સોમવારે આઈપીએલ 2022નો ચોથો મુકાબલો ગુજરાત ટાઇટન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ(GT vs LSG) વચ્ચે રમાશે. બન્ને ટીમ વચ્ચેની મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમ પર સોમવારે સાંજે 7-30 કલાકે શરૂ થશે. GTના કેપ્ટન તરીકે હાર્દિક પંડયાનો સામનો LSGના કેએલ રાહુલ સામે થશે. આ મેચની ખાસ બાબત એ હશે કે હાર્દિક પંડયા પ્રથમવાર આઈપીએલમાં કેપ્ટન્સી કરતો જોવા મળશે. આ ઉપરાંત આ બન્ને ટીમો આઈપીએલની નવી ટીમો છે અને બન્ને ટીમોનો પ્રથમ મુકાબલો એકબીજા સામે જ થશે. આથી બન્ને નવી ટીમોની તાકાતની કસોટી થશે એટલું જ નહીં ગુજરાત ટાઇટન્સ અને LSG પોતાની ડેબ્યૂ મેચમાં વિજય માટે ઝઝૂમશે.
બંને ટીમોને વિદેશી ખેલાડીઓની કમી સાલશે
આ ટીમોને પણ અન્યની માફક પોતાના વિદેશી ખેલાડીઓની કમી સાલશે. આ ખેલાડીઓ હજું પોતાના દેશ માટે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં વ્યસ્ત છે. ગુજરાત ટાઇટન્સને પ્રથમ ફટકો ત્યારે લાગ્યો કે જ્યારે જેસન રોયે ટૂર્નામેન્ટમાંથી પોતાનું નામ પરત લઇ લીધું હતું.
બંને ટીમ પાસે નામાંકિત સ્ટાર્સ છે
ગુજરાત ટાઇટન્સે નીલામી અગાઉ હાર્દિક પંડયા, રાશિદ ખાન અને શુભમન ગીલને રિટેન કરવા માટે પ્લેયર ડ્રાફ્ટનો ઉપયોગ કર્યો હતો જ્યારે લખનઉ સુપર જાયન્ટ્સે ફક્ત કેએલ રાહુલ, રવિ બિશ્નોઇ અને માર્ક સ્ટોઇનિસને સિલેક્ટ કર્યા છે.
વાનખેડેની પિચ બેટ્સમેનોને મદદ કરશે
વાનખેડે સ્ટેડિયમની વાત કરીએ તો આ પિચ બેટ્સમેનોને ઘણી મદદ કરે છે. તેને પરિણામે આ મેદાન પર ફોર અને સિક્સર્સની રમઝટ જોવા મળી શકે છે. આ પિચ પર આઈપીએલનો સરેરાશ સ્કોર 180 છે. તેની સાથે બીજી ઇનિંગમાં રન ચેઝ કરવાનું પસંદ કરવામાં આવે છે.
બંને ટીમોની સંભવિત પ્લેઇંગ ઇલેવન
ગુજરાત ટાઇટન્સ : શુભમન ગીલ, મેથ્યુ વેડ, અભિનવ સદરંગાની, રહમાનુલ્લા ગુરબાઝ, ગુપકીરતસિંહ માન, હાર્દિક પંડયા, વિજય શંકર, રાહુલ તેવરિયા, રાશિદ ખાન, લોકી ફરગ્યુસન, મોહમ્મદ શમી.
લખનઉ સુપર જાયન્ટ્સ : કેએલ રાહુલ, એવિન લુઇસ, મનિષ પાંડે, મનન વોહરા, દીપક હુડા, કૃણાલ પંડયા, કૃષ્ણપ્પા ગૌતમ, દુષ્મન્થા ચમીરા, આવેશ ખાન, રવિ બિશ્નોઇ, અંકિત રાજપૂત.