રાજકોટ જિલ્લા સહકારી બેંકના ચેરમેન અને ભાજપના ધારાસભ્ય જયેશ રાદડિયા સામે ભાજપના જ ઢાંકેચા અને સાવલિયા જૂથે મોરચો માંડયો છે. આ જૂથે ગાંધીનગરમાં રજૂઆત કરી છે કે જયેશ રાદડિયાએ રાજકોટ જિલ્લા બેંકમાં મોટું ભરતી કૌભાંડ આચર્યું છે. ભાજપના જ પરસોત્તમ સાવલિયા, નીતિન ઢાંકેચા, હરદેવસિંહ જાડેજા અને વિજય સખિયાએ આજે સહકાર રજિસ્ટ્રારને જણાવ્યુ હતું કે હાલમાં રાજકોટ જિલ્લા સહકારી બેંકમાં 900 જેટલા કર્મચારીઓની ભરતીમાં મોટું કૌભાંડ આચરાયું છે. વિઠ્ઠલ રાદડિયા બેંકના ચેરમેન હતા ત્યારે 2002માં બોર્ડ મીટિંગમાં ઠરાવ કરીને ભરતીની તમામ સત્તા ચેરમેનને આપી દેવામાં આવી હતી.
જે નિયમથી વિરૂદ્ધ હતી. જેના પછી કોઈ જાહેરખબર આપ્યા વગર, રોજગાર કચેરીમાંથી નામ મંગાવ્યા વગર કે કોઈ પ્રકારના ઈન્ટરવ્યૂ યોજ્યા વગર દરેક ઉમેદવારની 3 માસના રોજમદાર તરીકે પટાવાળા તરીકે ભરતી કરાય છે. એક વર્ષ બાદ તેને કાયમી કરાતા હતા અને પાંચ વર્ષ પછી તેને ક્લાર્ક તરીકે પ્રમોશન આપી આગળ વધારી દેવાતા હતા.
બેંકના ચેરમેન જયેશ રાદડિયા વર્ષે 60થી 70 કર્મચારીઓની ભરતી કરી ઉમેદવાર દિઠ 45 લાખ વસુલાતા હોવાનો ભાજપના આ જૂથે આક્ષેપ કર્યો છે. નાબાર્ડની ગાઈડલાઈન છે કે 12 ધોરણથી વધુ લાયકાત વાળાને પટાવાળામાં ન લઈ શકાય. આમ છતાં ઉમેદવારો પાસે ખોટા સોગંદનામા કરાવી તેઓની ભરતી કરવામાં આવે છે. બાદમાં કોઈ પ્રકારની પરીક્ષા યોજ્યા વગર પ્રમોશન પણ આપી દેવાય છે. આ રીતે જયેશ રાદડિયાએ 50 કરોડ ભેગા કર્યાનો આક્ષેપ કરાયો છે.