ભારતના ટોચના મેડિકલ એજ્યુકેશન રેગ્યુલેટર નેશનલ મેડિકલ કમિશન (NMC)એ ભારતીય વિદ્યાર્થીઓને ચીનની યુનિવર્સિટીઓમાં પ્રવેશ લેવા સામે ચેતવણી આપી છે. NMCએ એક નોટિસ જારી કરીને વિદ્યાર્થીઓને ચીનની યુનિવર્સિટીઓમાં પ્રવેશ ન લેવા સામે ચેતવણી આપી છે. કોવિડને ધ્યાનમાં રાખીને ચીને વિદેશી વિદ્યાર્થીઓના પ્રવેશ પર પ્રતિબંધ ચાલુ રાખ્યો છે. ચીન પાકિસ્તાન સહિત કેટલાક દેશોના વિદ્યાર્થીઓને પરત લાવવાની યોજના પર કામ કરી રહ્યું છે, પરંતુ ચીને ભારતીય વિદ્યાર્થીઓને લઈને સ્થિતિ સ્પષ્ટ કરી નથી.
ચીનમાં વિદેશી વિદ્યાર્થીઓના પ્રવાસ પર પ્રતિબંધ
ભારતના વિદેશ મંત્રાલયે તાજેતરમાં જ માહિતી આપી હતી કે ચીનની કેટલીક મેડિકલ યુનિવર્સિટી ચાલુ અને આગામી શૈક્ષણિક વર્ષ માટે એમબીબીએસમાં પ્રવેશ માટે અરજીઓ લઇ રહી છે. ચીનમાં વિદેશી વિદ્યાર્થીઓના પ્રવાસ પર પ્રતિબંધ હોવા છતાં આ અરજીઓ લેવામાં આવી રહી છે. વિદેશ મંત્રાલય દ્વારા જાણ કરવામાં આવ્યા બાદ NMCએ આ નોટિસ જારી કરી છે.
ભારતના કાયદા મુજબ ઓનલાઈન મેડિકલ ડિગ્રી માન્ય નથી
NMCએ કહ્યું કે જો વિદ્યાર્થીઓ ચીનની યુનિવર્સિટીઓમાં MBBSમાં પ્રવેશ મેળવે છે તો તેમણે આગામી સમયમાં પણ ઓનલાઈન વર્ગો કરવા પડશે. અને ભારતના કાયદા મુજબ ઓનલાઈન મેડિકલ ડિગ્રી માન્ય નથી. NMCએ નોટિસમાં જણાવ્યું છે કે ચીનમાં અભ્યાસ કરી રહેલા હજારો ભારતીય મેડિકલ વિદ્યાર્થીઓ બે વર્ષથી વધુ સમયથી મુસાફરી પ્રતિબંધને કારણે ભારતમાં છે. જેના કારણે તેની કારકિર્દી જોખમમાં મુકાઈ ગઈ છે.
ચીને નવેમ્બર 2020થી તમામ વિઝા સસ્પેન્ડ કર્યા છે
ચાઈનીઝ યુનિવર્સિટીઓ દ્વારા MBBS એડમિશન માટે નોટિસ ઈશ્યૂ કરવા અંગે NMCએ કહ્યું, ‘કોઈપણ સંભવિત વિદ્યાર્થીએ જાણવાની જરૂર છે કે ચીનની સરકારે કોવિડ-19ને ધ્યાનમાં રાખીને મુસાફરી પર કડક પ્રતિબંધો લાદ્યા છે અને નવેમ્બર 2020થી તમામ વિઝા સસ્પેન્ડ કર્યા છે.’ નોટિસમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, ‘પ્રતિબંધને કારણે ભારતીય વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ ચીન પરત ફરી શક્યા નથી. હજુ સુધી ટ્રાવેલ પ્રતિબંધમાં કોઈ છૂટ આપવામાં આવી નથી.
ભારતીય વિદ્યાર્થીઓના ચીન પરત ફરવા પર કોઈ જવાબ આપ્યો નથી
ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું કે તે વિદેશમાં ફસાયેલા હજારો આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને સંકલિત રીતે પરત લાવવા પર વિચાર કરી રહ્યું છે. જો કે, મંત્રાલયે એ જણાવ્યું નથી કે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે મુસાફરી પ્રતિબંધ ક્યારે હટાવવામાં આવશે. ચીને ભારતીય વિદ્યાર્થીઓના ચીન પરત ફરવા પર કોઈ ચોક્કસ જવાબ આપ્યો નથી. બેઇજિંગમાં ભારતીય દૂતાવાસ સતત ભારતીય વિદ્યાર્થીઓનો મુદ્દો ચીનના વિદેશ અને શિક્ષણ મંત્રાલય સમક્ષ ઉઠાવી રહ્યું છે, પરંતુ ચીન દર વખતે વિદ્યાર્થીઓને પરત બોલાવવાની માંગને ફગાવી રહ્યું છે.