યૂક્રેનના વિદેશ મંત્રી દિમિત્રી કુલેબાએ જણાવ્યું હતું કે વિશ્વના સૌથી મોટા વિમાનને રશિયન સૈનિકોએ આજે કિવ નજીકના એક એરફિલ્ડમાં તોડી પાડ્યું હતું. મોસ્કોએ તેના આક્રમણના ચોથા દિવસે પણ તેના પાડોશી યૂક્રેન પર હુમલો કરવાનું ચાલુ રાખ્યું. એરક્રાફ્ટ AN-225 ‘Mriya’, જેનો અર્થ યૂક્રેનિયનમાં ‘સપનું’ થાય છે, તે યુક્રેનિયન એરોનોટિક્સ કંપની એન્ટોનોવ દ્વારા બનાવવામાં આવ્યું હતું. તે વિશ્વના સૌથી મોટા કાર્ગો પ્લેન તરીકે ઓળખવામાં આવતું હતું. કિવની બહાર હોસ્ટોમેલ એરપોર્ટ પર રશિયાએ ગોળીબાર કરીને એરક્રાફ્ટને કથિત રીતે બાળી નાખ્યું હતું.
એરક્રાફ્ટના નષ્ટ થવા પર શોક વ્યક્ત કરતા યૂક્રેને તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી ટ્વિટ કર્યું, ‘વિશ્વનું સૌથી મોટું પ્લેન ‘મરિયા’ (ધ ડ્રીમ) કિવ નજીકના એક એરફિલ્ડમાં રશિયન સેનાએ નષ્ટ કરી દીધું. અમે પ્લેનનું પુનઃનિર્માણ કરીશું. અમે એક મજબૂત, સ્વતંત્ર અને લોકતાંત્રિક યૂક્રેનના પોતાના સપનાને સાકાર કરીશું.’
અમારા સપનાને નષ્ટ નહીં કરી શકે
ટ્વિટની સાથે, યૂક્રેને પ્લેનનો ફોટો પોસ્ટ કર્યો હતો, સાથે કેપ્શન લખ્યું હતું: ‘તેઓએ સૌથી મોટા પ્લેનને બાળી નાખ્યું પરંતુ અમારા મરિયા ક્યારેય નષ્ટ થશે નહીં.’
દિમિત્રો કુલેબાએ તેમની લાગણીને ઓનલાઈન રજૂ કરી. વિદેશ મંત્રીએ ટ્વીટ કર્યું કે ‘તે વિશ્વનું સૌથી મોટું એરક્રાફ્ટ, AN-225 ‘Marya’’ (યૂક્રેનિયન ‘સપનું’) હતું. રશિયાએ ભલે અમારા ‘Marya’ ને નષ્ટ કરી નાખ્યું હોય પરંતુ તેઓ ક્યારેય મજબૂત, સ્વતંત્ર અને લોકતાંત્રિક યુરોપિયન રાજ્યના અમારા સપનાને નષ્ટ નહીં કરી શકે. અમે મજબૂત બનીશું!’
એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ કંપનીએ કહી આ વાત
એરક્રાફ્ટ નિર્માતા એન્ટોનોવે કહ્યું કે તે એ વાતની પુષ્ટિ કરી શકાતું નથી કે વિમાનની સ્થિતિ શું છે. એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ કંપનીએ ટ્વીટ કર્યું, ‘હાલમાં, જ્યાં સુધી AN-225 નિષ્ણાતો દ્વારા તપાસવામાં ન આવે ત્યાં સુધી અમે એરક્રાફ્ટની ટેકનિકલ સ્થિતિ અંગે રિપોર્ટ આપી શકીએ નહીં. વધુ સત્તાવાર જાહેરાતની રાહ જુઓ.’
રશિયાએ ગુરુવારે જોરદાર આક્રમણ શરૂ કર્યા બાદ યૂક્રેનના કેટલાય શહેરો પર ક્રૂઝ મિસાઇલોનો વરસાદ કરી રહ્યું છે. યૂક્રેનના બીજા સૌથી મોટા શહેર ખાર્કિવમાં રવિવારે રસ્તાઓ પર લડાઈ ફાટી નીકળી હતી. દરમિયાન, યૂક્રેનિયન સૈન્ય, જે અગાઉ પોતાનો બચાવ કરવામાં નિષ્ફળ હતું, તેણે રશિયન સૈનિકો પાસેથી શહેરનું ફરીથી નિયં��્રણ મેળવવામાં સફળ રહ્યું હતું.
રાજધાની કિવમાં સખત યુદ્ધ સમયનો કર્ફ્યુ હોવા છતાં, શહેરમાં ગોળીબાર અને વિસ્ફોટો ચાલુ જ છે. શનિવાર સુધીમાં, યૂક્રેનમાં ચાલી રહેલા સંઘર્ષમાં ત્રણ બાળકો સહિત 198 નાગરિકો માર્યા ગયા છે, જ્યારે અત્યાર સુધીમાં 1,115 લોકો ઘાયલ થઈ ચુક્યા છે.