છેલ્લા 24 કલાકમાં વિશ્વમાં 36.74 લાખ કોરોનાના નવા કેસ નોંધાયા છે. 16.71 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 9233 લોકોનાં મોત થયાં છે. કોરોનાના નવા કેસ બાબતે અમેરિકા 8 લાખ દર્દી સાથે ટોપ પર છે, જ્યારે 4 લાખ નવા કેસ સાથે ફ્રાન્સ બીજા ક્રમે છે. ભારત 3.31 લાખ કેસ સાથે ત્રીજા નંબર પર છે.
કોરોનાના પ્રતિબંધોને કારણે ન્યૂઝીલેન્ડના PMએ પોતાના લગ્ન રદ કર્યા
ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન જેસિન્ડા આર્ડને પોતાના લગ્ન રદ કરી દીધા છે. કોરોનાના નવો વેરિયન્ટ ઓમિક્રોનના કોમ્યુનિટી ટ્રાન્સમિશનને અટકાવવા માટે દેશમાં નવા પ્રતિબંધો લાદવામાં આવ્યા છે, જેને કારણે વડાપ્રધાને પોતે પોતાના લગ્ન રદ કરી દીધા છે. પોતાના લગ્ન કેન્સલ કરવા અંગે આર્ડેને કહ્યું, 'હું દેશના નાગરિકોથી અલગ નથી. ન્યૂઝીલેન્ડમાં હજારો અન્ય લોકો એવા પણ છે, જેમના પર આ મહામારીની ઘણી અસર થઈ છે.
અમેરિકામાં 2917 નવાં મોત નોંધાયાં છે, જ્યારે ભારતમાં 520 લોકોનાં મોત થયાં છે. એક્ટિવ કેસના મામલે પણ અમેરિકા ટોપ પર છે. સમગ્ર વિશ્વમાં 6.60 કરોડ એક્ટિવ કેસ છે. એમાંથી 2.65 કરોડ કેસ એકલા અમેરિકામાં જ છે. અત્યારસુધીમાં 34.95 કરોડથી વધુ લોકો આ મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે, તેમાંથી 27.93 કરોડ લોકો સાજા થઈ ગયા છે. જ્યારે 56.09 લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે.
વિશ્વમાં અત્યારસુધીના કોરોના કેસોની સ્થિતિ
બાઈડને કહ્યું- મિત્રો, આપણે હાર માનવાની નથી
આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ બાઈડને ટ્વીટ કરીને લખ્યું, 'મિત્રો, આપણે હાર માનવાની નથી. કેટલાક લોકો કહેશે કે હવે જે થઈ રહ્યું છે એ નવું સામાન્ય છે. હું તેને એવું કામ કહું છું જે હજી પૂરું થયું નથી. આપણે એવા સમય તરફ આગળ વધી રહ્યા છીએ, જ્યારે COVID-19 આપણા રોજિંદા જીવનમાં ખલેલ પહોંચાડશે નહીં. આપણે હજી ત્યાં સુધી પહોંચ્યા નથી, પણ આપણે ત્યાં પહોંચીશું.'
બૂસ્ટર ડોઝ તરીકે વર્ષમાં એકવાર વેક્સિનની શક્યતા
ફાઈઝર ઈન્કના ચીફ એક્ઝિક્યુટિવ આલ્બર્ટ બૌર્લાએ શનિવારે જણાવ્યું હતું કે બૂસ્ટર ડોઝ તરીકે વર્ષમાં એકવાર વેક્સિન લેવાનું વધુ સરળ રહેશે. ખરેખર, ઇઝરાયેલની K N12 ન્યૂઝ સાથેની એક મુલાકાતમાં, બૌર્લાને પૂછવામાં આવ્યું હતું, "શું તમને લાગે છે કે બૂસ્ટર ડોઝ નિયમિત ધોરણે દર 4-5 મહિને આપવામાં આવશે?" તેના જવાબમાં બૌર્લાએ કહ્યું, હું આશા રાખું છું કે અમારી પાસે એક એવી વેક્સિન હશે જે તમારે વર્ષમાં એકવાર જ લેવી પડશે. લોકોને વર્ષમાં એક જ વાર વેક્સિન લેવા માટે સમજાવવા એ સરળ રહેશે. લોકો માટે એને યાદ રાખવામાં પણ સરળતા રહેશે.
કિરિબાતી આઇલેન્ડમાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયા પછી લોકડાઉન લગાવાયું
કોરોના વાઇરસને કારણે કિરિબાતી અને સમોઆ દ્વીપમાં પ્રથમ વખત લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. બે વર્ષ સુધી, આ ટાપુ કોરોનાથી બચી ગયો હતો. WHO મુજબ આ મહિના પહેલાં કિરિબાતીમાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો ન હતો, જ્યારે સમોઆમાં મહામારીની શરૂઆત બાદથી માત્ર બે કેસ નોંધાયા છે.