ મહાકુંભમાં ભારતીય એથ્લેટ્સે શાનદાર પ્રદર્શન કરીને એક નવું સીમાચિન્હ સ્થાપિત કરી દીધું છે. અત્યાર સુધીના પેરાલિમ્પિક્સમાં ભારતનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. આ અગાઉ ભારતે ૫૩ વર્ષમાં ૧૧ પેરાલિમ્પિક્સમાં ભાગ લેતાં કુલ ૧૨ મેડલ જીત્યા હતા, અર્થાત ટોક્યો ગેમ્સમાં ભારતે પાછલી તમામ ગેમ્સમાં જીતેલા મેડલની તુલનાએ ૪૨ ટકા વધારે મેડલ હાંસલ કર્યા છે. ટોક્યો પેરાલિમ્પિકમાં મેડલની શરૃઆત ટેબલ ટેનિસ ખેલાડી ભાવિના પટેલે સિલ્વર મેડલ સાથે કરી હતી અને ૧૯મો મેડલ રવિવારે બેડમિન્ટન ખેલાડી કૃષ્ણા નાગરે ગોલ્ડ મેડલના રૃપમાં અપાવ્યો હતો.
ટોક્યો પેરાલિમ્પિકમાં બેડમિન્ટનમાં ગોલ્ડમેડલ જીતી, કૃષ્ણા નાગરે ઇતિહાસ રચ્યો
ટોક્યો પેરાલિમ્પિકમાં કૃષ્ણા નાગરે ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચી દીધો છે. બેડમિન્ટનની એસએલ૬ ક્લાસ ફાઇનલમાં કૃષ્ણા નાગરે હોંગકોંગના ચુ માન ફેઇને ૨૧-૧૭, ૧૬-૨૧, ૨૧-૧૭થી પરાજિત કર્યો હતો. ટોક્યો પેરાલિમ્પિકમાં બેડમિન્ટનમાં ભારતનો આ ચોથો મેડલ છે. ટોક્યો પેરાલિમ્પિક માટે આ ભારતનો પાંચમો ગોલ્ડ મેડલ બન્યો છે. આ અગાઉ ટોક્યો પેરાલિમ્પિક્સમાં સુહાસ યતિરાજે બેડમિન્ટનમાં સિલ્વર મેડલ જીતી લીધો હતો. બેડમિન્ટનની એસએલ૪ ક્લાસ ફાઇનલમાં સુહાસ યતિરાજ ફ્રાન્સના લુકાસ માઝૂર સામે હારી જતાં ગોલ્ડ મેડલ ચૂકી ગયો હતો. માઝૂરે સુહાસને ૧૫-૨૧, ૨૧-૧૭, ૨૧-૧૫થી પરાજિત કર્યો હતો અને સુહાસે સિલ્વર મેડલથી સંતોષ માનવો પડયો હતો.