ચીનના સૌથી મોટા સ્ટાર ખેલાડીઓમાંથી એક પેંગ શુઈએ વિશ્વના નંબર 1 ટેનિસ ડબલ્સ પ્લેયરનો ખિતાબ જીત્યો છે. હવે શુઈએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા સાર્વજનિક રીતે ચીનના એક ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન પર ઘણા વર્ષો પહેલા જબરદસ્તી યૌન સંબંધ બનાવવાનો આરોપ લગાવ્યો છે. બાદમાં તેણે પોતાની પોસ્ટ ડિલીટ કરી દીધી હતી. મંગળવારે મોડી રાત્રે તેના વેરિફાઇડ વીબો એકાઉન્ટના સ્ક્રીનશોટ દ્વારા આની પુષ્ટિ કરવામાં આવી હતી.
એક ન્યૂઝ એજન્સી અનુસાર, પેંગ શુઈએ કહ્યું કે પોલિટબ્યુરો સ્ટેન્ડિંગ કમિટીના ભૂતપૂર્વ સભ્ય ઝાંગ ગાઓલીએ તેને સેક્સ માટે દબાણ કર્યું અને બાદમાં બંને વચ્ચે સહમતિથી સંબંધ બંધાયા. પોલિટબ્યુરો ચીનની ટોચની નિર્ણય લેતી સંસ્થા છે. પોસ્ટ પ્રકાશિત થયાના લગભગ અડધા કલાક પછી તેને દૂર કરવામાં આવી હતી. જોકે, આ પોસ્ટ બાદ ચીન દ્વારા નિયંત્રિત ઈન્ટરનેટ પર પેંગનું નામ ઝડપથી સર્ચ થવા લાગ્યું.
ઝડપથી વાયરલ થયો પોસ્ટનો સ્ક્રીનશોટ
તેની પોસ્ટનો સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ગયો. ચીનના ઇન્ટરનેટ પર વિવિધ નિયંત્રણો છે અને ટોચના નેતાઓનું અંગત જીવન અહીં ખાસ કરીને સંવેદનશીલ વિષય છે. પેંગે આ સંબંધમાં પૂછવામાં આવેલા પ્રશ્નોનો તરત કોઈ જવાબ આપ્યો નથી. તેણે પોસ્ટમાં કહ્યું હતું કે તે તેના આરોપોનું સમર્થન કરવા માટે કોઈ પુરાવા આપી શકી નથી.
વિદેશ મંત્રાલયે જવાબ આપ્યો નથી
ચીનના સ્ટેટ કાઉન્સિલ ઈન્ફોર્મેશન ઓફિસે પણ આ અંગે કોઈ જવાબ આપ્યો નથી. વીબો પોસ્ટ વિશે પૂછવામાં આવતા, વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબિને કહ્યું કે તેઓ આ મુદ્દાથી વાકેફ નથી અને તે વિદેશી બાબતોથી સંબંધિત પ્રશ્ન નથી. 2018માં #MeToo આંદોલન શરુ થતા પહેલા સુધી, ચીનમાં યૌન શોષણના કિસ્સાઓ ભાગ્યે જ સામે આવતા હતા.