ગુજરાતમાં ભાજપમાં નવી સરકારની રચનાના મુદ્દે ભડકા જેવી સ્થિતિ ઉભી થઇ છે, તે સંજોગોમાં પૂર્વ મંત્રીઓની નારાજગીની ચાલી રહેલી ચર્ચા વચ્ચે કાલે આખો દિવસ નારાજ નીતિન પટેલ ઘરમાં જ બેસી રહ્યા હતા, અને કોઈ વિવાદ કે નારાજગી ની રજુઆત કરવા જાહેરમાં ના આવતા ભાજપના નેતાઓમાં અનેક તર્કવિતર્ક સર્જાયા હતા.
અન્ય પાટીદાર ધારાસભ્યને CM બનાવાતા નીતિન પટેલ નારાજ
ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીના રાજીનામાં બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને મુખ્યમંત્રીનો તાજ પહેરાવવામાં આવે તેવી અટકળો ચાલી રહી હતી, તે જ સમયે નીતિન પટેલના બદલે અન્ય પાટીદાર ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવી દેવામાં આવતા નીતિન પટેલ નારાજગી સાથે ધુવાપુવા થઈ ગયા હતા. પરંતુ નારાજગી જાહેરમાં વ્યક્ત કરવાને બદલે પક્ષના મોવડીઓ સમક્ષ હૈયાવરાળ ઠાલવી હતી. પરંતુ હાઇકમાન્ડનો નિર્ણય હોવાનું જાણ્યા પછી નીતિન પટેલ એકદમ ચૂપ થઈ ગયા હતા.
નીતિન પટેલ નેતાઓ, સમર્થકોથી અંતર બનાવ્યું
મંગળવારે વહેલી સવારથી નવા મંત્રીમંડળની રચના અંગે ચાલી રહેલી અટકળોમાં તમામ મંત્રીઓને પડતા મુકવાની ગંભીર ચર્ચા બાદ કેટલાક સિનિયર મંત્રીઓ ગઈકાલે આખો દિવસ વિવિધ નેતાઓ અને રાષ્ટ્રીય આગેવાનો સુધી રજૂઆતો કરી રહ્યા હતા, આ દરમિયાન નીતિન પટેલે પણ નારાજ મંત્રીઓના જૂથમાં જોડાવવાને બદલે કાલે દિવસ દરમિયાન પોતાના અમદાવાદ અને ગાંધીનગરના નિવાસસ્થાને જ બેસી રહ્યા હતા. એટલું જ નહીં મીડિયા અને ભાજપના નેતાઓ, સમર્થકોથી પણ અંતર બનાવી રાખ્યું હતું, મોડી સાંજે નીતિન પટેલ અમદાવાદના નિવાસસ્થાને આવીને પરિવાર અને કેટલાક અંગત લોકો સાથે રહ્યા હતા.
ગઈ કાલે આખો દિવસ નીતિન પટેલ ચહલ પહલમાં સામેલ ના થતા અને કોઈ નેતા કે આગેવાનોને પણ મળવા ના આવતા અફવાઓ અને અટકળોએ જોર પકડ્યું હતું કે નીતિન પટેલ બળવાના મૂડમાં છે અને 12 થી 14 ધારાસભ્યો સાથે સંપર્કમાં છે.
आज की राजनीति महाभारत से कम नहीं!
— Shankersinh Vaghela (@ShankersinhBapu) September 16, 2021
उसूलों और स्वाभिमान पर आंच आए तो अपने ही परिवार के कौरवों से लड़ना सही धर्म और कर्म है। यह धर्म युद्ध ना सिर्फ स्वाभिमान की रक्षा के लिए है बल्कि समग्र प्रदेश के कल्याण के लिए है। जब जब ऐसी परिस्थिति आएगी ‘अर्जुन‘ को निसंकोच युद्ध करना होगा। pic.twitter.com/ryYUV42w4b
'અર્જુન'ને નિસંકોચ યુદ્ધ કરવું પડશે: શંકરસિંહ વાઘેલા
ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળના શપથ પહેલા જ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ટ્વીટર પર ટ્વિટ કર્યું છે. તેમણે લખ્યું છે, આજની રાજનીતિ મહાભારતથી ઓછી નથી. પોતાના સિદ્ધાંતો અને સ્વાભિમાન પર આંચ આવે તો પોતાના જ પરિવારના કૌરવો સાથે લડવું જ સાચો ધર્મ અને કર્મ છે. આ ધર્મ યુદ્ધ માત્ર સ્વાભિમાનની રક્ષા માટે નથી પરંતુ સમગ્ર પ્રદેશના કલ્યાણ માટે છે. જ્યારે જ્યારે આવી પરિસ્થિતિ આવશે 'અર્જુન'ને નિસંકોચ યુદ્ધ કરવું પડશે.