લંડનની એક કોર્ટે દુબઇ સ્થિત NMC હેલ્થના ફાઉન્ડર બીઆર શેટ્ટીને બાર્કલેઝ ( Barclays)ને 13.1 કરોડ (968.5 કરોડ રૂપિયા) ડોલરનું પેમેન્ટ કરવાનું કહ્યું છે. બાર્કલેઝ બ્રિટનની એક મલ્ટીનેશનલ યુનિવર્સલ બેન્ક છે, જેનું હેડક્વાર્ટર લંડનમાં છે.
બ્લૂમબર્ગના એક રિપોર્ટ અનુસાર શેટ્ટીનો ફોરેક્સ બિઝનેસ 2020માં બ્રિટિશ બેન્કની સાથે એક ટ્રાન્ઝેકશન એગ્રીમેન્ટ પૂરો કરવામાં નિષ્ફળ રહ્યા હતા. ત્યારબાદ બ્રિટનની બેન્કે શેટ્ટીની વિરૂદ્ધ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા.
જાણો વકીલોએ કોર્ટમાં શું કહ્યું?
બ્રિટનમાં ડિસેમ્બરમાં એક સુનવણી દરમ્યાન શેટ્ટીના વકીલોએ કહ્યું કે અત્યારે તેમની નાણાંકીય સ્થિતિ સારી નથી. વકીલોએ આ કેસને થોડાંક દિવસ માટે સ્થગિત કરવાની માંગણી કરી હતી જેથી કરીને યોગ્ય રીતે પોતાનો પક્ષ મૂકવા માટે સમય મળે. લંડનના જજે સોમવારના રોજ તેમની અરજીને નકારી દીધી.
ભારતમાં ફસાયા છે શેટ્ટી
વકીલોના મતે શેટ્ટીની સામે ભારત સહિત અન્ય જગ્યાઓ પર ફ્રીઝિંગ ઓર્ડર આપવામાં આવી રહ્યા છે. તેમના મતે શેટ્ટી ભારતમાં ફસાયા છે કારણ કે તેમને UAE જવાની મંજૂરી મળી રહી નથી. આ કેસની અંતર્ગત બાર્કલેઝને લંડન સ્થિત પ્રોપર્ટી સહિત દુનિયાભરમાં શેટ્ટીની પ્રોપર્ટી ફ્રીઝ કરવાનો આદેશ મળી ગયો છે.
શેટ્ટી અપીલ કરશે
શેટ્ટીના વકીલે કહ્યું કે તેઓ આ નિર્ણયની વિરૂદ્ધ અપીલ કરશે. બાર્કલેઝે કોમેન્ટ માટે કરેલી રિક્વેસ્ટ પર હજી સુધી કોઇ જવાબ આપ્યો નથી.
મેડિકલ રિપ્રેઝન્ટેટિવ તરીકે કેરિયરની શરૂઆત કરી હતી
બીઆર શેટ્ટીએ એક મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ તરીકે પોતાની કેરિયરની શરૂઆત કરી હતી. જો કે બાદમાં 1973માં તેઓ કર્ણાટકથી UAE જતા રહ્યા. જ્યાં તેમણે NMC ગ્રૂપની સ્થાપના કરી. તેઓ આ વિસ્તારમાં સૌથી મોટા હેલ્થકેર પ્રોવાઇડર્સમાંથી એક ઉભરી આવ્યા. શેટ્ટી દ્વારા શરૂ કરાયેલ એખ નાનકડી ક્લિનિકથી આ કંપનીનો પાયો નંખાયો હતો.