રાજકુમાર રાવ અને પત્રલેખા છેલ્લા ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. હવે રાજકુમાર રાવ અને પત્રલેખા બંનેએ આ સંબંધને આગળ વધારવાનું નક્કી કર્યું છે. બંને આ વર્ષે નવેમ્બરમાં લગ્નના બંધનમાં બંધાઈને તેમના પ્રેમ સંબંધને મજબૂત કરવા જઈ રહ્યા છે. બંનેના લગ્નની તારીખ સામે આવી ગઈ છે.
નવેમ્બરમાં લગ્ન કરવાની ચર્ચાઓ
રાજકુમાર રાવ અને પત્રલેખાએ તેમના કેટલાક મિત્રોને લગ્ન સમારોહ માટે આમંત્રણ આપ્યું છે. એક અહેવાલ અનુસાર, બંનેના લગ્નને લઈને જે તારીખો ચર્ચાઈ રહી છે તે 10-11-12 નવેમ્બર છે. પત્રલેખાને વર્ષ 2018 માં તેના લગ્ન વિશે પૂછવામાં આવ્યું હતું, ત્યારે તેણે કહ્યું હતું કે, ‘લગ્ન પહેલા, રાજકુમાર રાવ અને તેણે ઘણી બધી બાબતો પર ધ્યાન કેન્દ્રિત આપવાનું છે, તેથી હજુ ઓછામાં ઓછા 6-7 વર્ષ માટે તેમની લગ્નની કોઈ યોજના નથી.’ પરંતુ હવે લાગે છે કે બંનેએ લગ્ન કરવાનું મન બનાવી લીધું છે.
રાજકુમાર અને પત્રલેખા લગભગ 10 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે અને ઘણા લાંબા સમયથી લિવ-ઇન રિલેશનશિપમાં છે. પત્રલેખા અભિનેતાને પ્રેમથી રાજ કહીને બોલાવે છે. જો કે, હજુ સુધી તેમના લગ્નની બંને પક્ષો તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
પત્રલેખાએ એક ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે મેં તેને (રાજકુમાર) પહેલીવાર ઓન-સ્ક્રીન જ્યારે LSD (‘લવ સેક્સ ઔર ધોખા’) જોઈ ત્યારે જોયો હતો. મેં વિચાર્યું હતું કે ફિલ્મમાં તેણે જે વિચિત્ર વ્યક્તિની ભૂમિકા ભજવી હતી, શું હકીકતમાં પણ એ એવા જ છે? પરંતુ એમને મળ્યા બાદ મારો આ વિચાર સંપૂર્ણ રીતે ખોટો સાબિત થઈ ગયો.
જણાવી દઈએ કે રાજકુમાર રાવ અને પત્રલેખાના ફેન્સ તેમના લગ્નના સમાચાર સાંભળીને ખૂબ જ ખુશ છે, તેમને સોશિયલ મીડિયા પર તેમના લગ્ન માટે અભિનંદન મળી રહ્યા છે. રાજકુમારની ફિલ્મોની વાત કરીએ તો હાલમાં જ તેની ફિલ્મ ‘હમ દો હમારે દો’ રિલીઝ થઈ છે, જેમાં તે કૃતિ સેનન સાથે જોવા મળી રહ્યો છે.