કર્ણાટકમાં મુસ્લિમ છોકરીઓનો હિજાબ પહેરીને સ્કૂલ-કોલેજમાં જવાનો મુદ્દો જોર પકડી રહ્યો છે. મંગળવારે, સોશિયલ મીડિયા પર એક વીડિયો પણ વાયરલ થયો હતો જેમાં હિજાબ પહેરેલી એક છોકરી, જેનું નામ મુસ્કાન હોવાનું કહેવાય છે, તેને ભગવો દુપટ્ટો પહેરેલા ટોળાએ ઘેરી લીધો હતો અને ટોળું ‘જય શ્રી રામ’ ના નારા લગાવી રહ્યું હતું. આ યુવતી તેની કોલેજ જઈ રહી હતી, આ દરમિયાન ભીડે તેને ઘેરી લીધી અને ધાર્મિક સૂત્રોચ્ચાર કર્યા હતા.
આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને વિદેશોમાંથી ખાસ કરીને મુસ્લિમ દેશોમાંથી આ ઘટના પર જોરદાર પ્રતિક્રિયા આવી રહી છે. પાકિસ્તાન, તુર્કી જેવા દેશોના અખબારોમાં આ સમાચારને મહત્ત્વનું સ્થાન આપવામાં આવ્યું છે અને દેશની સરકારને નિશાન બનાવવામાં આવી છે.
પાકિસ્તાનના અખબારોમાં શું છપાયું?
પાકિસ્તાનના અગ્રણી અંગ્રેજી દૈનિક ડૉને કર્ણાટક હિજાબ વિવાદ પર એક અહેવાલ પ્રકાશિત કર્યો છે, જેમાં અખબારે લખ્યું છે કે ભાજપની હિંદુત્વ સરકાર હેઠળ, મુસ્લિમો પર અત્યાચાર વધ્યા છે અને આ ઘટનાથી લઘુમતીઓમાં ભયનો માહોલ છે.
અખબાર આગળ લખે છે કે, ‘વડાપ્રધાનની જમણેરી ભારતીય જનતા પાર્ટી કર્ણાટકમાં શાસન કરે છે અને ઘણી પાર્ટીના ઘણા અગ્રણી નેતાઓએ હિજાબ પર પ્રતિબંધને પોતાનું સમર્થન આપ્યું છે. ટીકાકારોનું કહેવું છે કે ભાજપ 2014માં સત્તામાં આવ્યું ત્યારથી તેણે કટ્ટરપંથી જૂથોને પ્રોત્સાહન આપ્યું છે જે ભારતને એક હિન્દુ રાષ્ટ્ર તરીકે જુએ છે. આ લોકો દેશના 20 કરોડ લઘુમતી મુસ્લિમ સમુદાયની કિંમતે ભારતના બિનસાંપ્રદાયિક પાયાને નબળો પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે.’
પાકિસ્તાની અખબાર પાકિસ્તાન ટુડેએ આ સમાચારને મહત્ત્વનું સ્થાન આપ્યું છે અને લખ્યું છે કે RSSના ભગવા પહેરેલા ગુંડાઓએ હિજાબ પહેરેલી એકલી છોકરીને ઘેરી લીધી, આ હિંદુત્વવાદીઓની કાયરતા છતી કરે છે.
ધ એક્સપ્રેસ ટ્રિબ્યુન લખે છે, ‘રાજ્યનું તંત્ર ભગવા સામે લાચાર દેખાઈ રહ્યું છે. કેટલાક શાસક પક્ષના નેતાઓ હિજાબ પરના પ્રતિબંધનો બચાવ કરતા નિવેદનો જારી કરી રહ્યા છે, જેને આરએસએસના માણસોને વધુ ઉશ્કેરવા માટે પ્રોત્સાહિત કર્યા છે. વિપક્ષો અને ટીકાકારો સરકાર પર ધાર્મિક લઘુમતીઓ સાથે ભેદભાવનો આરોપ લગાવતા રહે છે.’
પાકિસ્તાનની અગ્રણી ટીવી ચેનલ જિયો ટીવીએ આ સમાચારને લઈને એક અહેવાલ પ્રક��શિત કર્યો છે. અહેવાલનું શીર્ષક આપ્યું છે- ‘ભારતમાં ‘જય શ્રી રામ’ ના નારા લગાવતા ટોળાએ હિજાબ પહેરેલી એક મુસ્લિમ યુવતીને ડરાવી’
પાકિસ્તાનની સરકારી પીટીવી ન્યૂઝે તેના ટ્વિટર હેન્ડલ પરથી મુસ્કાનની સાંકેતિક તસવીર ટ્વીટ કરી છે અને તેની પ્રશંસા કરી છે કે કેવી રીતે એ ટોળા સામે ડરી નહિ, પણ મક્કમ રહી. ચેનલે તેના ટ્વીટમાં લખ્યું છે કે, ‘હિજાબ પહેરવા બદલ ભારતના કર્ણાટકના ભગવા પહેરેલા વિદ્યાર્થીઓની મશ્કરી, ટોણા અને ઘોંઘાટ સામે ઉભી થયેલી યુવા ભારતીય મુસ્લિમ વિદ્યાર્થી મુસ્કાનને સામાજિક સ્તરે પ્રતિકારના ચહેરા તરીકે ઓળખાવા લાગી છે.’
તુર્કીના અખબારે પણ સમાચારને સ્થાન આપ્યું
તુર્કીના સરકારી બ્રોડકાસ્ટર ટીઆરટી વર્લ્ડે એક રિપોર્ટમાં લખ્યું છે કે ભાજપની રાષ્ટ્રવાદી સરકારમાં મુસ્લિમો વિરુદ્ધ હિંસા અને હેટસ્પીચમાં વધારો થયો છે. રિપોર્ટમાં લખવામાં આવ્યું છે કે જ્યારથી ભાજપ સત્તામાં આવ્યું છે, એ કટ્ટરવાદીઓને તાકાત મળી છે જેઓ ભારતને હિંદુ રાષ્ટ્ર બનાવવા માંગે છે.
અહેવાલમાં આગળ લખવામાં આવ્યું હતું કે, ‘વિરોધી પક્ષો અને ટીકાકારોએ ભાજપ સરકાર પર કેન્દ્ર અને રાજ્ય સ્તરે ધાર્મિક લઘુમતીઓ સાથે ભેદભાવ કરવાનો હિંસા ભડકાવવાનો આરોપ લગાવ્યો છે. ભાજપ પોતાના આ રેકોર્ડનો બચાવ કરે છે અને કહે છે કે તેમની આર્થિક અને સામાજિક નીતિઓથી તમામ ભારતીયોને ફાયદો થાય છે.’
બાંગ્લાદેશમાં પણ આ મામલાના પડઘા પડ્યા
બાંગ્લાદેશના અગ્રણી અખબાર ઢાકા ટ્રિબ્યુને એક અહેવાલમાં લખ્યું છે કે, ‘વડાપ્રધાનની દક્ષિણપંથી ભારતીય જનતા પાર્ટી દ્વારા શાસિત કર્ણાટક રાજ્ય અને પાર્ટીના ઘણા નેતાઓએ હિજાબ પર પ્રતિબંધનું સમર્થન કર્યું છે.’ અખબાર લખે છે કે કર્ણાટકમાં બનેલી આ ઘટનાથી લઘુમતીઓમાં ભય ફેલાયો છે.
હોંગકોંગના અખબારે પણ આ સમાચાર છાપ્યા
હોંગકોંગના અખબાર સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટે લખ્યું છે કે આ ભારત હિન્દુ રાષ્ટ્રવાદી ભાજપની સરકારના સમયનું ધ્રુવીકરણ ભારત છે. ભારતના વિરોધ પક્ષો અને ઉદારવાદીઓ સરકાર પર ‘ગંદી રાજનીતિ’ કરવા અને મુસ્લિમોને નિશાન બનાવવાનો આરોપ લગાવે છે.’