રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સામે તોડકાંડના આક્ષેપ ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલે કરતાં પોલીસની આબરૂના લીરેલીરા ઉડી ગયા છે. જેના કારણે હવે સ્વરછ પ્રતિભા ધરાવતા કોઇ IPS રાજકોટ પોલીસ કમિશનર બનવા તૈયાર ન હોવાનુ ઉચ્ચ પોલીસ અધિકારીઓ તરફથી જાણવા મળ્યુ છે.
મનોજ અગ્રવાલની હકાલપટ્ટી કરીને તેમની જગ્યાએ અન્ય IPS અધિકારીઓને રાજકોટ પોલીસ કમિશનર બનાવવા માટે સરકારે પ્રયાસો કરી રહી છે, પરંતુ તેમાં કોઇ સફળતા મળી રહી ન હોવાનુ જાણવા મળ્યુ છે.
સ્વરછ પ્રતિભા ધરાવતાં કોઇપણ ઉચ્ચ અધિકારીઓ કાંટાળો તાજ પહેરવા તૈયાર નથી. જેના કારણે અન્ય 40થી પણ વધારે IPS અધિકારીઓની બદલીનુ કોકડુ ગુંચવાયુ હોવાનુ જાણવા મળ્યુ છે. નોંધનીય છે કે, અગાઉ રાજકોટ પોલીસ કમિશનર થવા માટે આ જ IPS અધિકારીઓ છેક દિલ્હી સુધી લોબીંગ કરતા હતા.
ગુજરાતમાં 40થી પણ વધારે IPS અધિકારીઓની બદલી માટે છેલ્લા ઘણા સમયથી તખ્તો તૈયાર થઇ રહ્યો છે, પરંતુ 4 કમિશનરેટમાંથી રાજકોટ, વડોદરા અને સુરત સહિતના ત્રણ પોલીસ કમિશનરેટ તેમજ એસીબી જેવી મહત્વની એજન્સીના ડાયરેકટર પદેથી કેશવ કુમાર જ્યારથી નિવૃત થયા બાદ, અમદાવાદ સ્પેશ્યલ બ્રાંચના અધિક પોલીસ કમિશનરની જગ્યાઓ ચાર્જ પર ચાલી રહી છે.
જો કે સરકારમાં કમિશનરેટ માટેના શહેરોમાં પણ મનોજ અગ્રવાલના તોડકાંડના કારણે જરાયે કાચુ કપાય નહીં તે માટે સભાન છે. સુરત અને અમદાવાદ રેન્જ માટે અલગ-અલગ જગ્યાએથી લોબીંગ થતુ હોવાથી સરકાર પણ ઝડપથી કોઇ નિર્ણય લઇ શકતી ન હોવાનુ જાણવા મળ્યુ છે.
ઉચ્ચ અધિકારીઓનુ માનીએ તો અનેક IPS અધિકારીઓની બદલીના હુકમો તૈયાર કરી દેવામા આવ્યા હોવા છતાં રાજકોટ સી.પીનુ કોકડું ગુંચવાયેલુ હોવાથી તે ઉકેલીને સરકાર બદલીઓના ગંજીફો ચીપી દેશે તેમ જાણવા મળ્યુ છે.