વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) હેઠળ વિશ્વના અલગ અલગ દેશોની વચ્ચે ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે જેને પરિણામે WTC પોઇન્ટ ટેબલ પર સતત બદલાવ થઈ રહ્યા છે. એશિઝ સિરીઝ હેઠળ ઓસ્ટ્રેલિયા ફક્ત 12 દિવસની અંદ ઇંગ્લેન્ડ સામે ત્રણ ટેસ્ટ જીતી જતાં આ પોઇન્ટ ટેબલ પર ભારે ઊથલપાથલ થઈ છે. ઓસ્ટ્રેલિયાએ ત્રીજી ટેસ્ટમાં ઇંગ્લેન્ડને એક ઇનિંગ અને 14 રનથી પરાજિત કર્યું તે સાથે તેણે પોઇન્ટ ટેબલ પર 36 પોઇન્ટ સાથે ટોચની પોઝિશન હાંસલ કરી લીધી છે. જો કે ઓસ્ટ્રેલિયા ટોચના ક્રમ પર પહોંચી જતાં ભારતની પોઝિશનને ફટકો પડયો છે અને તે ચોથા સ્થાન પર પહોંચી ગયું છે. શ્રીલંકા અને પાકિસ્તાનને પણ પોઇન્ટ ટેબલ પર નુકસાન થયું છે. નોંધનીય છે કે દરેક ટીમને એક ટેસ્ટ મેચ જીતવાની સાથે 12 પોઇન્ટ પ્રાપ્ત થાય છે. ઓસ્ટ્રેલિયાના ખાતામાં 36 પોઇન્ટ છે અને સાથોસાથ તેની જીતની ટકાવારી પણ 100 ટકા છે જેને પરિણામે ઓસ્ટ્રેલિયાની ટીમ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપના 2023 માટેના પોઇન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી ગઈ છે.
આ અગાઉ શ્રીલંકાની ટીમ આ સ્થાન પર બિરાજમાન હતી. તેણે 24 પોઇન્ટ મેળવ્યા હતાં અને જીતની ટકાવારી 100 ટકા હતી, જે હવે બીજા ક્રમ પર સરકી ગઈ છે. ત્રીજા નંબર પર પાકિસ્તાનની ટીમ છે કે જેણે ચારમાંથી ત્રણ ટેસ્ટમાં વિજય મેળવીને 36 પોઇન્ટ મેળવ્યા છે અને તેની જીતની ટકાવારી 75 ટકા છે. જ્યારે ભારતે અત્યાર સુધીમાં રમાયેલી છ મેચમાંથી ત્રણ મેચ જીતી લીધી છે અને બે મેચ ડ્રો રહી છે અને એક મેચમાં પરાજયનો સામનો કર્યો છે. ટીમ ઈન્ડિયાના ખાતામાં હાલમાં આમ તો સૌથી વધારે કુલ 42 પોઇન્ટ છે પણ તે ચોથા સ્થાન પર છે. ચોથા નંબર પર બિરાજમાન ભારતના બે પોઇન્ટ પેનલ્ટી ઓવરના કારણે કાપવામાં આવ્યા છે. આ જ કારણ છે કે હવે ટીમની જીતની ટકાવારી 58.33 ટકા છે. પાકિસ્તાન ટીમનો પોઇન્ટ સ્કોર 36 હોવા છતાં જીતનો દર 75 ટકા હોવાના કારણે ભારત કરતાં આગળ છે.
WTC પોઇન્ટ ટેબલ 28–12ની સ્થિતિએ
ટીમ | ટકાવારી | પોઇન્ટ | જીત | હાર | ડ્રો |
ઓસ્ટ્રેલિયા | 100 | 36 | 3 | 0 | 0 |
શ્રી લંકા | 100 | 24 | 2 | 0 | 0 |
પાકિસ્તાન | 75 | 36 | 3 | 1 | 2 |
ભારત | 58.33 | 42 | 3 | 1 | 2 |
વેસ્ટ ઇન્ડિઝ | 25 | 12 | 1 | 3 | 0 |
ન્યૂઝીલેન્ડ | 16 | 4 | 0 | 1 | 1 |
ઇંગ્લેન્ડ | 7.14 | 6 | 1 | 5 | 1 |
બાંગ્લાદેશ | 00 | 0 | 0 | 2 |
0 |