પાકિસ્તાની અવળચંડાઇ ફરી એકવાર સામે આવી છે. પાકિસ્તાને એક નવો નકશો તૈયાર કર્યો છે. જેમાં જૂનાગઢ, લદ્દાખ અને જમ્મુ-કાશ્મીરને પાકિસ્તાનનો હિસ્સો બતાવ્યો છે. પાકિસ્તાન સરકારે આ નકશો દરેક ન્યૂઝ ચેનલને રાત્રે 9 વાગ્યાના બુલેટીન પહેલાં 2 સેકન્ડ બતાવવા માટે ફરમાન કર્યું છે.
ઉલ્લેખનીય છે કે કાશ્મીરમાંથી 370ની કલમમાં ફેરફાર બાદ પાકિસ્તાને અનેક ધમપછાડા કર્યા છતાં વૈશ્વિક મંચ પર તેમની વાત ચીન અને તુર્કી સિવાય બીજા કોઇ મુસ્લિમ દેશ પણ સાંભળવા તૈયાર નથી. તેના પગલે પોતાના દેશની પ્રજાને ગમે તે રીતે શાંત કરવા માટે ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં પ્રધાનમંત્રી ઇમારાન ખાને કાશ્મીર, ગુજરાતના જુનાગઢ અને કચ્છની સિરક્રીકને સમાવતો એક કાલ્પનિક પાકિસ્તાની નકશો જાહેર કર્યો હતો.
પાકિસ્તાન ઈલેક્ટ્રોનિક મીડિયા રેગ્યુલેટરી ઓથોરિટી (પેમરા) દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન મુજબ સરકારે તમામ ટીવી ચેનલોને રાત્રે 9 વાગ્યાના ન્યૂઝ બુલેટિન પ્રસારિત કરતા પહેલા દરરોજ પાકિસ્તાનનો નકશો બતાવવાનું ફરજિયાત રહેશે. તેવું ફરમાન કર્યું છે.
પાકિસ્તાનના માહિતી અને પ્રસારણ મંત્રી ફવાદ ચૌધરીએ દાવો કર્યો છે કે, સરકારને PEMRA ઓર્ડિનન્સ 2002ની કલમ 5 હેઠળ આ પ્રકારનો નિર્દેશ જારી કરવાનો અધિકાર છે. PEMRA પાકિસ્તાનની મીડિયા ઓથોરિટી છે. આ પહેલા પણ PEMRA પર ન્યૂઝ ચેનલો વિરુદ્ધ અનેક આદેશો દ્વારા કઠોર નીતિ અપનાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
એક રીતે આ આ દેશની મજાક પણ ઉડી રહી છે. તો આદેશ અંગે ત્યાંના કેટલીક મીડિયા સંસ્થાએ વિરોધ પણ કર્યો છે. આમ તો આ નકશો વાસ્તવિકતાથી જોજનો દૂર હોવાથી વૈશ્વિક રીતે નકશાને દુનિયાના બીજા દેશો તો ઠીક ખુદ પાકિસ્તાનના લોકોએ પણ ગંભીરતાથી લીધો ન હતો. હવે પાકિસ્તાનની સરકારે આ નકશાને લોકો સુધી લઇ જવા એક ફતવો બહાર પાડ્યો છે. પાકિસ્તાની ટીવી ચેનલોએ હવે કાશ્મીરનો નવો નકશો બતાવવો પડશે. જેમાં ગુજરાતના જુનાગઢ અને કચ્છના સિરક્રીકનો પણ સમાવેશ થાય છે. અનેક લોકો આ નવા આદેશને સર્કસ કહી રહ્યા છે.