કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટ ભારતના પણ 11 રાજ્યોમાં પહોંચી ચૂક્યો છે. ઓમિક્રોનના કુલ 87 કેસ આવી ચૂક્યા છે. તો અન્ય તરફ ગુરુવારે બ્રિટનમાં કોરોનાના કુલ 88376 નવા કેસ આવવાના કારણે ખળભળાટ મચ્યો છે. તમામ દેશોએ સાવધાની રાખવાનું શરૂ કર્યું છે તો કેટલાકે તેને ઘાતક ગણાવ્યો છે. UKના સ્વાસ્થ્ય સુરક્ષા એજન્સીએ કહ્યું કે દેશમાં અન્ય 1691 ઓમિક્રોનના કેસની ઓળખ કરાઈ છે તેની સાથે કુલ 11708 કેસ થયા છે. વૈજ્ઞાનિકોએ કહ્યું કે આ સંખ્યા હજુ પણ વધવાની શક્યતા છે.
દુનિયાના દેશોએ નવા વેરિઅન્ટને ગણાવ્યો ઘાતક
કોરોનાના નવા વેરિઅન્ટને દુનિયાના અનેક દેશોએ ઘાતક માનવાનું શરૂ કર્યું છે. ખાસ કરીને બ્રિટન અને અમેરિકામાં ઓમિક્રોનના નામથી લોકો ડરવા લાગ્યા છે. કેમકે બ્રિટનમાં ઓમિક્રોને રેકોર્ડ તોડ્યો છે. અમેરિકામાં સ્થિતિ બગડી રહી છે. ઝડપથી કેસ વધી રહ્યા છે. બ્રિટન અને અમેરિકા જેવા દેશ ડરી રહ્યા છે અને સાથે ભારતના લોકોએ સાવધાની રાખવાની જરૂર છે. ગુરુવારે બ્રિટનમાં કોરોના વિસ્ફોટે રેકોર્ડ તોડ્યો છે. એક દિવસમાં 88376 નવા કેસ આવ્યા છે અને 1 દિવસમાં 146 લોકોના મોત થયા છે. એટલે કે ખતરો સતત વધી રહ્યો છે.
ભારત માટે પણ ઓમિક્રોન ખતરાની ઘંટડી સમાન
વિદેશમાં પણ કોરોનાનો ખતરો સતત વધી રહ્યો છે ત્યારે જે રીતે કેસ વધી રહ્યા છે ત્યારે ચિંતા વધી છે. ઓમિક્રોન વેરિઅન્ટ ભારતમાં 11 રાજ્યોમાં આવ્યો છે ત્યારે દેશમાં 87 કેસ આવતાં હડકંપ મચ્યો છે. મહારાષ્ટ્રમાં 32 નવા કેસની પુષ્ટિ થઈ છે. આ ઉપરાંત રાજસ્થાનમાં 17, દિલ્હીમાં 10, કેરળમાં પાંચ, ગુજરાતમાં પાંચ, કર્ણાટકમાં આઠ, તેલંગાણામાં સાત, બંગાળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને ચંદીગઢમાં એક-એક કેસ નોંધાયા છે.
શું કહ્યું અમેરિકી રાષ્ટ્રપતિએ
જો બાઈડેને સ્થિતિની ગંભીરતાને જોતા લોકોને કહ્યું છે કે લોકો જલ્દી જ બૂસ્ટર શોટ લે. બાઈડેને કહ્યું આ વર્ષે શિયાળો ગંભીર બની શકે છે. વેક્સિન ન લેનારાનું મોત પણ થઈ શકે છે. અમેરિકાના રાષ્ટ્રપતિએ ટ્વિટમાં કહ્યું કે જો તમે વેક્સિન લીધી છે અને પછી તમે નવા વેરિઅન્ટને લઈને ચિંતિત છો તો બૂસ્ટર ડોઝ લો. તમે વેક્સિન નથી લીધી તો જાઓ અને પહેલો ડોઝ લો. અમે ઓમિક્રોન વેરિઅન્ટ સામે સાથે મળીને લડીશું. તેઓએ કહ્યું કે ઓમિક્રોન હવે અહીં છે….ફેલાઈ રહ્યો છે અને આવનારા સમયમાં વધારે વધી શકે છે. તમે બૂસ્ટર ડોઝ લો તે જરૂરી છે. ઉલ્લેખનીય છે કે પહેલા જ ડેલ્ટા વેરિઅન્ટના સંક્રમણને લઈને લડી રહેલા અમેરિકામાં કોરોના વાયરસના નવા સ્વરૂપ ઓમિક્રોનના કારણે એક વધુ લહેરનો ખતરો આવી રહ્યો છે. દેશમાં સંક્રમણના કેસમાં વધારો ખતરો બમણો કરી રહ્યો છે.