કેનેડાની રાજધાનીમાં ગયા અઠવાડિયાથી હજારો લોકો ફરજિયાત રસીકરણ અને કોવિડ પ્રતિબંધો જેવા સરકારી આદેશો સામે ઉગ્ર વિરોધ પ્રદર્શનો કરી રહ્યા છે. કેનેડાના વિવિધ શહેરોમાં લોકો રેલીઓ કાઢી રહ્યા છે અને રસ્તાઓ જામ કરી રહ્યા છે. ત્યારે હવે રવિવારે ઓટાવાના મેયરે જણાવ્યું હતું કે કેનેડાની રાજધાનીમાં ચાલી રહેલ વિરોધ પ્રદર્શન નિયંત્રણ બહાર છે. શહેરનું કેન્દ્ર આ પ્રદર્શનકારીઓ દ્વારા ઘેરાયેલું છે જેને કારણે મેયરે કટોકટીની સ્થિતિ જાહેર કરી છે.
29 જાન્યુઆરીના રોજ પ્રથમ વખત રાજધાની પહોંચેલા પ્રદર્શનકારીઓએ શહેરની શેરીઓમાં તેમની મોટી ટ્રક પાર્ક કરી છે અને તંબુઓ અને કામચલાઉ ઝૂંપડાઓ બાંધ્યા છે – જેને કારણે રાજધાનીમાં રહેવાસીઓનું સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે, ઘણું બધું અટવાઈ પડ્યું છે, અધિકારીઓ ગભરાઈ ગયા છે.
પ્રદર્શનકારીઓને કારણે સ્થાનિકોને થઈ રહી છે સમસ્યાઓ
મેયર જિમ વોટસને કટોકટીની સ્થિતિની જાહેરાત કરી હતી જે ચાલુ પ્રદર્શનો દ્વારા ઉદ્ભવતા રહેવાસીઓની સલામતી અને સુરક્ષા માટેના ગંભીર જોખમો દર્શાવે છે અન્ય અધિકારક્ષેત્રો અને સરકારના સ્તરો તરફથી ટેકાની જરૂરિયાત પર ભાર આપે છે.
રવિવારે વોટસને પરિસ્થિતિને સંપૂર્ણપણે નિયંત્રણની બહાર તરીકે ગણાવી હતી અને ઉમેર્યું હતું કે અમારી પાસે પોલીસ અધિકારીઓ છે એના કરતા વધુ પ્રદર્શનકારીઓ છે. સ્પષ્ટપણે અમારી સંખ્યા ઓછી છે અને એ લોકોની સંખ્યા વધારે છે એટલે અમે આ યુદ્ધ હારી રહ્યા છીએ. તેમણે કહ્યું કે આ પરિસ્થિતિને પલટાવવી પડશે, અમારે અમારું શહેર પાછું મેળવવું પડશે.’
તેમણે વિરોધ પ્રદર્શન કરતા ટ્રકર્સને સંવેદનહીન કહ્યા કારણ કે તેઓ સતત હોર્ન અને સાયરન વગાડી રહ્યા છે અને ફટાકડા ફોડી રહ્યા છે અને પ્રદર્શનને પાર્ટીમાં ફેરવી રહ્યા છે.
અમેરિકન-કેનેડિયન સરહદ પાર કરતી વખતે રસીકરણ ફરજિયાત કરવાને કારણે ગુસ્સે થયેલા ટ્રકર્સ દ્વારા વિરોધ પ્રદર્શનો શરૂ થયા હતા, પરંતુ કોવિડ-19 આરોગ્ય પ્રતિબંધો અને વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોની સરકાર સામે વ્યાપક વિરોધમાં ફેરવાઈ ગયું હતું. સ્થાનિકોએ એર હોર્નના અવિરત અવાજ અને વિરોધીઓ દ્વારા હેરાન, અપમાન અથવા અવરોધિત થવાની ફરિયાદ કરી છે.
ટ્રકર્સ અને તેમના સમર્થકોએ અહીં ઘેરાવો કરીને બેઠા છે અને તેમણે કહ્યું કે જ્યાં સુધી કોવિડ-સંબંધિત પ્રતિબંધો હટાવવામાં નહીં આવે ત્યાં સુધી વિરોધ ચાલુ રહેશે. પોલીસે રવિવારે પ્રદર્શનકારીઓને તેમના દેખાવો ચાલુ રાખવામાં જે મદદ મળી રહી છે તેને રોકવાના નવા પગલાની જાહેરાત કરી. ફોર્સે ટ્વિટ કર્યું, ‘પ્રદર્શનકર્તાઓ માટે કોઈ પણ પ્રકારનો મટીરીયલ સપોર્ટ (ગેસ વગેરે) લાવવાનો પ્રયાસ કરનાર કોઈપણની ધરપકડ થઈ શકે છે.’
ઘણા ટ્રકર્સ પર દંડ લાદવામાં આવ્યો
એ જ રીતે શનિવારે ટોરોન્ટો, ક્યુબેક અને વિન્નિપેગ શહેરોમાં પણ નાના પાયે વિરોધ પ્રદર્શનો થયા હતા. ક્વિબેકમાં પોલીસે જણાવ્યું હતું કે લગભગ 30 મોટી ટ્રકો મુખ્ય રસ્તાને રોકીને રહ્યા હતા અને તેઓને ચેતવણી આપવામાં આવી છે કે જો તેઓ જલ્દી હટશે નહીં તો તેમના પર દંડ લાદવામાં આવશે.
શનિવારે ઓટ્ટાવા અધિકારીઓ સાથેની ઈમરજન્સી મિટિંગમાં પોલીસ વડા પીટર સ્લોલીએ આ ઘટનાને ઘેરાબંધી ગણાવીને કહ્યું કે આ પ્રદર્શનોને ખતમ કરવા માટે તેમની પાસે પૂરતા સંસાધનોનો અભાવ છે અને તેમને આ માટે રીઇન્ફોર્સમેંટની માંગ કરી. ઓટ્ટાવા પોલીસને ટૂંક સમયમાં લગભગ 250 રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ – એક ફેડરલ ફોર્સનું રીઇન્ફોર્સમેંટ મળશે.
સીટી કાઉન્સીલના મેમ્બર ડિયાન ડીન્સે શનિવારે વિરોધીઓ વિશે જણાવતા કહ્યું કે ‘આ જૂથ આપણી લોકશાહી માટે ખતરો છે. આપણે જે જોઈ રહ્યા છીએ તે માત્ર ઓટ્ટાવા શહેરની સમસ્યા કરતાં ઘણું મોટું છે, આ દેશવ્યાપી બળવો છે. આ ગાંડપણ છે.’
પોલીસે રવિવારે જણાવ્યું હતું કે તેઓએ શનિવાર સવારથી લગભગ 450 ટિકિટો કાપી હતી, જેમાં વધુ પડતા અવાજ અને ફટાકડાના ઉપયોગ સહિત મોટાભાગે નાના ભંગ માટે ટીકીટ આપવામાં આવી હતી. જોકે એક ટ્રક જે ચોરાઈ હતી તેને જપ્ત કરવામાં આવી હતી.
તેઓએ જણાવ્યું હતું કે ‘અત્યંત વિક્ષેપકારક’ વિરોધીઓ દ્વારા કેટલાક કિસ્સાઓમાં જાહેર સલામતી જોખમાઈ હતી, જેના કારણે સ્થાનિક રહેવાસીઓને ‘અસ્વીકાર્ય તકલીફ’ થઈ હતી. એક નિવેદનમાં જણાવ્યું છે કે પોલીસે સંભવિત 97 ફોજદારી ગુનાઓની તપાસ શરૂ કરી છે.