ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ ઇંગ્લેન્ડ સામે નોટિંગહામ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે તેના નામે મોટી સિદ્ધિ નોંધાવી હતી. જાડેજાએ પ્રથમ દાવમાં 56 રન બનાવ્યા હતા. આ સાથે જાડેજાએ ટેસ્ટ ક્રિકેટમાં તેના 2000 રન અને 200 વિકેટ પણ પૂરી કરી હતી.
જાડેજા ટેસ્ટમાં 2000 રન અને 200 વિકેટ લેનાર ભારતનો 5 મો ખેલાડી અને દુનિયાનો 21 મો ખેલાડી બની ગયો છે. અગાઉ પૂર્વ કેપ્ટન કપિલ દેવ, રવિચંદ્રન અશ્વિન, અનિલ કુંબલે અને હરભજન સિંહે ભારત માટે આ સિદ્ધિ હાંસલ કરી છે.
જાડેજાએ 53 મી ટેસ્ટમાં આ સિદ્ધિ મેળવી હતી
જાડેજાએ બાઉન્ડ્રી મારફતે આ સિદ્ધિ મેળવી હતી. ડાબોડી સ્પિનર જાડેજાએ પોતાની 53 મી ટેસ્ટમાં આ આ ઉપલબ્ધિ મેળવી છે. અગાઉ, ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર ઇયાન બોથમ (42 ટેસ્ટ), અનુભવી ઓલરાઉન્ડર કપિલ દેવ (50 ટેસ્ટ), પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન ઇમરાન ખાન (50 ટેસ્ટ) અને આર અશ્વિને (51 ટેસ્ટ)માં આ રેકોર્ડ બનાવ્યો હતો.
જાડેજાની અડધી સદીની મદદથી ભારતે 95 રનની લીડ મેળવી
જાડેજાએ પોતાની અડધી સદીમાં આઠ ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. ભારતે પ્રથમ દાવમાં 95 રનની લીડ લીધી હતી. જાડેજા અને ઓપનર કે.એલ રાહુલે આ લીડમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.